Last Updated on April 4, 2021 by pratik shah
વિકાસના નામે જગતમાં જંગલોની કાપ-કૂપ અવિરત પણે ચાલુ છે. વૈશ્વિક એજન્સી ‘ગ્લોબલ ફોરેસ્ટ વૉચ’ના રિપોર્ટ મુજબ ૨૦૨૦માં આખા જગતમાંથી ૧,૨૨,૦૦૦ ચોરસ કિલોમીટર જંગલો કપાયા છે. આ ટ્રોપિકલ ફોરેસ્ટના આંકડા છે. ધરતીના બે ભાગ પાડતી કાલ્પનિક રેખા ઈક્વેટર (વિષુવવૃત અથવા ભુમધ્યરેખા) તરીકે ઓળખાય છે. તેની બન્ને તરફ ફેલાયેલા ગાઢ જંગલો એટલે ટ્રોપિકલ ફોરેસ્ટ. ધરતીનું વાતાવરણ સાચવવામાં આ જંગલોનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. ૨૦૧૯ કરતા જંગલો કપાવાના પ્રમાણમાં ૧૨ ટકા વધારો નોંધાયો હતો.

કપાયેલા જંગલો પૈકી ત્રીજા ભાગના જંગલો એવા હતા, જ્યાં માનવીય પ્રવૃત્તિ નહિવત્ હતી. એટલે કે ખરા અર્થમાં ગાઢ જંગલો હતા, જેને પણ કાપી નખાયા છે. માનવીય દખલગીરી જ્યાં સાવ ઓછી થતી હોય એવા જંગલો પ્રાઈમરી ફોરેસ્ટ તરીકે ઓળખાય છે. કપાયેલા જંગલો પૈકી ૪૨ હજાર ચોરસ કિલોમીટરના જંગલો પ્રાઈમરી હતા. આ પ્રાઈમરી જંગલો કપાયા એટલે એના દ્વારા શોષાતો કાર્બન હવામાં ફેલાશે. એ કાર્બનનું વાર્ષિક પ્રમાણ ૨.૬૪ અબજ ટન જેટલું થાય છે.
ભારતમાં ચાલી રહી પ્રવૃત્તિ

જંગલો કપાવાની પ્રવૃત્તિ ભારતમાં પણ ચાલતી રહી છે. ભારતમાં ૨૦૨૦ દરમિયાન ૩૮૫ ચોરસ કિલોમીટર ગાઢ જંગલો કપાયા હતા. ભારતમાં આ આંકડો નાનો હોવા છતાં ૨૦૧૯ કરતાં ૧૪ ટકા વધારે છે. વળી આ આંકડો માત્ર ટ્રોપિકલ ફોરેસ્ટનો છે, જેનો વિસ્તાર ભારતમાં (પૂર્વોત્તરના રાજ્યોમાં અને વેસ્ટર્ન ઘાટમાં) બહુ મર્યાદિત છે. મર્યાદિત હોવાથી તેની સાચવણી મહત્ત્વની છે, પણ સરકાર માટે વન સંરક્ષણ એ પ્રાથમિકતા નથી. આખા દાયકાની વાત કરીએ તો ભારતે ૧૬ ટકા જંગલો ગુમાવ્યા છે. ભારતે જંગલો ગુમાવ્યા તેમાં કાપકૂપ ઉપરાંત જંગલની આગનો પણ મોટો ફાળો છે. ભારતે ૨૦૦૧થી લઈને ૨૦૨૦ દરમિયાન હવામાં કુલ ૭૪૨ મેટ્રીક ટન (દર વર્ષે સરેરાશ ૩૭.૧ મેટ્રીક ટન) કાર્બન હવામાં ઠાલવ્યો છે.
પહેલા નંબર પર બ્રાઝીલ

સૌથી વધારે જંગલો કાપનારા દેશમાં બ્રાઝીલે પહેલો ક્રમ જાળવી રાખ્યો છે. જ્યારે ઈન્ડોનેશિયા પાસે ગાઢ જંગલો છે, પણ તેણે કાપકૂપ ઓછી કરી છે. સતત ચોથા વર્ષે ઈન્ડોનેશિયાનો જંગલ કાપવાનો દર ઓછો નોંધાયો હતો. મલેશિયાએ પણ એ રીતે જંગલો કાપવામાં થોડી બ્રેક મારી છે. હવે એ ટ્રેન્ડ ૨૦૨૧માં જળવાઈ રહે તો વન સંરક્ષણની દિશામાં મહત્ત્વનું કામ થયું ગણાશે.

કોરોના અને તેના જેવા અન્ય વાઈરસો જંગલમાં વર્ષોથી રહે છે. મનુષ્ય તેના સંપર્કમાં આવે તો જ એ વાઈરસ માણસ સુધી પહોંચે અને પછી ફેલાવાની શરૃઆત કરે. એટલે ગાઢ જંગલોથી દૂર રહેવાની વિજ્ઞાાનીઓ સતત સલાહ આપતા રહે છે. દુનિયાના મોટા ભાગના દેશોની સરકાર એ સલાહ માન્યા વગર જંગલો કાપતી રહે છે. એટલે ભવિષ્યમાં કોરોના જેવા અન્ય વાઈરસોનો ખતરો પેદા થવાની પુરી શક્યતા છે.
Read Also
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
