GSTV

નાપાક ડ્રેગન/ કપટી ચીનને કડક સંદેશો, ભારતે સ્પષ્ટ જણાવ્યું કે ‘લદ્દાખ અમારો પ્રદેશ

ભારત અને ચીન વચ્ચેની લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (LAC) નામે ઓળખાતી સરહદ કામચલાઉ છે. બન્ને દેશોએ મળીને કાયમી સરહદ અથવા તો એલએસી નક્કી કરવાની છે. પરંતુ એ કામગીરી વર્ષોથી લટકેલી પડી છે, કેમ કે બન્ને દેશો પોતાની ભૂમિ છોડવા તૈયાર નથી. એ અડધી સદી જૂનો વિવાદ અત્યારે ફરી સપાટી પર આવ્યો છે. ભારતે હવે ચીનને સ્પષ્ટ કહ્યું હતું કે તમે જે 1959ના આધારે એલએસી ગણાવો છો, તેને અમે માનતા જ નથી. ભારતના મતે ફાઈનલ એલએસી નક્કી કરવાની તો બાકી જ છે.

લદ્દાખ તમારો પ્રદેશ છે જ નહીં’ : ચીન ‘અમને એલએસી માન્ય નથી’ : ભારત

એ પહેલા ચીને કહ્યું હતું કે લદ્દાખ પ્રદેશને તમે ભલે કેન્દ્રશાસીત જાહેર કર્યો, પરંતુ અમારા મતે એ તમારો પ્રદેશ છે જ નહીં. ચીનના મતે આખો લદ્દાખ વિસ્તાર વિવાદાસ્પદ (એટલે કે ચીનનો) છે. માટે ભારતે લદ્દાખના સરહદી વિસ્તારમાં  કોઈ પણ વિકાસકાર્યો કરતા પહેલા સાવધાન રહેવું જોઈએ. બિજીંગમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ભારત લદ્દાખના સરહદી વિસ્તારમાં રોડ-રસ્તા બનાવે છે, તેનાથી વિવાદ થશે. સરહદે ચીન નવા લશ્કરી મથકો બાંધે છે, એવા અહેવાલો પણ ખોટા હોવાનું વાંગે જણાવ્યું હતું.

 ભારત-ચીન વચ્ચેનો અડધી સદી કરતાં વધુ જૂનો વિવાદ સપાટી પર

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ભારતે 1959માં નક્કી થયેલી કથિત એલએસી ક્યારેય માન્ય ગણી નથી. શ્રીવાસ્તવે દસ્તાવેજો રજૂ કરતા કહ્યું હતું કે એલએસી સેટલ નથી થયેલી એટલે જ તો ભારત-ચીન વચ્ચે 1993માં, 1996માં અને 2005માં દ્વિપક્ષીય સરહદી કરાર થયા હતા. જો 1959ની જ રેખાને એલએસી માની લીધી હોય તો આવા કરારની ક્યાં જરૂર જ છે? પણ ભારતે એ રેખા ક્યારેય સ્વીકારી નથી.

ભારતે કહ્યુ હતુ કે એલએસી સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે ભારતે 2003 સુધી સક્રિય રહીને વાટાઘાટો કરી. પરંતુ એ પછી ચીને આ મુદ્દો જ પડતો મુક્યો. એટલે ચીન એલએસીનો પ્રશ્ન ઉકેલવા માંગતુ નથી, એમ સમજી શકાય. ચીન સામે વધુને વધુ દેશો ભારતના પક્ષે આવી રહ્યા છે. આગામી દિવસોમાં ચીન સામે મોરચો માંડવા માટેે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા એ ચાર દેશોના વિદેશમંત્રી ટોકિયોમાં મળનારા છે. આ બેઠકનો ચીને અત્યારથી જ વિરોધ શરૂ કરી દીધો હતો. ચાર દેશોની મીટિંગ 6ઠ્ઠી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.

1959ની એલએસીનો વિવાદ શું છે?

ભારતના મતે એલએસી (લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ-કામચલાઉ સરહદ) ની લંબાઈ 3488 કિલોમીટર લાંબી છે, જ્યારે ચીનના મતે 2 હજાર કિલોમીટર જ છે! કેમ કે ચીન લદ્દાખ મોરચાની એલએસીને માનવા તૈયાર જ નથી. આઝાદી પછી સરહદી વિવાદ વખતે 1959માં ચીની વડા પ્રધાન ચાઉ એનલાઈએ વડા પ્રધાન નહેરૂને પત્ર લખ્યો હતો. તેમાં ચાઉએનલાઈએ પોતાની ઈચ્છા મુજબ એલએસી દર્શાવી હતી. ચીન આજેય એ પત્રના આધારે જ એલએસી માને છે, જેનો ભારત સ્વિકાર કરતું નથી. ચીનના મતેે તો અત્યારની એલએસી છે, તેના કરતા 20 કિલોમીટર અંદર સુધીનો પ્રદેશ તેનો જ છે. ભારતે 1959માં અને 1962માં પણ ચીનની એ એલએસીનો વિરોધ કર્યો હતો.

સરહદે ન યુદ્ધ, ન શાંતિ : એર ચીફ માર્શલ

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ આરએસકે ભદૌરિયાએ આજે કહ્યું હતું, કે સરહદે સ્થિતિ ગંભીર છે. અત્યારે ન યુદ્ધ, ન શાંતિની સ્થિતિ છે. જોકે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા વાયુસેના તૈયાર હોવાની તેમણે ખાતરી આપી હતી. એર ચીફ માર્શલે કહ્યું હતું કે ભારતે સ્વદેશમાં જ પાંચમી પેઢીનું ફાઈટર વિમાન તૈયાર કરવું જોઈએ. આગામી બે દાયકામાં ભારતને નવા 450 એરક્રાફ્ટની જરૂર પડશે, માટે ભારતમાં જ મહત્તમ ઉત્પાદન થાય એ આદર્શ સ્થિતિ છે. 

આકાશી પેટ્રોલિંગ માટે ભારતે માલદિવ્સને વિમાન આપ્યું

આકાશી પેટ્રોલિંગ માટેે ભારતે માલદિવ્સને એક ડોર્નિયર વિમાન આપ્યું છે. આ વિમાનનુ સંચાલન માલદિવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ કરશે, જ્યારે ખર્ચ ભારત ઉઠાવશે. સમુદ્રી પેટ્રોલિંગ માટે આ વિમાનની જરૂરિયાત હોવાની માલદિવ્સે છેક 2016માં ભારતને વિનંતી કરી હતી. તેને ધ્યાને લઈને ભારતે આ નિર્ણય લીધો હતો. ભારતીય નૌકાદળ મોટી સંખ્યામાં ડોર્નિયર વિમાનો વાપરે છે. નૌકાદળ દ્વારા જ માલદિવ્સની ટીમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

IPL 2020: બટલરની ધમાકેદાર ફિફટી, રાજસ્થાને ચેન્નાઈને 7 વિકેટે હરાવ્યું

Pravin Makwana

અચાનક રાતે ઉંઘ ઉડી ને પત્નીને કારીગર સાથે કઢંગી હાલત જોઈ પતિએ બંનેને પતાવી દીધા, પ્રેમીની તો આંખો ફોડી નાખી

Pravin Makwana

NEET રિઝલ્ટમાં ભયંકર ભૂલ/ એક ભૂલે વિદ્યાર્થીના સપના રગદોળી નાખ્યા, જ્યારે ભૂલ સમજાય ત્યારે બન્યો ઓલ અવર ઈન્ડિયામાં ટૉપર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!