પતિ–પત્ની નોકરી કરતા હોય અને નોકરીનું સ્થળ એકબીજાથી દૂર હોય તો મુશ્કેલી સર્જાય. સરકારી કર્મચારીઓની આ મુશ્કેલી દૂર કરવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. આજે જાહેર થયેલા પરિપત્ર મુજબ ગુજરાત સરકારમાં રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતાં કર્મચારી દંપત્તિને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે અથવા નજીકના સ્થળે રાખવાનો આદેશ કરી તેમાં પાંચ વર્ષ પછી બદલી કરવાની સમયમર્યાદા નાબૂદ કરવામાં આવી છે. મહત્વના કિસ્સામાં એક વર્ષની સેવા પછી પણ આવી બદલી કરી શકાશે.


સરકારે જણાવ્યું છે કે જે કેસોમાં પતિ કે પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઇપણ જાહેર સાહસમાં નોકરી કરતાં હોય તેવા કેસોમાં શક્ય હોય ત્યાં સુધી બન્નેને એક જ જગ્યાએ રાખવાનો પ્રયાસ કરવામાં આવે. સામાન્ય વહીવટ વિભાગના અગાઉના પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દિવ્યાંગ કર્મચારી તેમજ કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષની સેવા બજાવી હોય અને પુરૂષ કર્મચારીએ ઓછામાં ઓછી બે વર્ષની સેવા બજાવી હોય ત્યારે કરવામાં આવેલી અરજી ધ્યાને લેવામાં આવતી હતી.
વહીવટી જરૂરિયાત તેમજ કામના હિતને ધ્યાનમાં લઇને શક્ય હોય ત્યાં સુધી પતિ અને પત્નીને એક જ સ્થળે રાખવા તેમજ દિવ્યાંગોની બદલી અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોનું તમામ વિભાગોએ પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારના બોર્ડ-નિગમ અને અનુદાનિત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારી કે કર્મચારીની નોકરી મોટાભાગે બિન બદલીપાત્ર હોય છે, આવા સંજોગોમાં પતિ કે પત્ની જો રાજ્ય કે પંચાયત સેવામાં ફરજ બજાવતા હોય તો તેમને બદલીથી અથવા સમકક્ષ જગ્યાએ પ્રતિનિયુક્તિથી એક જ સ્થળે નિમણૂક આપવાની રહેશે.
નિયમિત ભરતી પ્રક્રિયાથી કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર મહિલા કર્મચારીએ એક વર્ષ અને પુરૂષ કર્મચારીએ બે વર્ષની લેવા બજાવી હોય ત્યારે બદલી કરી શકાય તેવી જોગવાઇ છે પરંતુ પતિ કે પત્ની એક જ સ્થળે રાખી શકાય તેમ હોય તેવા કિસ્સામાં પુરૂષ કર્મચારીએ એખ વર્ષની સેવા બજાવી હોય તો પણ બદલી કે જિલ્લા ફેરબદલી કરી શકાશે.
પરિપત્ર પ્રમાણે સરકાર બને ત્યાં સુધી આ નિયમનું પાલન કરવાનો પ્રયાસ કરશે. એટલે કે કોઈ કિસ્સામાં આ શરતનું પાલન ન પણ થઈ શકે. પરંતુ પતિ-પત્ની સાથે રહી શકે એ માટે સરકાર પ્રયત્નશીલ છે.
ALSO READ
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા