GSTV
India News ટોપ સ્ટોરી

ચાર સૈનિકોની મોતની કબૂલાત પછી ભડકી ઉઠ્યા ચીનીઓ! ભારતીય દૂતાવાસને બનાવ્યું નિશાન, આ રીતે કાઢી ભડાસ

ચીન

ગલવાન ખીણમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હોવાની ચીની સરકારે અંતે આઠ મહિના પછી કબૂલાત કરતાં ચીનમાં ભારે હોબાળો મચ્યો છે. ત્યાંના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત વિરોધી સંદેશાઓનું જાણે કે પૂર આવ્યું હતું. ચીની નાગરિકોએ ભારતીય દૂતાવાસ પર રોષ ઠાલવતાં ભારે ગાળાગાળી કરી હતી. આવા વાતાવરણમાં પૂર્વીય લદ્દાખમાં મોલ્ડો ખાતે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓ વચ્ચે ૧૦મા તબક્કાની બેઠક મળી હતી. ૧૬ કલાક ચાલેલી આ બેઠકમાં બંને દેશના અધિકારીઓએ પેંગોંગ સરોવર પછી અન્ય સ્થળો પરથી પણ પોત-પોતાના સૈન્યને પાછા બોલાવવા માટે ચર્ચા કરી હતી.

ચીનમાં જિનપિંગ સરકારે ગલવાન ખીણની હિંસાના લગભગ આઠ મહિના પછી કબૂલાત કરી હતી કે, ભારત સાથેના આ સૈન્ય સંઘર્ષમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા. જોકે, હવે ચીને આટલા મહિના સુધી આ હકીકત કેમ છુપાવી રાખી તેવા પણ સવાલો થઈ રહ્યા છે.

ભારતીય

ચીની નાગરિકોએ ભારતીય દૂતાવાસના વીવો એકાઉન્ટ પર અપશબ્દો અને અપમાનજનક સંદેશાઓનો મારો ચલાવ્યો

જોકે, ચીની નાગરિકોએ ભારતીય દૂતાવાસના વીવો એકાઉન્ટ પર અપમાનજનક સંદેશા અને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. ચીનના અનેક શહેરોમાં માર્યા ગયેલા સૈનિકોના સન્માનમાં શ્રદ્ધાંજલિ સભાઓ પણ યોજાઈ હતી. જોકે, ચીને તેમાં પણ ચાલબાજી કરતાં માત્ર એ જ સૈનિકોના નામ જાહેર કર્યા, જેમનું સન્માન કરાયું છે. ચીનના સરકારી મીડિયાના રિપોર્ટ મુજબ પીએલએના સૈનિકો અંગે અપમાનજનક ટીપ્પણિ પ્રકાશિત કરવા માટે એક વ્યક્તિની નાનજિંગ શહેરમાં ધરપકડ પણ કરાઈ હતી.

ગયા વર્ષે જૂનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના સંઘર્ષના વીડિયો તેમજ માર્યા ગયેલા ચીની સૈનિકોના ફોટા અનેક સ્થાનિક વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો વખત અપલોડ થયા હતા. જોકે, એક પણ વીડિયોમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હોવાનો દાવો કરાયો નહોતો.

ભારતીય

હકીકતમાં ચીનમાં મોટી વસતી એવી છે, જેમણે ગલવાન ખીણની હિંસા પહેલાં કોઈ વિદેશી સૈન્ય સાથે સંઘર્ષમાં તેમના સૈનિકોનું બલિદાન જોયું નથી. આ પહેલાં વિયેતનામ સાથેના સંઘર્ષમાં ચીની સૈનિકો માર્યા ગયા હતા. એવામાં ચીનના યુવાનો તેમના સૈનિકોના માર્યા જવાથી વધુ ઉશ્કેરાઈ ગયા છે. વધુમાં લદ્દાખમાં સરહદે તણાવપૂર્ણ સ્થિતિ શરૂ થયા બાદથી જ ચીન ચારેતરફથી ઘેરાયેલું છે. ભારતની આકરી જવાબી કાર્યવાહીએ ચીનને મુશ્કેલીમાં મુકી દીધું હતું. હવે પેંગોંગ સરોવરમાંથી પીછેહઠ મુદ્દે ચીની નાગરિકો સૈન્ય અને કમ્યુનિસ્ટ પાર્ટીને સવાલ પૂછી રહી હતી કે આટલા દિવસોથી ચાલતા તણાવ વચ્ચે અંતે સૈન્યે પીછેહઠ શા માટે કરી છે? આ સવાલોનો જવાબ આપતાં ચીને ગલવાનમાં ભારત પર અતિક્રમણનો દોષનો ટોપલો ઢોળતાં એક વીડિયો જાહેર કર્યો હતો અને તેના ચાર સૈનિકોના માર્યા ગયાની કબૂલાત કરી હતી.

ભારત-ચીનના સૈન્ય વચ્ચે ૧૦મા તબક્કાની બેઠક ૧૬ કલાક ચાલી

આવા વાતાવરણ વચ્ચે પૂર્વીય લદ્દાખમાં મોલ્ડો ખાતે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓની ૧૦મા રાઉન્ડની વાટાઘાટો યોજાઈ હતી. ૧૬ કલાક સુધી ચાલેલી કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકમાં પૂર્વીય લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ, ગોગ્રા અને દેપસાંગ જેવા સ્થળો પરથી સૈન્યની પીછેહઠની પ્રક્રિયાને આગળ વધારવા પર ચર્ચા કરાઈ હતી. જોકે, આ અંગે સત્તાવાર કોઈ માહિતી અપાઈ નથી.

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

મહારાષ્ટ્ર: કસારામાં રેલ્વે લાઇન પર માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Hardik Hingu
GSTV