ડોકલામ પર બોલતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ છે કે ચિંતા કરો નહીં પહેલા જ મામલો રિઝર્વ થઈ ચુક્યો છે. જમ્મુ-કાશ્મીર ખાતે શસ્ત્રવિરામ ભંગ મામલે પાકિસ્તાન દ્વારા વાયદાખિલાફી થઈ રહી હોવાનું જણાવીને રાજનાથસિંહે પાકિસ્તાનને ફરી એકવાર કડક ચેતવણી આપી છે. ભડકાઉ નિવેદન મામલે કાશ્મીરના ડેપ્યુટી મુફ્તિ આઝમ નસીર ઉલ ઈસ્લામની પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે આકરી ઝાટકણી કાઢી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાન દ્વારા થઈ રહેલા ગોળીબારનો સરહદે જડબાતોડ જવાબ અપાઈ રહ્યો હોવાનું જણાવીને પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગનું આશ્વાસન આપવા છતાં ફાયરિંગ કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું છે. ભારત તરફથી પાકિસ્તાન સાથે દોસ્તાના વ્યવહારની કોશિશોને નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું પણ રાજનાથસિંહે જણાવ્યું છે. ડોકલામ મામલે ચીનના દાવા સંદર્ભેના એક સવાલના જવાબમાં રાજનાથસિંહે કહ્યુ છે કે ચિંતા કરો નહીં. ડોકલામનો મુદ્દો પહેલા જ રિઝર્વ થઈ ચુક્યો છે.
ચંદીગઢ ખાતે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને સરહદે ફાયરિંગથી થયેલા જાનમાલના ભારે નુકસાન મામલે ફરીથી એક કડક ચેતવણી આપી છે. તેમણે ક્હ્યુ છે કે પાકિસ્તાન ભારતને નબળો દેશ સમજવાની ભૂલ કરે નહીં. ભારત હવે એક શક્તિશાળી દેશ બની ચુક્યો છે. પાકિસ્તાન ભારતની ધીરજની પરીક્ષા કરે નહીં તેવી ચેતવણી પણ રાજનાથસિંહે આપી છે.
કાશ્મીરના ડેપ્યુટી મુફ્તિ આઝમ નસીર ઉલ ઈસ્લામ દ્વારા મુસ્લિમોને લઈને એક ભડકાઉ નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદન મામલે રાજનાથસિંહે કહ્યુ છે કે લોકોએ જાત મજહબનું અંતર મિટાવીને માત્ર એ મહસૂસ થવું જોઈએ કે આપણે તમામ ભારતીય છીએ અને અહીં બધાં સુરક્ષિત છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને હાકલ કરી છે કે લોકોએ જાતિવાદી માનસિકતા અને મજહબી માનસિકતા, લઘુમતી અને બહુમતીની માનસિકતાથી બહાર નીકળીને વિચારવાની જરૂરત છે.
કાશ્મીરમાં તાજેતરમાં પથ્થરબાજીની ઘટના અને સેના પર નોંધવામાં આવેલી એફઆઈઆરના મામલાના સવાલ પર રાજનાથસિંહે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પહેલા કરતા વધારે સામાન્ય થઈ છે. ભારતીય સુરક્ષાદળો ઘણાં અસરકારક રીતે કામ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર ભારતનું છે અને ભારતનું રહેશે. જમ્મુ-કાશ્મીરના લોકો પણ ભારતીય છે.