મગફળીની ખરીદીમાં નવું કૌભાંડ થવાની શક્યતા, ખેડૂતોની ફરિયાદ માર્કેટ યાર્ડમાં ધાંધિયા

ગુજરાતમાં મોટા ઉપાડે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત તો કરી દેવાઇ છે. પરંતુ એકે એક માર્કેટ યાર્ડમાં ખરીદીમાં ધાંધિયા થતાં હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે. ચૂંટણીના સભાઓમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાતોની મોટા પાયે પ્રશસ્તિ થશે પરંતુ ખેડૂતોને તો આજની તારીખમાં પણ મગફળી વેચવા ભૂખ્યાં અને તરસ્યા આખો દિવસ લાઇનમાં ઊભા રહેવું પડે છે. ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે આ વખતે પણ પાછું નવું કૌભાંડ તો સર્જાઇ નથી રહ્યું ને !

ગયા વર્ષનો મગફળીકાંડ હજુ શમ્યો નથી ત્યાં નવા વર્ષમાં પણ એક વધુ કાંડ શરુ થવા જઈ રહ્યો છે. બન્નેમાં એક સમાનતા છે વચેટીયાઓને મલાઈ અને ખેડૂતો ને ખોટ.
સરકારે હાલમાં ટેકાના ભાવે મગફળી લેવાનું અને રોજે રોજ એક નવો નિયમ બહાર પડવાની નીતિ અખત્યાર કરી છે તે ખરેખર ખેડૂતોને રોજે રોજ નવી નવી રીતે પાયમાલ કરવાની નીતિ છે.

ભાજપ સરકારે મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોના બોર્ડના સભ્યોને સરકારી ખાન્ધીયા બનાવી દીધા છે અથવા તો દરેક જગ્યાએ પોતાના મળતિયાઓ ગોઠવી દીધા છે જેથી આ સહકારી એકમો જેના હિત માટે બનેલા છે તે ખેડૂતોને લાભ કરાવવાને બદલે સરકાર પ્રેરિત નુકશાન કરાવી રહ્યા છે. ખેડૂતો માટે આ સહકારી એકમો ઘરના જ ઘાતકી જેવો ઘાટ ઘડી રહ્યા છે.

ખરીદ વેચાણ સંઘોએ પહેલા પણ ટેકાના ભાવે ખરીદી કરેલ છે. રોજે રોજ આવતો માલ ખરીદ્યો છે તો આજે રોજ ખરીદ વેચાણ સંઘોએ પહેલા પોતાના સભ્યોનું હિત જોવું જરૂરી છે. કોના ઈશારે અને શા માટે સભ્યોના હિતને નુકશાન કરવાના પાપમાં ભાગીદાર થાય છે?  આ સરકાર આજે છે કાલે નહીં પણ હોય, સભ્યો તો કાયમી સાથી છે. સરકાર સે નહિ ભગવાન સે ડરના જરૂરી હે.

સરકાર મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટે રોજ રોજ નવા ફતવા કરી ને ખરીદી ધીમી કરી રહી છે. પહેલા નાફેડ સાથેની વાત માટે પછી બારદાન અને ૩૦/૩૫ કિલો ની ભરતી માટે પછી નમુનાના પરીક્ષણ માટે એમ દરેક રીતે નવા નવા ફતવા બહાર પાડી ખરીદીની ગતિ ધીમી કરી રહી છે. જુદા જુદા અંદાજો પ્રમાણે આ વર્ષે મગફળી નો કુલ પાક ૧૬ લાખ થી ૨૬ લાખ ટન અંદાજાય છે. જેમાંથી નાફેડ ને વધુ માં વધુ ૨૫% ઉપજ ખરીદવાની ફરજ પાડી શકાય. એટલે નાફેડ ૪ થી ૫ લાખ ટન મગફળી ખરીદશે. બાકીની કોણ ખરીદશે?

નાફેડ પાસે ગયા વર્ષની ૩ લાખ ટન મગફળી પડી છે તે ના ભૂલવું જોઈએ. સરકાર પોતાની આબરૂ બચાવવા નાફેડ ને ફરજ પાડી નાફેડ ના ફંડ માંથી ખેડૂતોને ચુકવણી કરાવવાનો ઘાટ ઘડેલો છે. જે ૨૫% ઉપજ પુરતો સીમિત છે, પછી શું? હવે મગફળી સિવાયની નવી જણસો પણ આવી ગઈ છે જેના માટે પણ ટેકાને ભાવે ખરીદી કરવાની ખેડૂતોની માંગ ઉઠી રહી છે તે બાબતે સરકાર શું કરવા માંગે છે તેની કોઈ નીતિની સરકાર માં બેઠેલા મંત્રીઓને ખબર નથી. આગે આગે ગોરખ જાગેની નીતિ પર સરકાર ચાલી રહી છે.

સરકારે ખેડૂતો રવિ પાકનો નવો માલ ન ઉત્પન્ન થાય તે માટે પણ આડકતરૂ ગુનાહિત કાવતરું ઘડી રહી છે એવો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. જેમ કે આ પાક વાવવો કે ના વાવવો ના પરિપત્રો.
નહેરોમાં પાણી છોડવું કે ના છોડવું, છોડવું તો ક્સમયે છોડવું વગેરે જેવા ખેડૂતોને નુકસાન થાય તેવા પગલાં લઇ રહી છે. જેથી રવિ પાક ઓછો થાય, ખેડૂત બરબાદ થાય અને સંઘરાખોર વેપારીઓને કાળાબજાર કરવામાં આસાની રહે. ૧૦ કે ૨૦ હજારનો માલ લઈને ઉભેલો ખેડૂત ૧૦ રૂપિયાની ચા કે ૩૦ રૂપિયાના પુરીશાક ખાવાનું ટાળીને પૈસા બચાવી રહ્યો છે.

જગતને ખાવાનું આપનાર પોતે છતે અનાજે ભૂખ્યો રહે છે. આ ખાનદાન ખેડૂત દેવું નહિ ચૂકવી શકતા આપઘાત કરે છે જયારે તેમના જ પૈસે તેમના જ મતો થી રાજકીય કે સહકારી નેતા બનેલા લોકો કે આગેવાનો આજે ગાયબ છે. ત્યારે ખેડૂતો હતાશ થઇને આપઘાત કરે છે. જે આ દેશની કમનસીબી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter