ચીનમાં કોરોના (corona) વાઇરસની શરૂઆત થઇ હતી જે બાદમાં સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયો છે. આ વાઇરસનો કેર એટલો વધી ગયો કે કેટલાક દેશોમાં માસ્કની અછત ઉભી થઇ ગઇ છે. હવે ચીન તેનો લાભ લઇ રહ્યો છે અને કરોડો માસ્કની નિકાસ કરી વ્યાપાર કરવા લાગ્યું છે. આ ઉપરાંત જે અમેરિકા ચીનની વસ્તુઓ લેવાની ના પાડી રહ્યું હતું તે હવે ચીનની દવાઓ લેવા માટે મજબૂર થઇ ગયું છે કેમ કે અમેરિકામાં પણ વાઇરસના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. માત્ર બે જ મહિનામાં ચીનમાં કોરોના વાઇરસના ઉત્પાદન માટે અનેક કંપનીઓ કુદી છે. આશરે નવ હજાર કંપનીઓ હવે માસ્કનું ઉત્પાદન કરવા લાગી છે.
મોટા પ્રમાણમાં માસ્કનું ઉત્પાદન થવા લાગ્યું
ચીન સરકાર પણ તેનો લાભ લેવા લાગી છે અને મોટા પ્રમાણમાં હવે માસ્કની નિકાસ પણ કરવા લાગી છે. હાલ દુનિયાભરમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા લાખોમાં પહોંચી ગઇ છે તેથી ચીનમાં હાલ એવી પરિસ્થિતિ છે કે માસ્ક બનાવવાની મશીન નોટો છાપવાની મશીન બની ગઇ છે અને મોટા પ્રમાણમાં માસ્કનું ઉત્પાદન થવા લાગ્યું છે. જોકે તેનાથી અન્ય દેશોમાં રહેતા નાગરિકોને કોરોના વાઇરસની સુરક્ષામાં ફાયદો થવાની પણ એટલી જ શક્યતાઓ રહેલી છે.


ત્રણ લાખથી વધારે કેસ યુરોપમાં
કોરોના વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખે પહોંચી ગઈ છે.તેમાં ત્રણ લાખથી વધારે કેસ યુરોપમાં છે. વિશ્વભરમાં મૃત્યાઆંક 27365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની અંદર કોરોના વાઈરસના 1 લાખ 4 હજાર 205 કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 1700થી વધી ગયા છે. ઈટાલીમાં 86,498 કેસ નોંધાયા છે. અહી મૃત્યુઆંક 9134 થયો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ કોરોનના કેસ અમેરિકામાં નોંધાયા છે. જ્યાં એક લાખથી વધુ લોકોના પોઝિટીવ કેસ છે. જ્યારે સૌથી વધુ મૃત્યુઆંક ઈટાલીમાં છે. ઈટાલીમાં કોરોનાથી મૃત્યુઆંક 9 હજારને પાર છે અને 86 હજારથી વધુ પોઝિટીવ કેસ છે. આ ઉપરાંત સ્પેનમાં 64 હજારથી વધુ કેસ અને જર્મનીમાં 50 હજારથી વધુ કેસ છે. ભારતમાં પણ કોરોના પોઝિટીવ કેસ 900ના આંકને વટાવી ગયો છે.

51 ડોક્ટરોના પણ આ વાયરસના કારણે મોત થયા
કોરોના વાયરસનો ગઢ બની ચુકેલા ઈટાલીમાં દર્દીઓને સાજા કરવા માટે મથામણ કરી રહેલા ડોક્ટરોમાંથી ઘણા આ વાયરસ સામે જીંદગીનો જંગ હારી ચુક્યા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 51 ડોક્ટરોના પણ આ વાયરસના કારણે મોત થયા છે. આ તમામ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. તેમના સારવાર દરમિયાન મોત થયા હતા. ઈટાલીના ડોક્ટર એસોસિએશનના અધ્યક્ષ ફિલિપો અનેલ્લીએ તાજેતરમાં જ આ ખતરાને જોતા ડોક્ટરો માટે વધારે સુરક્ષા ઉપકરણોની માંગણી પણ કરી છે. દરમિયાન ઈટાલીને આ વાયરસે જબરદસ્ત ભરડો લીધો છે. ક્યારે આ મહામારી દુર થશે તેના કોઈ એંધાણ મળી રહ્યા નથી. શુક્રવારે તો 1000 દર્દીઓ ઈટાલીમાં મોતને ભેટતા હાહાકાર મચી ગયો છે. ઈટાલીમાં મરનારા લોકોની સંખ્યા 9000ને પાર કરી ગઈ છે. બીજા હજારો લોકો સંક્રમિત થયેલા છે. ઈટાલીમાં સતત નવા દર્દીઓ સામે આવી રહ્યા છે.