GSTV

ભારતના દબાણ સામે ઝૂક્યુ ચીન, ચાર અધિકારીઓ સહિત કબજામાં રાખેલા 10 સૈનિકોને મુક્ત કર્યા

ચીન

Last Updated on June 20, 2020 by Bansari

ગલવાનમાં મધરાતે થયેલા દંગલ પછી ચીને કેટલાક ભારતીય સૈનિકોને અપહૃત કર્યા હતા. ગુરુવારે સાંજે ચીને ભારતીય સૈન્યના ચાર અફસર સહિત કુલ દસ સૈનિકોને મુક્ત કર્યા હતા. ૧૫મીની દુર્ઘટના પછી ભારત-ચીનના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટા-ઘાટો ચાલતી હતી. તેનો મુખ્ય વિષય જ આ સૈનિકોને મુક્ત કરાવાનો હતો. ચીન સૈનિકો મુક્ત કરવા તૈયાર થયું છે એવી ખાતરી પછી જ ઈન્ડિયન આર્મીએ ગુરુવારે જાહેર કર્યું હતું કે કોઈ સૈનિક ગુમ નથી થયો. ત્યારે આર્મીએ સ્પષ્ટ કર્યું ન હતું કે અમુક સૈનિકો ચીનના કબજામાં છે. ચીને ભારતીય સૈનિકોને પોતાના કબજામાં રાખ્યા હોય એવી ઘટના ૧૯૬૨ના યુદ્ધ પછી પહેલી વાર બની હતી.

આર્મીએ ગુરુવારે સ્ટેમેન્ટ આપ્યું હતું કોઈ સૈનિક મિસિંગ નથી. આર્મીનું એ સ્ટેમેન્ટ ખોટું ન હતું. કેમ કે કોઈ સૈનિક લડત દરમિયાન ગુમ થયા હોય તો તેને મિસિંગ ઈન એક્શન કહેવાય. પરંતુ ભારતના કોઈ સૈનિકો ગુમ થયા નથી, અમુક ચીન પાસે હતા, બાકીના ભારતમાં સારવાર લઈ રહ્યા હતા અને ૨૦ શહીદ થયા હતા. એટલે કે આર્મીને પોતાના સૈનિકોની સંપૂર્ણ જાણકારી હતી. ચીને બુધવારે જ જાણકારી આપી હતી કે ૧૦ સૈનિકો અમારા કબજામાં છે પરંતુ અમે કોઈને ઈજા પહોંચાડી નથી કે ટોર્ચર કર્યા નથી. સમાચાર વેબસાઈટ ધ પ્રિન્ટ પર આ અહેવાલ રજૂ થયો હતો.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહો લિજાને બિજિંગમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અત્યારે કોઈ ભારતીય અમારા કબજામાં નથી. તેમણે આ વાત શુક્રવારે કહી હતી, ભારતીય સૈનિકોને ગુરુવારે મુક્ત કરી દેવાયા હતા. એટલે ઝાહોએ આડકતરી રીતે સ્વિકાર્યું હતું કે અત્યારે કોઈ કબજામાં નથી, પણ અગાઉ હતા. ઝાહોએ સવાલના જવાબમાં સ્પષ્ટ કહ્યું હતું કે આ ક્ષણે ચીન પાસે કોઈ ભારતીય સૈનિકો નથી. ભારતના સૈનિકો મુક્ત થયા પછી પણ લશ્કરી વાટા-ઘાટો ચાલુ જ રહેશે. પરંતુ બંધક સૈનિકો મુક્ત થયા પછી ભારત માટે હવે આકરી કાર્યવાહી કરવાની સરળતા રહેશે.

