ચેમ્પિયન રેસરને આ એક ભૂલ નડી : અબજોપતિ શુમાકર 5 વર્ષથી છે પથારીવશ, સપ્તાહનો ખર્ચ 4.50 લાખ

સમય’ એવી બાબત છે જે ક્યારે પલટાઇ જાય તે કળી શકાતું નથી. ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ના ફોર્મ્યુલા-વન રેસમાં વિક્રમી સાત વખત વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતનારા માઇકલ શુમાકરને આઇસ સ્કિઇંગ વખતે અકસ્માત થયો હતો અને ત્યારથી કોમામાં સરી પડયો હતો. આજથી થોડા દિવસમાં આ અકસ્માતને પાંચ વર્ષ પૂરા થશે પરંતુ શુમાકરની સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. શુમાકરનું નામ પડતાં જ મોટાભાગના રમતપ્રેમીઓને ટ્રોફી સાથેનો તેનો ચહેરો યાદ આવે. અલબત્ત, હાલ સ્થિતિ એવી છે કે આ ચેમ્પિયન રેસર પાંચ વર્ષે પણ પથારીવશ છે. શુમાકર કોમામાંથી બહાર આવ્યો છે પણ લોકોને ઓળખવામાં તેને પરેશાની નડી રહી છે.

પત્ની કોરિના પાંચ વર્ષથી ખડેપગે

માઇકલ શુમાકરની પત્ની કોરિના બેટ્સ્ચ છેલ્લા પાંચ વર્ષથી પોતાના ‘બેટરહાફ’ની સારવારમાં ખડેપગે છે. શુમાકર ૩ જાન્યુઆરીએ ૫૦મી વર્ષગાંઠ ઉજવશે અને હાલ તે બ્રેઇન સર્જરીમાંથી પસાર થઇ રહ્યો છે. ફ્રેન્ચ આલ્પ્સ ખાતે શુમાકરનો અકસ્માત થયો ત્યારે તેની સાથે મિક પણ હતો, જે હવે ૧૯ વર્ષનો થઇ ગયો છે. શુમાકરની પુત્રી જીના મેરી હવે ૨૧ વર્ષની છે.

 સ્વાસ્થ્યની વાત જાહેર કરશે તેની સાથે સંબંધ કાપી નાખીશ

હાલ શુમાકર સ્વિત્ઝર્લેન્ડના ગ્લેન્ડ ખાતેના વિશાળ મેન્સનમાં સારવાર હેઠળ છે જ્યાં તેના માટે મિની હોસ્પિટલ જ બનાવી દેવાઇ છે. તેની  સારવાર માટે પ્રત્યેક સપ્તાહે રૂપિયા ૪.૫૦ લાખનો ખર્ચ આવે છે.  શુમાકરના સ્વાસ્થ્ય કે આ સ્થિતિમાં તેના ફોટોગ્રાફ બહાર આવે નહીં માટે પત્ની કોરિના ખાસ તકેદારી રાખી રહી છે. કોરિનાએ તેના સ્વજનો-મિત્રોને એવી પણ તાકીદ કરી છે કે માઇકલ શુમાકરની હાલત અંગેની વાત લીક કરી તો એ તેમની સાથેના તમામ સંબંધ કાપી નાખશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter