GSTV
News World ટોપ સ્ટોરી

તાઈવાન ક્રાઈસિસઃ ચીન-તાઈવાન ડખે ચડે તો આપણને કઈ રીતે નડે?

તાઈવાન
  • નવી ઔદ્યોગિક ક્રાંતિનું ચાલકબળ સેમિકન્ડક્ટર છે જેમાં ભારત સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે
  • ચીન જો તાઈવાનને ગળી જાય તો ભારત સાથેના સરહદી વિવાદોમાં પણ તેનો હાથ ઉપર રહે

વૈશ્વિકીકરણ (Globalisation)નો દૌર શરૂ થયો ત્યારે એરિક હેર્શબર્ગ નામના આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિષ્ણાંતનું એક વિધાન બહુ ચર્ચાસ્પદ બન્યું હતું. વેપારના માધ્યમથી સમગ્ર વિશ્વ એક પરિવારની માફક એકજૂટ બનશે એવી વિભાવના (Concept)થી સામા છેડે એમણે ચેતવણી આપી હતી કે, ‘Single or small causes too could be global’ અર્થાત્ વેપારના વૈશ્વિકીકરણને લીધે દુનિયાના કોઈપણ છેડે બનતી નાનકડી ઘટનાના પ્રત્યાઘાત પણ પૂરા વિશ્વને અસર કરનારા બની જશે. અગાઉના બબ્બે વિશ્વયુદ્ધો કે ક્યુબા મિસાઈલ કટોકટી વખતે પણ સમગ્ર વિશ્વમાં ન્હોતો થયો એવો ફફડાટ હવે રશિયા-યુક્રેન યુદ્ધને લીધે અનુભવાયો છે. એવી જ સ્થિતિ હવે ચીન-તાઈવાન કટોકટીને લીધે સર્જાઈ રહેલી દેખાય છે. ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં નૌકાદળને તહેનાત કરીને મિસાઈલમારો શરૂ કર્યો એથી માત્ર એશિયામાં જ નહિ, છેક યુરોપ, અમેરિકા અને રશિયા સુધી ‘થપ્પડ કી ગુંજ’ સંભળાવાની છે. તેનું કારણ છે વેપારનું વૈશ્વિકીકરણ. તાઈવાન ટચૂકડો દેશ છે, ચીનનો પ્રાંત છે કે નથી તેનાં કરતાં ય વિશેષ મહત્વ એ છે કે તાઈવાન જગતની ઘણીખરી આર્થિક ગતિવિધિમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ચીન જો પૂર્ણતઃ તાઈવાનને હડપી લે કે તાઈવાન તબાહ થઈ જાય તો તેની અસર ભારત સહિત દુનિયાભરના દેશોને વધતે-ઓછે અંશે થવાની છે.

તાઈવાન

તાઈવાનનું ભૌગોલિક મહત્વ

નકશામાં ધ્યાનથી જોશો તો દક્ષિણ ચીની સમુદ્રમાં નાનાં નાનાં ટપકાં જેવા ટાપુ દેશોની હારમાળા નજર આવશે તેમાં તાઈવાન સૌથી પહેલું છે. ચીનની જમીની સરહદથી દરિયામાં આશરે 120 કિલોમીટર અંતરે આવેલો આ દેશ ચીનનો એક પ્રાંત છે કે સ્વતંત્ર દેશ છે તેનો વિવાદ દાયકાઓ જૂનો છે, જે ભારેલા અગ્નિની માફક ક્યારેક સળગે છે તો ક્યારેક ધૂંધવાતો રહે છે. એટલાન્ટિક સમુદ્રથી પેસિફિક સમુદ્ર તરફ જતો વેપારી જહાજોનો કાફલો અહીંથી પસાર થતો રહે છે. સમગ્ર વિશ્વનો આશરે 40% સમુદ્રી કારોબાર આ માર્ગેથી પસાર થાય છે. અહીં જો ચીનની પ્રત્યક્ષ હકુમત હોય (જે અત્યાર સુધી નથી) તો સમુદ્રી વેપાર પર તેની બહુ ગંભીર અસર પડી શકે. મોટાભાગના ટાપુ દેશો મહાકાય ચીનના ભયથી અમેરિકાના સમર્થકો છે. સ્વયં અમેરિકા પણ આ ક્ષેત્રમાં ગુયામ અને હવાઈ ટાપુ ખાતે અમેરિકા નૌકાદળનું મજબૂત અને કાયમી થાણું ધરાવે છે. પર્લ હાર્બર પર બીજા વિશ્વયુદ્ધમાં જાપાને મરણતોલ પ્રહાર કર્યો હતો એવું બીજી વાર ન બને એ માટે અમેરિકા પણ અહીં ચીનનો પ્રભાવ ખાળવા પ્રયત્નશીલ રહેતું હોય છે.

