GSTV
Home » News » 2002ના રમખાણોમાં મોદીને ક્લીનચિટ

2002ના રમખાણોમાં મોદીને ક્લીનચિટ

વર્ષ ૨૦૦૨માં ગોધરા કાંડ પછી રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનો તપાસ અંગે નિમાયેલા નાણાવટી-મહેતા કમિશનેના તપાસ અહેવાલનો બીજો અને અંતિમ ભાગ આજે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ પંચે નોંધ્યું છે કે ગોધરા કાંડ બાદ થયેલા હુમલાઓમાં તત્કાલિન રાજ્ય સરકારના કોઇ મંત્રીની ભૂમિકા નહોતી. આ ઉપરાંત ત્રણ આઇ.પી.એસ. અધિકારીઓ  આર.બી. શ્રીકુમાર સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની વિશ્વસનીયતા પર પણ સવાલો કરવામાં આવ્યા છે. રમખાણો દરમિયાન ગેરરીતિ અને ભૂલો કરનારા પોલીસ અધિકારીઓ સામે સરકારે શરૂ કરેલી તપાસ જસ્ટિસ નાણવટી-મહેતા પંચની તપાસના કારણે અટકી પડી હતી. જસ્ટિસ નાણાવટી-મહેતા પંચે સરકારને આ તપાસ ફરી શરૂ કરવાની ભલામણ કરી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આજે વિધાનસભા સમક્ષ તપાસ પંચનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જી.ટી. નાણાવટી અને ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ અક્ષય મહેતાના દળદાર અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના કોઇ મંત્રીએ તોફાનો અને હુમલાઓને ઉશ્કેરણી કે પ્રેરણા આપી હોય તેવા કોઇ પુરાવાઓ નથી.
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે આ રમખાણો આયોજીત નહોતા અને તેને રોકવા માટે સરકારે તમામ પગલાંઓ લીધા હતા. જ્યારે કેટલાંક સ્થળો પર ટોળાઓને કાબૂમાં લેવા માટે પોલીસ સક્ષમ નહોતી. અમદાવાદમાં થયેલા કેટલાંક તોફાનો અંગે પંચે નોંધ્યુ છે કે પોલીસે જ્યાં જરૂર હતી ત્યાં તેમની ધગશ અને કાર્યક્ષમતા દર્શાવી નથી. જો કે તમામ પુરાવાઓની ચકાસણીના અંતે નોંધવામાં આવ્યું છે કે પોલીસ તરફથી બેદરકારી દાખવવામાં આવી હતી તેવું કહી શકાય તેમ નથી.

આ ઉપરાંત પંચે આઇ.પી.એસ. અધિકારીઓ આર.બી. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની વિશ્વસનીયતા અને ભૂમિકા પર સવાલો કર્યા છે. આ અધિકારીઓનો આક્ષેપ હતો કે તોફાનો ભડકાવવામાં તત્કાલિન રાજ્ય સરકારનો હાથ હતો. નાણાવટી-મહેતા પંચની તપાસ ચાલી રહી હોવાથી રમખાણોમાં ગેરરીતિ અને બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામેની કાર્યવાહી સરકારે રોકી રાખી હતી. જેથી પંચે હવે આ પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની ભલામણ કરી છે. પંચે નોંધ્યુ છે કે ભૂતપૂર્વ પ્રધાન હરેન પંડયા પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે લઘુમતીઓના ઘર પર હુમલો કરવા માટે ટોળાને ઉશ્કેર્યુ હતું. આ આક્ષેપ એફ.આઇ.આર. અને નિવેદન આપ્યાના બે મહિના પછી કરવામાં આવ્યો છે. આ આક્ષેપ આધારભૂત માહિતી અને વિગતો વગરનો હોવાથી તેને આ પંચે સ્વીકાર્યો નથી.

નરોડા પાટિયા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ચારથી પાંચ હજાર લોકોના ટોળાને ઉશ્કેરી લઘુમતી પર હુમકો કરાવ્યો તેવી ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તેમજ ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યારબાદ આરોપીઓ દ્વારા હાલ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેથી આ ઘટના સંદર્ભે આરોપીસો સામે કોઇ તારણ કાઢવું પંચને ઉચિત લાગતું નથી. નરોડા ગામનો બનાવ હાલ ન્યાયિક અને અદાલતની ચકાસણી હેઠળ હોવાથી આ આગેવાનોની સંડોવણી અંગે કોઇ અભિપ્રાય આપવો પંચને ઉચિત લાગતું નથી.

