GSTV

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

Last Updated on August 4, 2021 by pratik shah

અમદાવાદ શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી મેટ્રો રેલવે પ્રોજેક્ટની કામગીરી શહેરીજનો માટે માથાના દુઃખાવા સમાન બની છે. મેટ્રો લોકો માટે ઉપયોગી થાય ત્યારની વાત ત્યારે, પરંતુ અત્યારે બે-અઢી વર્ષથી રસ્તાઓ આડેધડ બંધ કરી દેવાતા હોવાથી શહેરીજનો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. હજુ આ હાડમારી ક્યાં સુધી રહેશે? તેનો કોઈ પાસે ચોક્કસ જવાબ નથી. મ્યુનિ. અને મેટ્રોના અણધડ આયોજનના કારણે હાલ ખોખરામાં કામદાર વિમા યોજનાના ડી-૩૦ દવાખાના તથા હિરાલાલની ચાલી પોસ્ટ ઓફિસ સુધીના જાહેર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. એકંદરે પરિસ્થિતિ એટલી ખરાબ થવા માંડી છે કે, આ રોડ પરના સ્થાનિક રહેવાસીઓ અને અહીંથી પસાર થતા સામાન્ય વાહન ચાલકો વચ્ચે ટ્રાફિકના મામલે વારંવાર ઘર્ષણ થવા માંડયા છે. તેના તરફ ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધારે ખરાબ થશે.

ટ્રાફિકના મામલે વારંવાર ઘર્ષણ થવા માંડયા


અમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની આડમાં ઠેર ઠેર લાંબા સમયથી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કામગીરીની સમય મર્યાદાનું નિયંત્રણ અને બંધ કરાયેલા રસ્તા ખોલવા માટે કોઈ દબાણ ન હોવાથી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મનફાવે તેમ કામગીરી કરી રહ્યા છે. જેનાથી હજારો વાહન ચાલકો હાડમારીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ખોખરામાં વિકરાળ બનેલી ટ્રાફિકની સમસ્યા બાબતે મેટ્રોના એમ.ડી. સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં જણાવ્યા અનુસાર કાંકરિયા રેલવે ઓવરબ્રીજનું સમારકામ લાંબા સમયથી ચાલી રહ્યું હોય બંધ કરવામાં આવ્યો છે. તેનો ટ્રાફિક જુદા જુદા માર્ગો પર ડાઈવર્ટ થયો છે. તેમાંનો મોટાભાગનો ટ્રાફિક હાલ અમરાઈવાડી વિસ્તારના રાજ્ય કામદાર વિમા યોજનાના ડી-૩૦ દવાખાનાવાળા રોડ પર આવ્યો છે.

મેટ્રોની કામગીરી માટે આ રોડ પરની જમીનનું સંપાદન કરાયું

અમરાઈવાડી, રખિયાલ, સુખરામનગર, ખોખરા વગેરે વિસ્તારના નોકરી-ધંધા કરતા લોકો હાલ ખોખરામાં સ્વ.મધુપકુમાર પ્રેમના રહેંઠાણથી હિરાલાલની ચાલી ખાતે આવેલ પોસ્ટ ઓફિસ સુધીના જાહેર માર્ગનો ઉપયોગ કરે છે. તેના લીધે આ રોડ પર ટ્રાફિકનું અસહ્ય ભારણ વધ્યું છે. બીજી તરફ મેટ્રોની કામગીરી માટે આ રોડ પરની જમીનનું સંપાદન કરાયું છે. સાંકડા રસ્તા પર ટ્રાફિક વધી જતા વાહન ચાલકોને ટ્રાફિકમાં સમય અને શક્તિનો બગાડ કરવો પડે છે. બીજી તરફ આ રોડ પર રહેતા ૧ર હજારથી વધારે પરિવારો ટ્રાફિકથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દેખીતી રીતે વાહન ચાલકો કે સ્થાનિક રહેવાસીઓ બંનેમાંથી કોઈ આ સમસ્યા માટે જવાબદાર નથી.

મ્યુનિ. દ્વારા વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી નથી

મ્યુનિ. અને મેટ્રો રેલવેના અણધડ આયોજનના કારણે લોકો હેરાન થાય છે. મ્યુનિ. દ્વારા વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી નથી અને મેટ્રો દ્વારા કારણ વગર દિવસો સુધી રસ્તાઓ બંધ રાખવામાં આવે છે. આ બંને તંત્રના વાંકે અત્યારે આ રોડ પર સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો વચ્ચે ટ્રાફિકના મામલે ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. જેના કારણે વાતાવરણ તંગ બની રહ્યું છે. આ સમસ્યાને હળવી કરવા માટે મેટ્રો દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનમાંથી આ રોડ પર પાંચ ફૂટ જેટલી બિનઉપયોગી જમીન પરત આપવામાં આવે અને રોડ આટલો પહોળો કરવામાં આવે તો વાહન ચાલકો તથા સ્થાનિક રહેવાસીઓને રાહત મળે તેમ છે.

READ ALSO

Related posts

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!