GSTV
News World ટોપ સ્ટોરી

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

ચીન

એક વર્ષ કરતાં વધુ સમયથી પૂર્વીય લદ્દાખ સરહદે તણાવપૂર્ણ સ્થિતિ સર્જવાની સાથે ચીન ભારત માટે કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભી કરવાનું કારસ્તાન કરતું રહે છે. પૂર્વીય લદ્દાખ સરહદે પીછેહઠ કર્યા પછી ચીને હવે ભારતને આર્થિક મોરચે ફટકો પહોંચાડવાનો પ્રયાસ કરતાં ભારતીય નાવિકોના પ્રવેશ પર અઘોષિત ‘પ્રતિબંધ’ મૂકી દીધો છે. ચીને ભારતીય નાવિકો કામ કરતા હોય તેવા વિશ્વના કોઈપણ દેશના જહાજોને ચીની બંદરો પર આવતા અટકાવી દીધા છે. ચીનના આ કારસ્તાનના કારણે સમગ્ર વિશ્વમાં હજારો ભારતીય નાવિકોની નોકરી જોખમમાં મુકાઈ હોવાનો ઓલ ઈન્ડિયા સિફેરર્સ એન્ડ જનરલ વર્કર્સ યુનિયને દાવો કર્યો છે.

ચીન

લદ્દાખ સહિત સરહદે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચીનનું નવું કારસ્તાન

ઓલ ઈન્ડિયા સિફેરર્સ એન્ડ જનરલ વર્કર્સ સંગઠને આ અંગે બંદર, જહાજ પરીવહન અને સમુદ્રી જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખીને ફરિયાદ કરી છે. સંગઠને કેન્દ્રીય મંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે ચીન દ્વારા આ પ્રકારનો પ્રતિબંધ મૂકાવાના કારણે આવતીકાલથી પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે ૨૧ હજારથી વધુ ભારતીય નાવિકોની નોકરી પર જોખમ સર્જાયું છે. સંગઠનના અધ્યક્ષ અભિજિત સાંગલેએ જણાવ્યું કે, આ ચીનની વધુ એક ચાલ છે. ચીન પોતાના નાવિકોને પ્રોત્સાહન આપી શકે તે માટે ભારતીય સમુદ્રી કામદારોને વિશ્વની અનેક કંપનીઓના જહાજો પર કામ કરતા રોકવા માગે છે.

તેમણે ઉમેર્યું કે અમે આ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખ્યો છે. સાથે જ જહાજ પરિવહનના ડીજી અને વિદેશ મંત્રાલયને પણ આ બાબતની માહિતી અપાઈ છે. અમે આ બાબતને ગંભીરતાથી લેવા વિવિધ મંત્રાલયોને વિનંતી કરી છે. અભિજિત સાંગલેએ કહ્યું કે, તેમણે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરને અલગથી પત્ર લખીને આ બાબતે ઝડપથી પગલાં લેવા વિનંતી કરી છે. આ વર્ષની શરૂઆતમાં પણ ચીને ભારતીયો કામ કરતા હોય તેવા વિદેશી જહાજોને ચીનના બંદરો પર પ્રવેશ કરતાં અટકાવ્યા હતા. પરિણામે અંદાજે ૪૦ ભારતીય ક્રૂ થોડાક દિવસો માટે ચીનમાં ફસાઈ ગયા હતા.

ચીન

ચીનના ‘પ્રતિબંધ’ને કારણે અમેરિકા, ઈંગ્લેન્ડ, પશ્ચિમી યુરોપીયન દેશોએ ભારતીય નાવિકોને નોકરી પર રાખવાનું બંધ કર્યું

નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય કેપ્ટન સંજય પરાશને કહ્યું કે ચીન હવે વિદેશી જહાજો પર પોતાની શરતો લાદી રહ્યું છે. તેમના મુજબ ચીને વિદેશી જહાજ કંપનીઓને કહ્યું છે કે તેઓ તેમની શરતો માનશે તો જ તે ચીનના બંદરો પરથી માલનું પરીવહન કરી શકશે અથવા ચીનની સમુદ્રી સરહદમાં પ્રવેશી શકશે. ચીને વિદેશી જહાજ કંપનીઓ પર મૂકેલી શરતોમાં કહેવાયું છે કે તેમણે ચીનની સમુદ્રી સરહદમાં પ્રવેશ કરવો હોય તો તેમણે તેમના જહાજ પર ભારતીયોને નોકરી આપવાનું બંધ કરવું પડશે.

બ્રિટનની એક જહાજ કંપનીની ભારતીય શાખાના પ્રમુખ રાકેશ કોએલ્હોએ જણાવ્યું કે ભારતીય ક્રૂ વિરુદ્ધ ચીનનો આ પ્રતિબંધ માર્ચ મહિનામાં શરૂ થયો હતો. તેમણે કહ્યું કે તેની પાછળ ભારતમાં કોરોનાના વેરિઅન્ટને કારણરૂપ ગણાવાય છે, પરંતુ હવે તો બધા જ દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળી રહ્યો છે. તેથી ચીનની આ દલીલમાં કોઈ દમ નથી. તેમણે કહ્યું કે ભારતીય નાવિકો દુનિયામાં સૌથી સારા માનવામાં આવે છે, પરંતુ ચીનના આ પગલાં પછી અમેરિકા, ઈંગ્લેન્ડ અને પશ્ચિમી યુરોપીયન દેશોએ ભારતીય ક્રૂને નોકરી આપવાનું બંધ કરી દીધું છે. તેમની જગ્યાએ તેઓ હવે ફિલિપાઈન્સ, વિયેતનામ અને ચીની નાગરિકોની ભરતી કરી રહ્યા છે. જહાજ ઉદ્યોગમાં ભારતીય નાવિકોની બોલબાલા છે. છેલ્લા અનેક વર્ષોથી ભારતમાંથી વાર્ષિક ૨.૪ લાખ નાવિકો વિશ્વભરમાં જહાજ કંપનીઓમાં નોકરી પર જાય છે, જેમાંથી ૨.૧ લાખ નાવિકો વિદેશી જહાજો પર તૈનાત હતા.

જોકે, જહાજ પરિવહનના ડીજી અમિતાભ ઠાકુરે જણાવ્યું કે તેમને આ અંગે કોઈ પત્ર મળ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે તેમને સત્તાવાર રીતે ચીન દ્વારા કોઈ પ્રતિબંધ મૂકાયો હોય તેની માહિતી નથી. વધુમાં અમને એવી પણ કોઈ માહિતી નથી મળી, જેમાં ૨૧ હજારથી વધુ ભારતીય નાવિકોની નોકરી જોખમમાં હોય. તેમણે કહ્યું કે, ચીન દ્વારા ભારતીય નાવિકો પર પ્રતિબંધ મૂકાયો હોવાની બાબત કેટલાક લોકોનો અંગત મત હોઈ શકે છે.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda
GSTV