આ ઉપરાંત એક આક્ષેપ એવો હતો કે તત્કાલિન આરોગ્ય મંત્રીએ મુખ્યમંત્રીના પરામર્શથી ગોધરાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૫૮ વ્યક્તિઓનું રેલવે યાર્ડમાં બિનઅનુભવી તબીબો દ્વારા કાયદા વિરૂદ્ધ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પંચનું તારણ છે કે રેલવે યાર્ડમાં પોસ્ટ મોર્ટમ કરવાનો નિર્ણય અશોક ભટ્ટનો નહોતો. રેલવે યાર્ડમાં પોસ્ટ મોર્ટમ કરવાનો નિર્ણય સ્થાનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ પોસ્ટમોર્ટમ અનુભવી અને સક્ષમ તબીબો દ્વારા કરવામાં આવ્યું હોવાનું પંચનું તારણ છે.

૨૭મી ફેબુ્રઆરી, ૨૦૦૨ના રોજ ગોધરા સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં ગુજરાતમાં પ્રવેશેલા ૫૯ કારસેવકોને ડબ્બામાં જીવતા સળગાવવામાં આવતા રાજ્યભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનો અંગેની તપાસ માટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જી.ટી. નાણાવટી અને ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ કે.જી. શાહનો સમાવેશ કરતું તપાસ પંચ નિમ્યું હતું. જસ્ટિસ કે.જી. શાહનું અવસાન થતા જસ્ટિસ મહેતાને તેમની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ તપાસ પંચના અહેવાલનો પ્રથમ ભાગ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ પંચે અહેવાલનો બીજો અને અંતિમ ભાગ ૧૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને સોંપ્યો હતો.  જો કે ત્યારે આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નહોતો.

ગોધરા કાંડના ૧૭ વર્ષ બાદ તપાસ અહેવાલ જાહેર થયો!

૨૦૦૨માં થયેલા ગોધરાકાંડના ૧૭ વર્ષ બાદ તપાસ પંચનો અહેવાલ જાહેર જનતા સમક્ષ રજૂ થયો છે. તપાસ પંચને શરૃઆતમાં તપાસ પૂર્ણ કરવા માટે છ મહિના અપાયા હતા. જો કે આ ઘટનાના સાત વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર-૨૦૦૯માં અહેવાલનો પ્રથમ ભાગ જાહેર કરવામાં આવ્યો હતો. તપાસ પંચે બીજો અને અંતિમ ભાગ નવેમ્બર, ૨૦૧૪માં તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને સોંપ્યો હતો પરંતુ સરકારે પાંચ વર્ષ સુધી આ અહેવાલ જાહેર કર્યો ન હતો.

ન્યાયતંત્ર વિશે ટીકા ન કરી શકાય પરંતુ આ અહેવાલને ૧૭ વર્ષ સુધી જાહેર ન કરી સામાન્ય લોકોની સંવેદનશીલતાની મજાક કરતું પગલું ભર્યું છે, કારણ કે ૨૦૦૨માં થયેલી ઘટનાઓ લોકો ભૂલી ચૂક્યા છે અને ત્યારે સરકાર મોડે-મોડે અહેવાલ રજૂ કરી ઔપચારિકતા પૂર્ણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.  આ પ્રકારના પગલાંથી સામાન્ય લોકોની નજરમાં સરકારની છબી ખરડાય છે તેવું કહેવામાં જરાં પણ અતિશયોક્તિ નથી.

READ ALSO

Related posts

આજે ભર શિયાળે માવઠાની એન્ટ્રીની આગાહી, આ વિસ્તારોમાં મેઘરાજા બનશે ‘મહા’વિલન

Mayur

ગુજરાતમાં દરરોજ સરેરાશ આટલા વ્યક્તિએ માનવરહિત રેલવે ક્રોસિંગના કારણે જીવ ગુમાવ્યાં, આંકડો છે ચોંકાવનારો

Bansari

મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધ્યા, 2019નો આંકડો જાણી કંપારી છૂટી જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!