જાડેજાને લઇને નવો ખુલાસો, તો શું રવિ શાસ્ત્રી દેશ સાથે ખોટું બોલ્યા હતાં?

ભારતીય ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઈજાનો મામલો સતત નવો વળાંક લઇ રહ્યો છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદે કહ્યું છે કે ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સંપૂર્ણ રીતે ફીટ હતાં ત્યારે તેમની ટીમમાં પસંદગી કરવામાં આવી. પ્રસાદનું આ નિવેદન ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના આ નિવેદનથી અલગ છે, જેમાં શાસ્ત્રીએ કહ્યું હતું કે જાડેજા ઓસ્ટ્રેલિયા આવતા પહેલા સંપૂર્ણ રીતે ફિટ ન હતાં.

તેમણે કહ્યું હતું કે જાડેજા જ્યારે રણજી ટ્રોફી મેચ રમી રહ્યાં હતાં, ત્યારે તેના ખભામાં દુ:ખાવો હતો અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યાના ચાર દિવસ બાદ તેમને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતાં. પરંતુ હવે મુખ્ય પસંદગીકાર અને પૂર્વ વિકેટકીપર પ્રસાદે જાડેજાની ફિટનેસને લઇને કંઈક અલગ જ નિવેદન આપ્યું છે. પ્રસાદ પ્રવાસ શરૂ થતાની સાથે જ ભારતીય ટીમની સાથે છે. જાડેજા બીજી ટેસ્ટ મેચમાં ટીમનો ભાગ હતા નહીં. પરંતુ હવે બુધવારથી શરૂ થઇ રહેલ ત્રીજી ટેસ્ટ માટે તેમને અંતિમ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યાં છે.

એમએસકે પ્રસાદે સંવાદદાતાઓને કહ્યું, ‘જ્યારે અમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જાડેજાની પસંદગી કરી હતી તો તેઓ સંપૂર્ણ રીતે ફિટ હતાં. પસંદગી માટે યોજાનારી બેઠક પહેલા પસંદગી સમિતિને બધા ખેલાડીઓનો ફિટનેસ રિપોર્ટ આપવામાં આવે છે. આ રિપોર્ટમાં જાડેજા સંપૂર્ણ રીતે ફિટ હતાં. તેથી અમે તેની પસંદગી કરી. તેમણે કહ્યું, ત્યારબાદ જાડેજાએ રેલવે વિરુદ્ધ રણજી ટ્રોફીની મેચ રમી અને 60થી વધુ ઓવર પણ નાખી. તેથી એ કહેવુ યોગ્ય નથી કે પસંદગી સમયે તેઓ અનફિટ હતાં.’

પ્રસાદે ત્રીજી ટેસ્ટ મેચમાં ઈનિંગની શરૂઆત અંગે કહ્યું કે હનુમા વિહારીને તક મળી શકે છે. લોકેશ રાહુલ અને મુરલી વિજય ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયા બાદ હનુમા, મયંક અગ્રવાલની સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે. મયંક પોતાની પદાર્પણ ટેસ્ટ મેચ રમી શકશે.

મુખ્ય કોચ રવિ શાસ્ત્રી

મુખ્ય પસંદગીકારે કહ્યું, “ટેકનિકલ સ્વરૂપથી અમને લાગ્યું કે હનુમા મજબૂત છે. એવી ઘણી તક છે કે જ્યારે ટીમની જરૂરિયાત મુજબ ચેતેશ્વર પૂજારાએ પણ ઈનિંગની શરૂઆત કરી છે. ટીમને હજી તેની જરૂરિયાત છે અને હું આશ્વસ્ત છું કે તેઓ સફળ થશે. જોકે, હું એવુ કહી શકુ છુ કે આ લાંબા સમય માટે સમાધાન થશે નહીં.”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter