GSTV

Chehre Review/ ચહેરા ક્યા દેખતે હો, લૉજિક લગા કે દેખો ના… સારી વાર્તા પર બનેલી નબળી ફિલ્મ!

Chehre

Last Updated on August 28, 2021 by Lalit Khambhayata

પાર્થ દવે

Chehre – 0.9 સ્ટાર (5માંથી)

એક સ્વીસ રાઈટર છે. તેમનું નામ છે ફ્રેડરીચ ડુર્રેન્ટમૅટ. તેમણે 1956માં એક નૉવેલ લખી, નામ ‘ડાય પૅને’. આ જર્મન નામ છે, જેનો અર્થ થાય ‘ધ બ્રૅકડાઉન’. નૉવેલનું અંગ્રેજી નામ છે ‘અ ડેન્જરસ ગેમ’. વાર્તાની શરૂઆત એક સેલ્સ રિપ્રેઝન્ટેટિવથી થાય છે જેની કાર રસ્તાવચાળે અટકી જાય છે અને નિવૃત જજ તેને આશરો આપે છે, ઘરે લઈ જાય છે. ઘરમાં વકીલ, ઍટર્ની અને હેન્ગમેન અકા જલાદ છે. બધા નિવૃત. અજાણા ધંધાદારી વ્યક્તિ સાથે આ રિટાયર્ડ માણસો પહેલા કરતા તેવી પ્રેક્ટિસ એટલે કે કેસ-કેસ રમવા માંડે છે! અને તેમાં ભૂતકાળના, રહસ્યના, રોમાંચના, અપરધાના, બદલાના ફણગા ફૂટે છે.

ફ્રેડરીચ ડુર્રેન્ટમૅટએ આ નૉવેલ મૂળ કોઈ શૉર્ટ સ્ટોરી પરથી લખી હતી. અને ત્યાર પછી ‘અ ડેન્જરસ ગેમ’ પરથી અમરીકન અને મરાઠી નાટક તથા મરાઠી, ઈટાલિયન, કન્નડ અને જર્મન ભાષામાં ફિલ્મો બની. એમાં એક ઉમેરો થયો છે, ‘ચેહરે’નો. હિન્દીમાં 2019માં ‘રોંગ ટર્ન’ નામની થીએટર હિન્દી ફિલ્મ બની ચૂકી છે, જેનામાં પણ મૂળ પ્લોટ ‘અ ડેન્જરસ ગેમ’નો હતો.

તેરે ચહેરે સે નઝર નહીં હટતી…

‘Chehre/ચેહરે’ની શરૂઆત દિલ્હીથી અઢિસો કિલોમીટર દૂર બર્ફિલા પહાડોની વચ્ચે ચાલતી બીએમડબલ્યૂથી થાય છે. (ફિલ્મનું શૂટિંગ પોલેન્ડમાં થયું છે.) સમીર મેહરા (ઇમરાન હાશ્મી)ને પહોંચવું જરૂરી છે અને વચ્ચે ઝાડ પડતા તેની કાર અટકી જાય છે. પરમજીત સિંહ ભુલ્લર (અન્નુ કપૂર) નામના નિવૃત્ત વકીલ તેને એક કૉટેજ-મહેલ-હવેલી જેવી જગ્યાએ લઈ જાય છે. તે ઘરમાં એક રિટાયર્ડ જજ (ધ્રિતિમાન ચેટરજી), એક રિટાયર્ડ જલ્લાદ હરિયા યાદવ (રઘુવીર યાદવ), એક રિટાયર્ડ અપરાધી (સિદ્ધાંત કપૂર) અને વકીલ અન્નુ કપૂર ઉપરાંત એક ઔર વકીલ લતીફ ઝૈદી (બચ્ચન) અને ઘરકામ કરતી એક યુવતી (રેહા ચક્રવર્તી) છે.
આ બધા છે નિવૃત્ત, પણ લાગે છે વિકૃત. કેમ કે, તેમનું એમ કહેવું છે કે, અમે નિવૃત્ત છીએ એટલે પ્રવૃત્તિમાં રહેવા જે પહેલા કરતા તે જ પ્રવૃત્તિ કરીએ છીએ; બીજા કોઈ અમને શોખ નથી. તો આજે તમે આવ્યો છો, તો રમો. જેમ લગ્નમાં ઉત્સાહી ફુઆ તેના સાઢુભાઈને દાંડિયા રમવા ખેંચી જાય તેમ આ લોકો પેલા કોઈ કંપનીના સીઈઓ (હાશ્મી)ને રમો ને રમો, રમો ને રમો કહ્યા કરે છે. એમાં દાદુ ઍક્ટર રઘુવીર યાદનું પાત્ર તો ભારે રહસ્યમયી છે. એટલું કે હસવું આવી જાય! એમનું એમ કહેવું છે કે, જલ્લાદ છું એટલે લગ્ન નથી કર્યા. અને મને ગર્વ છે. (હેં?!)
અન્નુ કપૂરનું પાત્ર પંજાબી છે. શરૂઆતની હળવી મૉમેન્ટ્સ આપવાનું કામ તેમનું છે. સિદ્ધાંત કપૂરે અન્ય ફિલ્મોમાં ધાર્યા કરતા ઍક્ટિંગ સારી કરી છે, પણ અહીં તે કંઈ બોલતો જ નથી. ધ્રિતિમાન ચેટરજી જસ્ટિસસાહેબ છે ને જસ્ટિસસાહેબ જેવા જ લાગે છે. રેહા ચક્રવર્તીનું ઍનાનું પાત્ર કહ્યું એમ કામકાજ કરનારનું છે, પણ તે પેઇન્ટિંગ પણ કરે છે. ગંભીર રહે છે. હસે તો હસ્યા જ કરે છે. તેને જોતાવેંત થાય જ છે કે, આનું કંઈક ભૂતકાળ હોવું જોઈએ. આમ તો દરેક કૅરૅક્ટર સાથે કંઈક ને કંઈક ઘટના જોડાયેલી હશે એવું શરૂઆતમાં આપણને લાગે. એમાંથી એક ઇમરાન હાશ્મિનું ભૂતકાળ ખૂલે છે ને અચાનક  દે ઠોક ડાયલૉગબાજીમાંથી ‘આશિક બનાયા આપને’ શરૂ થઈ જાય છે.

જનતા કો એક્સાઈટમેન્ટ મંગતા હૈ

વાર્તા કાગળ પર દમદાર છે. જોકે, ‘ચેહરે’ જોયા પછી તે કાગળ પર પણ ખરાબ લાગે છે. મૂળ વાર્તા મજબૂત હશે એટલે જ તેના જુદા જુદા વર્ઝન બન્યા છે. વાર્તાની શરૂઆતની વીસેક મીનીટ તો ક્વાન્ટિન ટેરેન્ટિનોની ‘ધ હેટફૂલ એઈટ’ જેવી ‘લાગે’ છે. જેમાં દરેક પાત્રનો પરિચય અપાયો છે. એક જ કૉટેજમાં, જેના રૂમ ઘણા છે પણ આપણે બહુ જોવા નથી મળતા, સાતેક જણા ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ, કોર્ટ માશર્લ કરે છે. કરે છે તે કર્યા જ કરે છે… અટકતા નથી. જોકે, શરૂઆતમાં મજા આવે છે. મદિરાનો ગ્લાસ પણ કોઈ પાત્ર ટેબલ પર મૂકે કે વાંસળી વગાડે કે સિગારેટનું કવર મૂકે કે કૅમેરાની સામુ જુએ તોય રહસ્યમયી ફિલીંગ આવે છે. પણ સમય જતા તેમાંથી રહસ્ય નીકળી જાય છે ને તેની જગ્યા બૉર્ડમ લઈ લે છે.

