GSTV
Rajkot ગુજરાત

રાજકોટ મનપામાં સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક : જિલ્લાના વિકાસ કામોનો હિસાબ લીધો, કોર્પોરેટરોને આપી આ ખાસ સૂચના

રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકા તા. 19-11-1973ના અસ્તિત્વમાં આવ્યા બાદ 49 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મનપાના વિકાસકામો અને શહેરના પ્રશ્નોની સમીક્ષા બેઠક ભાજપના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓ સાથે યોજી હતી અને મનપાએ રજૂ કરેલા કામોના પ્રેઝન્ટેશનથી સંતોષ વ્યક્ત કરીને વિકાસકામો સમયસર પૂરા કરવા અને કોર્પોરેટરોને વોર્ડના કામોને અગ્રતા આપવા સૂચના આપી હતી. આ પહેલા તેમણે રામપરા બેટી ખાતે વિચરતી જાતિના લોકોને આવાસ સનદના લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બપોર બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વિકાસકામો કેટલા થયા તેનો હિસાબ લીધો હતો.

મહાપાલિકા કચેરીમાં કોઈ મુખ્યમંત્રી પ્રથમવાર આવતા હોવાના આ ઐતહાસિક પ્રસંગને ધ્યાને લઈને પરિસરમાં અને લોબીમાં લાલ જાજમ બીછાવી, મુખ્યમંત્રીનું કૂમકૂમ તિલક ,પૂષ્પવર્ષા, રાસ ગરબાથી ભવ્ય સ્વાગત પ્રથમ નાગરિક મેયર પ્રદિપ ડવની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મીટીંગમાં રાજકોટમાં પાંચ ઓવરબ્રિજના કામો, સ્માર્ટ સિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર,અટલ સરોવર સહિતના કામો, રૈયા જેટકો ચોકડીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આવાસ યોજના, લાઈટ હાઉસ, રામવન, રામનાથ મહાદેવ મંદિર વગેરે ચાલતી કામગીરીનું મુખ્યમંત્રી સમક્ષ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પ્રેઝન્ટેશન કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મીટીંગમાં દરેક કોર્પોરેટર સાથે સીધો સંવાદ કર્યો હતો અને કોઈ ફરિયાદ હોય,પ્રશ્ન હોય તો જણાવવા કહ્યું હતું પરંતુ, કોર્પોરેટરોએ ફરિયાદો રજૂ નહીં કરતા તંત્રમાં સંકલન,સુમેળથી થતી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેટરોએ આવાસ યોજના, ઈસ્ટઝોન ટી.પી.સ્કીમ સહિતના સામાન્ય પ્રશ્નો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ આ સૌથી શાંત ઓછા પ્રશ્નોવાળી બેઠક ગણાવી હતી. અને કોર્પોરેટરોને વોર્ડમાં રસ્તા,પાણી,ગટર સહિતના લોકોની જરૂરિયાત,અપેક્ષાના કામો અગ્રતાના ધોરણે આગળ વધારવા જણાવીને રાજકોટને પાણી પ્રશ્ને મૂશ્કેલી નહીં પડવા દઈએ, ફંડના વાંકે બ્રિજ સહિતના પ્રોજેક્ટ અટકવા નહીં દઈએ તેવી ખાત્રી આપી હતી. મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ ઐતહાસિક ઘટના ગણાવી હતી. સાથે વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ વગેરે પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ મનપામાં ટીપરવાન,સોલીડ વેસ્ટ વાહનોને ફ્લેગઓફ આપી પ્રારંભ કરાવ્યો હતો.

રાજકોટ

રાજકોટ નજીકના રામપરા બેટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે વિચરતી જાતિના 65 પરિવારોને પાણી,વિજળી જોડાણ સાથે ઘરનું ઘર ફાળવવા ‘વગડામાંથી વ્હાલપની વસાહત ‘કાર્યક્રમ યોજાયો હતો. 300 લાભાર્થીઓને 40 ચો.મી.પ્લોટની ફાળવણીના હૂકમો કરાયા હતા. 29 લાભાર્થીને ગેસ સિલિન્ડરની ફાળવણી થઈ હતી. મવડી હેડક્વાર્ટર ખાતે 14.43 કરોડના આવાસોનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ વિચરતી જાતિના લોકોને દરેકને સંતાનોને અચૂક ભણાવવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી. કાર્યક્રમમાં શિક્ષણમંત્રી, સમાજ અધિકારિતા મંત્રી વગેરે હાજર રહ્યા હતા.

બપોર બાદ કલેક્ટર કચેરીએ જિલ્લામાં ચાલતા એઈમ્સ, હીરાસર એરપોર્ટ, નવું કોર્ટ બિલ્ડીંગ, ઝનાના હોસ્પિટલ, સાયન્સ મ્યુઝિયમ, માધાપર બ્રિજના કામોની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આ ઉપરાંત ઈશ્વરીયા પાર્ક, મિલ્ક પ્રોસેસિંગ ડેરી પ્લાન્ટ, નવી પ્રાંત કચેરીઓ, ઢેબર સેનેટોરિયમમાં હોસ્પિટલ, ઓસમ ડુંગર, ઘેલા સોમનાથ મંદિર, ખંભાલિડા ગુફા, ગોંડલ-જેતપુર સિક્સલે સહિતના કામોની વિગતો આપી હતી. બેઠકમાં ધારાસભ્યો અને જિ.પં.સભ્યોએ સરકારી જમીનમાં થતા દબાણો અને ગેસ જોડાણના પ્રશ્નોની ફરિયાદો રજૂ કરી હતી જે પરત્વે મુખ્યમંત્રી પટેલે તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્વરે પ્રયાસની ખાત્રી આપી હતી.

Read Also

Related posts

સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો

pratikshah

BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ

pratikshah

જળ આંદોલન! બનાસકાંઠાના 125 ગામડાઓના 25 હજાર ખેડૂતોની મહારેલી, પાણીની માંગણીને સરકારના કાન સુધી પહોંચાડશે

pratikshah
GSTV