ચીન સામે મર્યાદિત લશ્કરી કાર્યવાહી આવશ્યક

ભારત-ચીન બન્નેમાંથી કોઈ દેશને યુદ્ધ કરવું પોસાય એમ નથી. પરંતુ ચીન ભવિષ્યમાં આવી અવળચંડાઈ કરતાં પહેલા સાત વખત વિચાર કરે એ માટે લિમિટેડ લશ્કરી કાર્યવાહી આવશ્યક છે. સંરક્ષણ સાથે સંકળાયેલા ઊચ્ચ અધિકારીઓ માને છે કે વાતોથી ચીન સુધરે એવી આશા રાખવી વ્યર્થ છે. મર્યાદિત માત્રામાં લશ્કરી કાર્યવાહી થવી જોઈએ. પરંતુ લશ્કરી કાર્યવાહી ત્યારે જ શક્ય બને જ્યારે દિલ્હી સરકાર મક્કમતાપૂર્વક નિર્ણય લઈને સેનાને આદેશ આપે. લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય ક્યારેય સેના લેતી નથી, એ નિર્ણય દિલ્હીમાંથી જ લેવાનો હોય છે. એક વખત નિર્ણય લેવાયા પછી કાર્યવાહી કેમ કરવી એ સેનાના હાથમાં હોય છે.

સૈન્ય લડત આપવા તૈયાર રહે : ઝિનપિંગનો આદેશ

ચીનના ઈરાદા ધીમે ધીમે જગત સામે આવી રહ્યાં છે. ચીની પ્રમુખ ઝિનપિંગે આજે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીને પડકારજન સ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપ્યોહતો. ટેલિકોન્ફરન્સિંગથી સૈનિકોને સંબોધતી વખતે ઝિનપિંગે કહ્યું હતું કે સૈન્યએ પરિણામલક્ષી સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. આગામી સમયના પડકારો નવા હશે અને તેનું મેનેજમેન્ટ કરવા માટે સૈન્યએ વધારે સક્ષમ થવાની જરૂર છે, એવી સલાહો તેમણે આપી હતી. ભારત-ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે ઝિનપિંગે આ વિધાન કરીને ભારતને ધમકાવવાનો આડકતરી રીતે પ્રયાસ કર્યો હતો. પહેલેથી જ લદ્દાખ સરહદે ચીને દસ હજારથી વધારે સૈનિકો ગોઠવી રાખ્યા છે.

ચીન ભારતની ભૂમિ પડાવી લેવા માંગે છે : અમેરિકી સેનેટર

અમેરિકી સંસદમાં બહુમતી પક્ષના નેતા મિચ મેકકોનેલે આજે ભારત-ચીન સંઘર્ષ વિશે મત આપતાં કહ્યું હતું કે ચીનનો ઈરાદો સારો હોવાનું જણાતું નથી. ચીન ભારતને ઉશ્કેરીને ભારતની ભૂમિનો કેટલોક ભાગ પડાવી લેવા માંગે છે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. સેનેટમાં વિદેશનીતિ અંગે મહત્ત્વપૂર્ણ ભાષણ આપતી વખતે તેમણે આ વાત કહી હતી. માટે જગભરમાં તેના પડઘા પડયા હતા. તેમણે પોતાના ભાષણમાં અમેરિકાના મિત્ર દેશોને ચીન કઈ રીતે ધમકાવે છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો અમેરિકાના ઈસ્ટ એશિયા-પેસેફિક અફેર્સના અધિકારી ડેવિડ સ્ટિલવેલે પણ આજે કહ્યું હતું કે ચીન જગતનું ધ્યાન કોરોનાથી ભટકાવવા માટે આ ધમપછાડા કરે છે. ચીને અત્યારે કોરોના ફેલાતો કઈ રીતે અટકે તેના પર ધ્યાન આપવું જોઈએ, તેના બદલે ચીન આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યું છે.

લદ્દાખમાં ભારતીય વાયુસેના સક્રિય : એર ચીફ માર્શલે મુલાકાત લીધી

ચીન કોઈ ભ્રમમાં ન રહે એટલા માટે લદ્દાખના આકાશમાં ભારતીય વાયુસેનાએ સક્રિયતા દાખવી હતી. લદ્દાખના આકાશમાં ભારતના ફાઈટર વિમાનો અને અપાચે જેવા શક્તિશાળી એટેક હેલિકોપ્ટર્સ પેટ્રોલિંગ કરતાં નજરે પડયાં હતા. ભારતીય વાયુસેનાએ તેના પાવરફૂલ યુદ્ધવિમાનો, ટ્રાન્સપોર્ટ વિમાનો, હેલિકોપ્ટર વગેરે ફોરવર્ડ (એટલે સરહદથી સાવ નજીક)ના એરબેઝ પર શિફ્ટ કરવાની શરૂઆત કરી છે. શાંતિકાળમાં વાયુસેનાના બધા વિમાનો ફોરવર્ડ બેઝ પર રાખવામાં આવતા નથી, પરંતુ જ્યારે એલર્ટની સ્થિતિ હોય ત્યારે તેને સરહદ નજીક ખડકી દેવામાં આવે છે. બીજી તરફ વાયુસેનાની તૈયારી જોવા માટે એર ચીફ માર્શલ રાકેશકુમાર ભદૌરિયાએ ૧૭મી તારીખે લેહ એરબેઝ અને ૧૮મીએ શ્રીનગર એરબેઝની મુલાકાત લીધી હતી.

ઓલ ઈન્ડિયા રેડિયો ચાઈનિઝ ભાષામાં ચીનની ગરબડ રજૂ કરશે

ચાઈનિઝ ભાષા મેન્ડેરિનમાં ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચાર અને અન્ય કાર્યક્રમો રોજ સાંજે ૫-૧૫થી ૬-૪૫ સુધી રજૂ થાય છે. આ પ્રસારણમાં અત્યાર સુધી ગલવાન વિશે ખાસ કોઈ પ્રસારણ કરવામાં આવ્યું નથી. પરંતુ હવે પ્રસારણ મંત્રાલય વિચારણા કરી રહ્યું છે કે ગલવાનમાં ચીને જે કર્યું તેની કોમેન્ટ્રી મેન્ડેરિન ભાષામાં રજૂ કરવી. જેથી ચીની પ્રજા પણ ચીનની ગરબડ જાણી શકે. અલબત્ત, આ વિચારણા છે, અંતિમ નિર્ણય લેવાયો નથી.

ઓનલાઈન ખરીદી કરનારા ગ્રાહકોને ક્યારે માહિતી મળશે પ્રોડક્ટ ક્યાંની છે?

અત્યારે ઓનલાઈન ખરીદી કરનારો વર્ગ વધી રહ્યો છે. ઓનલાઈન વેચાતી પ્રોડક્ટમાંથી અમુક જાણીતી બ્રાન્ડને બાદ કરતાં કંપની ક્યાંની છે, તે આસાનીથી જાણી શકાતું નથી. તો બીજી અનેક ચીજોમાં ક્યા દેશની બનાવટ છે તેની કે મેન્યુફ્રેક્ચરની વિગતો આપી જ હોતી નથી. આ માટે સરકારે ઈ-કોમર્સ કાયદામાં સુધારો કરવાની જરૂર છે. ઓનલાઈન વેચાતી દરેક પ્રોડક્ટ સાથે તેના હોમ-પેજ પર પ્રોડક્ટ ક્યાંની છે, એ વિગત રજૂ કરવી જોઈએ. જેથી જેમને સ્વદેશી ચીજ-વસ્તુઓ ખરીદવી છે, એ સરળતાથી નક્કી કરી શકે. ફ્લિપકાર્ટ, એમેઝોન વગેરે કંપનીઓએ પણ ઈન્ડિયન પ્રોડક્ટ ઓન્લી એ પ્રકારનું ફિલ્ટર આપવું જોઈએ.

Read Also

Related posts

અર્જુનભાઈ મોઢવાડિયાનો શિક્ષણમંત્રીને પત્ર: વિદ્યાસહાયકોની ભરતી અને TET પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવાની કરવા રજૂઆત

Pravin Makwana

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!