GSTV

ઓ બાપ રે ટ્રમ્પના રોડ શોમાં અમદાવાદીઓ તો જવા દો રૂપાણીના કાફલાને પણ નો એન્ટ્રી, તો પણ નમસ્તે ટ્રમ્પ

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પની આગમન પહેલાં જ અમેરિકન સુરક્ષા એજન્સીઓએ રજેરજની માહિતી મેળવીને સુરક્ષાની સમિક્ષા કરી છે. યુએસ એરફોર્સનું હરક્યુલસ વિમાન અદ્યતન સિસ્ટમથી સજ્જ એસયુવી કાર ઉપરાંત ત્રણ ટ્રક ભરીને સુરક્ષાની સામગ્રી લઇને આવી પહોચ્યું છે.સુરક્ષાનો એવી ગોઠવાઇ છેકે, ટ્રમ્પ સુધી પહોંચવા સાત કોઠા વિંધવા સમાન સાબિત થશે. રોડ શો વખતે તો ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાફલાને પ્રવેશ નહી મળે.

ટ્રમ્પ-મેલાનિયા માટે ખાસ બિસ્ટ કાર મંગાવાઇ

ટ્રમ્પની સુરક્ષા માટે યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટો અત્યારથી કામે લાગ્યાં છે. એરપોર્ટથી મોટેરા સુધીના રોડ શોમાં રોડરનર કાર મુખ્ય ભૂમિકામાં હશે. આ કાર કમાન્ડ કંટ્રોલ વ્હિકલ તરીકે ઓળખાય છે જેમાં ટ્રાન્સપોન્ડર,એન્ટેના,સેટેલાઇટ કોમ્યુનિકેશન સહિતની અદ્યતન સુવિધા હોય છે.આ ઉપરાંત તેમાં 360 ડીગ્રી કેપ્ચર કરી શકે તેવો લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ કેમેરો પણ હોય છે. રોડ શો વખતે ટ્રમ્પના કાફલામાં 40 કારો હશે તેવો અંદાજ છે. ટ્રમ્પ-મેલાનિયા માટે ખાસ બિસ્ટ કાર મંગાવાઇ છે. યુએસ એરફોર્સનું ગ્લોબ માસ્ટર હરક્યુલસ પ્લેન આ કાર લઇને એકાદ દિવસમાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.ત્યારે ટ્રમ્પના કાફલામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કારના કાફલાને એન્ટ્રી નહી મળે. સિક્રેટ સર્વિસ એજન્ટ જ નક્કી કરશે કે કોની કારનો કાફલામાં સમાવેશ કરવો.અત્યારે તો રોડ શોના રૂટનુ સિક્રેટ સર્વિસ એજન્ટો અદ્યતન સુરક્ષા સામગ્રીના માધ્યમથી સ્કેનીંગ કરી રહ્યાં છે તેમની લીલીઝંડી મળ્યા બાદ જ રોડનો પ્રારંભ થશે. આમ, રોડ શો વખતે આખાય રૂટ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ટ્રમ્પના આગમનની તૈયારીઓની સમીક્ષા કરાઇ, મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને પગલે અમદાવાદમાં પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સમગ્ર કાર્યક્રમની કામગીરીની સમિક્ષા કરી હતી. મોટેરા સ્ટેડિયમ પર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, વાહન વ્યવહાર સહિતના મુદ્દાઓને લઇને તલસ્પર્શી વિગતો અધિકારીઓ પાસેથી મેળવી હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને ટ્રાફિક નિયમનથી માંડીને સુરક્ષાના પગલાઓ વિશે વિગતો આપી માહિતગાર કર્યા હતાં. મુખ્યમંત્રીએ વિશાળ જનસમુદાય સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે તંત્રએ ગોઠવેલી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના અિધકારીઓ હાજર રહ્યા હતાં.

સ્ટેડિયમ- રોડ શો વખતે લોકોને પુરીશાક-કચોરી અને મોહનથાળનો નાસ્તો આપશે

અત્યારે તો એક લાખ લોકોને સ્ટેડિયમમાં એકઠા કરવા સરકાર-ભાજપ પ્રદેશ સંગઠન માટે ય પડકાર સમાન બન્યુ છે. હજારો લોકો એકત્ર થવાના છે ત્યારે તેમના માટે ભોજન-પાણીની પુરતી વ્યવસ્થા કરાઇ છે. સૂત્રોના મતે, સ્ટેડિયમમાં જતાં પહેલાં બસમાં જ લોકોને હળવો નાસ્તો જેમકે, ગાંઠીયા,ફરસીપુરી,કચોરી,વેફર,બિસ્કીટ અપાશે. જયાંથી લોકોને બસમાં બેસાડવામાં આવશે ત્યાથી જ નાસ્તો પણ આપવામાં આવશે. સ્ટેડિયમમાં ય 90થી વધુ સ્ટેન્ડ ઉભા કરાશે જયાંથી લોકોને ફુડપેકેટો મળી રહેશે. આ ઉપરાંત રોડ શોમાં ય લોકો રસ્તા પર બે-ત્રણ કલાક ઉભા રહેશે તે જોતા લોકોને પુરી શાક,મોહનથાળ સહિતના ફુડ પેકેટ આપવા આયોજન કરાયુ છે. જોકે, ગામડા-શહેરોમાં આવનારા લોકોને તો સવારે જ પેટભરીને નાસ્તો કરીને આવવા અગાઉ જ કહી દેવાયું છે.

વિશ્વના શક્તિશાળી નેતાઓ બોલિંગ ને, બેટિંગ કરશે

આગામી 24મી ફેબુ્રઆરીએ અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા-વિશાળ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પર વિશ્વના બે શક્તિશાળી નેતાઓ આવી રહ્યાં છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ પર અનોખા અંદાજમાં જોવા મળશે. આ બંને મહાનુભાવો ક્રિકેટ પ્રેકટીસ પીચ પર ક્રિકેટ રમે તેવી શકયતા જોવાઇ રહી છે. ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદના મોટેરા-ગાંધીઆશ્રમના આસપાસના વિસ્તારની તો જાણે શકલોસુરત બદલાઇ ગઇ છે. હાઉડી મોદીની તર્જ પર મોટેરા સ્ટેડિયમ યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે સમગ્ર મોટેરા સ્ટેડિયમને નવો ઓપ આપી દેવાયો છે.

સૂત્રોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રથમ પ્રવાસે આવી રહ્યાં છે તેમાંય દુનિયાના સૌથી મોટા કહી શકાય તેવા મોટેરા સ્ટેડિયમમાં આગમન કરી રહ્યાં છે ત્યારે આ બંને મહાનુભાવો મુખ્ય સ્ટેડિયમની પાસે પ્રેકટીસ પીચ પર એકાદ-બે બોલ રમીને બેટિંગ-બોલિંગ કરીને ક્રિકેટનો લ્હાવો માણી શકે છે. આ ક્ષણ મોટેરા સ્ટેડિયમ માટે યાદગાર ક્ષણ બની રહેશે. વિશ્વની મહાસત્તાના સુકાની ક્રિકેટનો અહીં આનંદ માણશે.આમ,મોટેરા સ્ટેડિયમ પર વિશ્વના શક્તિશાળી નેતાઓને અનોખો અંદાજ જોવા મળશે.જોકે, આ વાતને હજુ સત્તાવાર સમર્થન મળી શક્યુ નથી.

READ ALSO

Related posts

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

Nilesh Jethva

કોરોના સામે આશાનું કિરણ, એક ડોજ અને કોરોના વાયરસ 48 કલાકમાં ખતમ !

Nilesh Jethva

કોરોના સામે લડવા પીએમ મોદીએ આ દિગ્ગજ નેતા સાથે મીલાવ્યો હાથ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!