GSTV
Home » News » વાયુ વાવાઝોડાની અસરે તાલાલા અને સુત્રાપાડામાં મુશળધાર 10 ઈંચ વરસાદ

વાયુ વાવાઝોડાની અસરે તાલાલા અને સુત્રાપાડામાં મુશળધાર 10 ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરથી ગઈકાલે ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો ટળ્યો  હતો, પણ તેની અસરથી ગત મધરાત્રે તોફાની પવન ફૂંકાવા સાથે ૦ાા થી ૧૦ ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. સૌથી વધુ તાલાલા અને સુત્રાપાડામાં મુશળધાર ૧૦ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. વેરાવળમાં પણ છ ઈંચ તો મેંદરડા અને વંથલીમાં પાંચ ઈંચ, જ્યારે જૂનાગઢ, કોડીનાર અને માળીયા હાટીનામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટમાં ગત મધરાતે અડધો ઈંચ વરસાદ પડયો હતો. તાલાલા તાલુકામાં કેસર કેરીનાં પાકને નુકસાન થયુ ંહતું. તો કોડીનારમાં વધુ ત્રણ મકાનો ધરાશાયી થયા હતાં. ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી  ભરાયા હતાં. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી છવાઈ છે. રાજકોટ શહેરમાં ગઈકાલે મધરાત્રિથી ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. આજે સવાર સુધીમાં અડધો ઈંચ જેવો પડયો હતો. આ સાથે દિવસ દરમિયાન તેજ પવન ફૂંકાતો રહ્યો હતો. એ જ રીતે રાજકોટ જિલ્લાનાં ગોંડલ, કોટડાસાંગાણી અને ધોરાજીમાં એક ઈંચ તો જામકંડોરણામાં પોણો ઈંચ અને વિંછીયામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.

લોધીકા અને પડધરીમાં ઝાપટા તો ઉપલેટા અને જેતપુરમાં ફકત છાંટા પડયા હતાં, ધોરાજીનાં મોટીમારડ, પીપળીયા, વાડોદર,  ભાદાજાળીયા અને ઉદકીયા સહિતનાં ગામોનાં ૨ થી ૩ ઈંચ મેઘમહેર વરસી હતી. ઉપલેટાનાં ઢાંકમાં દોઢ ઈંચ વરસાદથી ખુસીનો માહોલ છવાયો હતો. ગીર સોમનાથ જિલ્લા ઉપરથી ભયાવહ વાવાઝોડાનો ખતરો ગઈકાલે ટળ્યા બાદ મધરાતથી મુશળધાર વરસેલા ૧ાા થી ૧૦ ઈંચ જેવા વરસાદે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને જળતરબોળ કરી નાંખ્યા હતાં. આ સાથે તોફાની પવન પણ ફૂંકાતા ખાનાખરાબી  પણ સર્જાઈ હતી. સૌથી વધુ તાલાલા અને સુત્રાપાડામાં સાંબેલાધારે ૧૦ ઈંચ વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તાલાલા શહેરમાં ૨૪૬ મી.મી. એટલે કે ૧૦ ઈંચ જેવા વરસાદથી ઠેર-ઠે પાણી ભરાયા હતાં.

તાલાલા તાલુકાનાં આંબળાશ ગીર, ચિત્રાવડ ગીર, હિરણવેલ, ધાવા ગીર,  બોરવાવ ગીર, માધુપુર ગીરમાં પણ ૭થી ૮ ઈંચ તો આંકોલવાડી ગીર પંથકમાં ૫થી ૬ ઈંચ મેઘમહેર વરસી હતી. આ સાથે તેજ પવન પણ ફૂંકાયો હોવાથી અનેક સ્થળોએ વૃક્ષો અને વીજ થાંભલા પણ ધરાશાયી થયા હતાં. પરિણામે આંકોલવાડી – ઉના રોડ અને તાલાલા – વેરાવળ રોડ ઉપર વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. બીજી તરફ હજુ કેસર કેરીની સિઝન ચાલુ છે ત્યાં જ ભારે વરસાદ વરસી પડતા એક લાખ બોકસથી વધુ થાય એટલી કેસર કેરી હજુ આંબાઓ ઉપર હોય તેને નુકસાન થયાની ભીતી સેવાઈ રહી છે. આજનાં વરસાદથી હીરણ નદીમાં નવા નીર આવ્યા હતાં. અને ચેકડેમો – નાલા છલકાઈ ગયા હતાં.

વેરાવળમાં પણ ગત રાત્રે ગાજવીજ અને તોફાની પવન સાથે અનરાધાર વરસાદ ચાલુ થયો હતો અને છ ઈંચ જેટલો વરસી જતાં ગાંધી ચોક, સટ્ટા બજાર, સુભાષરોડ, સોમનાથ શોપીંગ સેન્ટર સહિતનાં વિસ્તારોમાં બે – ત્રણ ફૂટ પાણી  ભરાયા હતાં. અનેક મકાનો – દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતાં. એ જ રીતે કોડીનારમાં પણ ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનનાં કારણે સુગર ફેકટરીમાં ૧૫૦ જેટલા સિમેન્ટનાં પતરા ઉડયા હતાં. મૂળ દ્વારકા અને માઢવાડામાં ત્રણ દિવસમાં ૨૦ મકાનો ધરાશાયી થયા બાદ વધુ ત્રણ મકાનો તૂટી પડયા હતાં. જયારે ૨૨ મકાનોને નુકસાની પણ થઈ છે. અનેક સ્થળોએ વૃક્ષો અને વીજથાંભલા પણ તૂટયા હતાં. આ સાથે કોડીનારનાં ડોળાસામાં પણ વધુ એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે ઉના અને ગીર ગઢડામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી ધીમીધારે મેગરાજાનું આગમન થયું હતું. પરંતુ ગત મધરાતથી તેજ પવન શાંત થયા બાદ મેઘરાજાની મનમુકીને પધરામણી થતા, વંથલી અને મેંદરડામાં પાંચ પાંચ ઈંચ, માળીયા અને જૂનાગઢમાં ચાર – ચાર ઈંચ, વિસાવદરમાં અઢી, કેશોદ,  ભેંસાણ અને માંગરોળમાં બે-બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આબેચાગીરમાં પણ પાંચ ઈંચ વરસાદથી આનંદ છવૌયો હતો.

‘વાયુ’ વાવાઝોડાની દહેશત વચ્ચે ગઈકાલથી ધીમીધારે ત્રુટક વરસાદ શરૂ થયો હતો. ત્યારે તોફાની પવન વરસાદને ખેંચી જશે તેવી દહેશત સેવાતી હતી. પણ ગતરાત્રે પવન શાંત પડતા જ મેઘરાજા મન મુકીને વરસવા લાગ્યા હતાં. ગત મધરાતથી આજે બપોર સુધી મેઘકૃપા વરસી હતી. આ સારાવરસાદને પગલે વંથલી, મેંદરડા, માળીયા અને જૂનાગઢ તાલુકામાં વાવણી લાયક વરસાદ પડતા જગતાતમાં ખુશી છવાઈ ગઈ છે. અને વાવણીકાર્ય આરંભ્યું છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.  જયારે ગિરનાર પર્વત ઉપર ચાર ઈંચ પાણી પડતા ગિરનાર સીડી ઉપર ધોધ સ્વરૂપે પાણી વહેવા લાગ્યા હતાં. જંગલમાં સારા વરસાદને કારણે પશુ પક્ષી પ્રાણીઓ ઝુમી ઉઠયા છે. વનસંપદામાંથી અનોખી સુગંધ વહી રહી છે.

READ ALSO

Related posts

હાર્દિક પટેલ અને અમિત શાહ બન્ને આ કાર્યક્રમમાં જોવા મળશે, પોલીસનો ચુસ્ત બંધોબસ્ત

Nilesh Jethva

સુરત બાદ અમદાવાદના યુવાનોને તલવાર વડે કેક કાપવાનો પાનો ચઢ્યો, પોલીસ આવી હરકતમાં

Nilesh Jethva

ધરમપુર વિસ્તારમાં બીજીવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!