તાઈવાન

સેમિકન્ડક્ટરનો દબદબો

સમગ્ર વિશ્વ હાલ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના પગથિયા ચડી રહ્યું છે. વરાળયંત્રની શોધ સાથે આરંભાયેલી ઔદ્યોગિક ક્રાંતિ બીજા તબક્કામાં એસેમ્બ્લી પ્રોડક્શનના બીજા તબક્કામાં અને ખનીજતેલના મબલખ ઉપયોગના ત્રીજા તબક્કા પછી ભારે વેગવંતી બની હતી. હવે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે અને તેમાં સેમિકન્ડક્ટર એ ચાલકબળ છે. અધાતુ તત્વ કે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતી ગરમી વેડફાવાને બદલે સંગ્રહિત થાય એ સેમિકન્ડક્ટર છે. સિલિકોન અને ગ્રેફાઈટ સેમિકન્ડક્ટર મટિરિયલ ગણાય છે. મોબાઈલ ફોન, કમ્પ્યૂટર, મધરબોર્ડ, ટીવી, ફ્રીઝથી માંડીને સેટેલાઈટ સહિતના તમામ અદ્યતન આવિષ્કારોનો ઉપયોગમાં સેમિકન્ડક્ટરની ચાવીરૂપ ભૂમિકા છે. સમજો કે, સેમિકન્ડક્ટર જે સૌથી વધુ બનાવે એ ફાયદામાં રહે. એ મુજબ જગતભરમાં તાઈવાન સૌથી ફાયદાની ભૂમિકામાં છે કારણ કે સેમિકન્ડક્ટરના કુલ વૈશ્વિક કારોબારમાં એકલાં તાઈવાનનો હિસ્સો 63% જેટલો ગંજાવર છે. તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC) સેમિકન્ડક્ટરની નિકાસમાં શિરમોર છે. ગત વર્ષે આ એક કંપનીએ આશરે 53 અબજ ડોલરની આવક રળી હતી. અમેરિકા અને યુરોપના દેશો પણ સેમિકન્ડક્ટરની આપૂર્તિ માટે તાઈવાન પર નિર્ભર છે. એ સંજોગોમાં જો તાઈવાન જ સમૂળુ ચીનના હાથમાં જતું રહે તો સમગ્ર વિશ્વ ચીનનું ઓશિયાળુ બની જાય. માસ પ્રોડક્શનમાં ચીનની હથોટી છે. હવે જો સેમિકન્ડક્ટરનો કારોબાર પણ તેનાં હાથમાં આવી જાય તો વૈશ્વિક ઉત્પાદન અને વેચાણમાં બીજો કોઈ દેશ ચીનની આજુબાજુ પણ ઊભો ન રહી શકે. વેપારની એ મોનોપોલી ચીન કુટનૈતિક સમીકરણો બદલવા માટે પણ કરે અને જગતની અબાધિત મહાસત્તા તરીકે કોઈ પડકાર વગર તે અમેરિકાનું સ્થાન લઈ શકે.

તાઈવાન

ભારતની હાલત કફોડી થઈ શકે

ચીન સાથે કાયમી સરહદી વિવાદ ધરાવતા ભારત માટે હવે પાકિસ્તાન કરતાં ય ચીન શત્રુ નં. ૧ છે. આર્થિક બદહાલી અને દેવાના ડુંગર તળે દબાયેલું પાકિસ્તાન ચીનના ખોળે જઈ બેઠું છે એટલે એ દિશાનો ભય વધુ ઘાતક બન્યો છે. દેવાળિયુ થઈ ગયેલું શ્રીલંકા પણ ચીનના અહેસાનતળે છે. નેપાળમાં પણ ભારતવિરોધી અને ચીનતરફી માઓવાદી પરિબળો મજબૂત છે. આ કાયમી પડકારોમાં જો તાઈવાનને ચીન ગળી જાય તો ભારતની હાલત વધુ કફોડી થઈ શકે છે. હાલમાં ભારત સેમિકન્ડક્ટરનો સૌથી મોટો આયાતી દેશ છે. ભારતની કઠણાઈ એ છે કે વસ્તીવધારાના મામલે આપણે ટૂંક સમયમાં ચીનથી ય આગળ નીકળી જવાના છીએ પરંતુ આવડી વિરાટ વસ્તીને રોજગાર આપી શકે એવા નૈસર્ગિક સ્ર્તોત આપણી પાસે મર્યાદિત છે. ખનીજતેલમાં ય આપણે સૌથી મોટા આયાતકાર છીએ અને હવે નવી ઔદ્યોગિક ક્રાંતિના ચાલકબળ એવા સેમિકન્ડક્ટરમાં પણ આપણે ઘરઆંગણે લગભગ શૂન્યવત છીએ. રહીરહીને જાગેલી ભારત સરકારે હાલમાં સેમિકન્ડક્ટર માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કિમ અંતર્ગત 10 બિલિયન ડોલર ખર્ચવાની પ્રોત્સાહક નીતિ તૈયાર કરી છે. પરંતુ એ થાય ત્યારે ખરું, હાલ તો ભારતની સો ટકા જરૂરિયાત આયાત થકી અને એ પૈકીની 70% તાઈવાન, ચીન અને દક્ષિણ કોરિયા પર નિર્ભર છે. આથી તાઈવાન જો ચીનના કબજામાં આવે તો સરહદી વિવાદમાં પણ કાયમ માટે ચીનનો હાથ ઉપર રહે અને ભારત ઓશિયાળુ બની જાય.

Read Also

Related posts

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના કેટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ

Binas Saiyed
GSTV