સેન્ટ્રલ જીએસટીએ ગુટકા બનાવવાનું ગેરકાયદે કારખાનુ અને 110 કરોડની ટેક્સ ચોરી ઝડપી

હાલોલમાંથી ગુટકા બનાવવાનું ગેરકાયદે કારખાનુ વડોદરા સેન્ટ્રલ જીએસટીએ ઝડપી પાડ્યુ હતું. આ સ્થળે કામ કરતા મેનેજર અને કોન્ટ્રાકટરને એરેસ્ટ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંન્નેની જામીન અરજી નામંજુર થતા જેલમાં મોકલી અપાયા છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટે હાલોલ જીઆઇડીસીમાંથી ગુટકા બનાવવાનું ગેરકાયદે કારખાનુ ઝડપી પાડ્યુ હતું. પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા ૭૦ કરોડની જીએસટી સહિતના બીજા ટેક્સની ચોરી હોવાનું જણાયું હતું. આ કેસમાં સેન્ટ્રલ એકસાઇઝ એકટ અને સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બે આરોપીઓ (૧) મેનેજર કમ સુપરવાઇઝર મોહંમદરફીક યુસુફમહંમદ છીપા (રહે. ઉદેપુર, રાજસ્થાન) અને (૨) મેનેજર કમ લેબર કોન્ટ્રાકટર ધરમરામ બાબુલાલ બાવરિયા (રહે.જવાન ગામ, નાગોરી, રાજસ્થાન)ને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ બંન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા બંન્નેએ જામીન પર મુક્ત થવા વકીલ મારફતે અરજી કરીને જણાવ્યું હતું કે, અમે ત્રણ મહિનાથી નોકરી કરીએ છે. અમે આક્ષેપિત માલ વેચાણ કરીને નાણા મેળવ્યા નથી. સરકારને ટેક્સનું કોઇ નુકસાન કર્યુ નથી.

સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, ગુટકાનું ગેરકાયદે ઉત્પાદન કરતી ફેકટરી પકડાઇ છે. તમામ માલ એક્સાઇઝ ડયુટી તથા જીએસટીની ચોરી કરી બારોબાર વેચી દેવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં રૃપિયા ૧૧૦ કરોડની ટેક્સ ચોરી જણાઇ આવી છે. સરકાર દ્વારા જે એકત્રિત કરવામાં આવતા ટેક્સના રૃપિયાનો ઉપયોગ નાગરિકોના હિતમાં કરવામાં આવે છે. આટલી મોટી રકમની ચોરી કરીને સમાજ તથા દેશવિરોધી મોટો આર્થિક ગુનો આચરવામાં આવ્યો છે.

ઇન્ચાર્જ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ જી.જે. શાહે બંન્ને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યુ હતું કે, હજી મુખ્ય આરોપીઓની ધરપકડ બાકી છે. તપાસ હજી ચાલુ છે. ટેક્સચોરીનો આંકડો ૧૧૦ કરોડ રૃપિયાની વધે તેમ છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter