ઈન્ડોનેશિયાના કાંઠા નજીક પરંતુ ઓસ્ટ્રેલિયાના તાબાનો ક્રિસમસ ટાપુ આવેલો છે. ટાપુનો વિસ્તાર માંડ 135 ચોરસ કિલોમીટર છે અને વસતી બે હજારથી વધારે નથી. એ ટાપુ જોકે પ્રકૃતિજગતના નકશા પર બહુ મોટુ સ્થાન ધરાવે છે. તેનું કારણ ત્યાં રહેતા રેડ ક્રેબ એટલે કે લાલ કલરના કરચલા. આ ટાપુ પર ગાઢ જંગલો છે. ટાપુનો 63 ટકા વિસ્તાર ક્રિસમસ નેશનલ પાર્ક જાહેર થયેલો છે. જંગલમાં આ કરચલા રહે છે. પરંતુ વર્ષમાં એક વખત (આપણે ત્યાં શિયાળો હોય એવા ટાણે) કરચલા જંગલમાંથી નીકળીને ઈંડા મુકવા માટે સમુદ્રમાં જાય છે. કરચલાની સંખ્યા લાખોમાં કે પછી કરોડોમાં છે. બધા કરચલા એક સાથે જ જંગલમાંથી નીકળીને સમુદ્ર તરફ જતા હોય છે. એ વખતે ક્રિસમસના બધા જ રસ્તાનો કલર લાલ થઈ જાય છે. જો રસ્તા પર ત્યારે વાહનો નીકળે તો હજારો કરચલા તેની નીચે કચડાઈ મરે અને એની લાશો પણ રસ્તાનો કલર લાલ કરી મુકે. આ કરચલા વળી સાવ નાના નથી હોતા. તેની સાઈઝ પાંચ-સાત ઈંચ સુધીની હોય છે.

લાખો કરચલામાંથી પાંચ-પચ્ચી હજાર કચડાઈ મરે તો પણ કરચલાની કૂચ અટકતી નથી. હવે સ્થિતિ એવી છે કે આ કરચલા જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ ત્યાં આવે છે. ક્રિસમસ સરકાર દર વર્ષે કરચલાના માઈગ્રેશનની સંભવિત તારીખો પણ જાહેર કરે છે. જેથી દુનિયાના છેડેથી આવનારા પ્રવાસીઓને આયોજન કરવાની સરળતા રહે. કરચલા આમ તો કદાચ જોવા ન ગમે, પરંતુ આ માઈગ્રેશન એટલે કે સ્થળાંતર જોવા જેવુ હોય છે. ક્રિસમસ ટાપુના રહેવાસીઓએ કરચલાની મૃત્યુસંખ્યા ઘટે એટલા માટે એક વોક-વે બનાવી નાખ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદી પાર કરવા માટે ખાસ પ્રકારનો વોક-વે અર્થાત પુલ બની રહ્યો છે. એમ જ ક્રિસમસ ટાપુ પર રોડની આરપાર પુલ બનાવી દેવાયો છે. કરચલા ચાલતા ચાલતા પુલને અથડાય એટલે ચડી જાય અને પાર કરી નાખે. તેનાથી ફાયદો એ થાય કે કરચલાની મૃત્યુસંખ્યા ઘટે, રસ્તે નીકળનારા લોકોને પણ મુશ્કેલી ન થાય.

તો પણ ઘણા રસ્તા એવા છે જ જ્યાં કરચલાનો જમાવડો હોય છે. ત્યાંથી વાહન ચાલકો નીકળી શકતા નથી. વાહન ચાલકોને નીકળવું હોય તો ગાડી નીચે ઉતરી રસ્તો કરવાનો પ્રયાસ કરવો પડે છે. એ પ્રયાસમાં જોકે ખાસ સફળતા મળતી નથી. કેટલાક રસ્તાઓ પર કાયદેસર રીતે બોર્ડ મારી દેવામાં આવે છે કે આ રસ્તો બંધ કરી દેવાયો છે.
કરચલા સમુદ્રના રહેવાસી છે અને સમુદ્ર સિવાય ઈંડા મુકતા નથી. સમુદ્રના પાણીમાં પહોંચ્યા પછી દરેક માદા 1 લાખ જેટલા ઈંડા મુકી શકે છે. એમાંથી જેટલી વસતી વધે એ વળી ટાપુ પર ફરી વળે. પરંતુ આ કરચલા ટાપુની પ્રકૃતિનો અતૂટ હિસ્સો છે.

આ ટાપુને ભારત સાથે પણ ગાઢ નાતો છે. અહીં જે લોકો રહે છે એમાં કેટલાક ભારતીય છે. એ ઉપરાંત ઓસ્ટ્રેલિયન અને ચાઈનિઝ પણ છે. યુરોપિયનોના ધ્યાને આ ટાપુ 1615માં આવ્યો હતો, જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું જહાજ રોયલ મેરી અહીં રોકાયુ હતું.