વિધુ વિનોદ ચોપડાની ન ચાલેલી અફલાતૂન ફિલ્મ ‘ખામોશ’ના સ્ક્રિપ્ટ એસોશિએટ રણજીત કપૂર હતા. ત્યાર બાદ તેમણે કભી હાં કભી ના, બૅન્ડિટ ક્વિન, લજ્જા, હલ્લા બોલ સહિતની ફિલ્મોમાં ડાયલૉગ્સ લખ્યા છે. તેમણે ‘ચેહરે’ની વાર્તા તથા રુમી જાફરી સાથે મળીને સ્ક્રિનપ્લે અને ડાયલૉગ્સ લખ્યા છે. (ઉપર જર્મન નૉવેલની કથા કરી તેની ક્રેડિટ ‘ચેહરે’માં નથી આપી!) ‘ચેહરે’ના ડાયલૉગ્સમાં ઉર્દુની છાંટ છે. જરીક લેટ આવતા લતીફ ઝૈદી (બચ્ચન)ના મુખે ઉર્દુ શેર, ઉર્દુ શબ્દો મુકાયા છે. સામસામી શાયરીવાળા એકલદોકલ દ્રશ્યમાં મજા પડે છે. અમુક નેચરલ હસવું પણ આવે છે. આપણો ફાયદો જ જોવો હોય તો અમુક નવા ઉર્દુ શબ્દોય જાણવા મળે છે. ડિરેક્ટર અને કૉ-સ્ક્રિનપ્લે તથા ડાયલૉગ રાઈટર રુમી જાફરી છે, જેમણે અઢળક ફિલ્મોના લેખન સાથે સંકળાયેલા છે અને ગૉડ તુસ્સી ગ્રેટ હો, લાઈફ પાર્ટનર અને ગલી ગલી ચોર હૈઃ આ ત્રણ ફિલ્મો ડિરેક્ટ કરી છે. શરૂઆતના શૉટ્સ મનોરંજક લાગે છે, ઝોનર થ્રિલનું રખાયું છે, પણ સમય જતા બધું જ પ્રેડિક્ટેબલ થઈ જાય છે. સ્ક્રિપ્ટ એટલી ખેંચી છે કે, દર્શકે નક્કી કર્યું હોય કે એક્સાઈટ થવું જ છે તોય નથી થઈ શક્તો! 

ચીપી ચીપીને વાર્તા કહેવાની કળા

એક જ જગ્યા હોવા છતાંય બંધિયાર નથી લાગતું. (ઘણાને નાટક જેવી ફિલ પણ આવી શકે છે.) કારણ બિનોદ પ્રધાનનું કૅમેરા વર્ક અને બીજું દમદાર કલાકારો. એટલે શરૂઆતમાં તમારા મગજમાં કંટાળો નથી પ્રવેશતો, પણ પછી સ્ક્રિપ્ટ લેવલે રિવિઝન શરૂ થતા ચટપટી થવા લાગે છે. એટલી કે 138 મિનિટની ફિલ્મ પણ લાંબી લાગે છે. અને એમાંય ઈન્ટરવલ પછીનો કહ્યો તે ઇમરાન હાશ્મીની જૂની ફિલ્મો છાપ ફ્લૅશબૅક. લૉજિકની નવી કુલી નંબર 1 કરી નાખી છે જાફરીસાહેબે.

‘ચેહરે’ રિલીઝ થાંઉ થાંઉ કરતી હતી અને અંતે કૉવિડ શાંત પડતા રિલીઝ થઈ. એ દરમ્યાન, આમ તો પહેલાથી જ લોકો ઘેર બેસીને ડિજિટલ પ્લૅટફૉર્મ પર એવી એવી ફિલ્મો જોઈને બેઠા છે કે હવે આ ચમચી લઈને પાણી પીવડાવતી ફિલ્મોથી અપચો થઈ જાય! (હા, આવો જ લૉજિક વગરનો પ્લોટ છે પોસ્ટ ઈન્ટરવલમાં.) અન્નુ કપૂરનું પાત્ર ઇમરાન તરફી કેસ લડે છે અને બચ્ચનનું પાત્ર તેના સામેનું. આ સામસામી દલીલબાજીમાં પુનરાવર્તન ને મેલોડ્રામાનો અતિરેક થઈ ગયો છે. દરેક વસ્તુ કે વ્યક્તિને ચીપી ચીપીને બતાવતા હોય તેવું લાગે છે. બચ્ચનના દમદાર અવાજનો બહોળો ઉપયોગ થયો છેઃ ફર્સ્ટ ટુ લાસ્ટ ફ્રેમ સુધી. જોકે, તેઓ વકીલ કરતા બચ્ચન વધારે લાગે છે. અન્નુ કપૂર, કહ્યું એમ જામે છે. પણ ઇમરાન હાશ્મી વચ્ચે વચ્ચે નબળા પડી જાય છે.   

બચ્ચનનો મૉનોલૉગ, દર્શકોનો ચિત્કાર

‘ચેહરે’માં વાત તો પેલા કંપનીના સીઇઓના રહસ્યમયી ભૂતકાળની છે. તેની સાથે ખેલાતા અદાલતઅદાલતની છે, પણ તેના પડની અંદર ન્યાય, અપરાધ, ફેંસલો, બદલો વગેરેની સમજ આપવાનો પ્રયત્ન કરાયો છે. તે અર્થના શરૂઆતથી ડાયલૉગ્સ આવ્યા જ કરે છે. શરૂઆતમાં તે સારા લાગે છે, પછી સહ્ય લાગે છે અને પછી અસહ્ય. ઇમરાન હાશ્મીના મોઢે ભંગાર જ ડાયલૉગ્સ આવ્યા છે અને છેલ્લે બચ્ચને કરેલો (આશરે સાતેક મિનિટનો) મૉનોલૉગ, તેમના દમદાર અભિનય છતાં, બહુ જ ખરાબ લાગે છે. કેમ કે, ત્યાં સુધી એક તો વાર્તાની પકડ છૂટી ને કાબૂલ પહોંચી ગઈ હોય છે અન તેઓ જે નિર્ભયા કેસનો રેફરન્સ આપે છે, જે દેશના પ્રશ્નોની વાત કરે છે, જે અંધો કાનૂન ચિત્કારે છે તે અહીં રિલેવન્ટ જ નથી લાગતું. અને એમાં ડાયલૉગ રાઈટરસાહેબ રીતસરના લાગણીઓના મહાસાગરોમાં વહી ગયા છે ને બચ્ચનસાહેબને ‘પિંક’વાળા વકીલ બનાવી દીધા છે. ઇમરાન હાશ્મીના કેસ સાથે લોકો તેને ‘એડજસ્ટ’ નથી કરી શક્તા!

ક્રિસ્ટલ ડિસૂ’ઝા સિવાય કોનો ચહેરો જોવાય?

ફિલ્મમાં ક્રિસ્ટલ ડિસૂ’ઝાનું પાત્ર મોહકતા લાવવા માટે છે. એક તેનો ‘ચહેરો’ સારો છે. તેનું અને ઇમરાનનું જરૂરિયાત વિનાનું એક ગીત છે. ક્રિસ્ટલના પતિનું પાત્ર સમીર સોની ભજવે છે. જેટલું પણ ભજવે છે ઑવર ભજવે છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઠિકઠાક છે. ઍન્ડમાં બાલિશતાની હદ વટાવીને એક પાત્રને હિમપ્રપાતમાં પડતો બતાવાયો છે. વાસ્તવિકતાથી જોજનો દૂર ભાસે છે દ્રશ્ય. અને તે ફિલ્મનો મહત્વનો – ક્લાઈમેક્સ સીન છે. રુમી જાફરીસાહેબે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને કંઈ કરવાની ટ્રાય કરી છે. ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ પર આવવાની છે. બચ્ચનસાહેબ કેબીસી પર આવે છે. જોઈ શકાય!

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!