ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ રાવતે ચીન સરહદે તૈનાત સૈન્યની ત્રણેય પાંખને વધુ એલર્ટ રહેવા સૂચના આપી છે. લદ્દાખ સહિતની ચીન સરહદે સ્થિતિ પાંચેક મહિનાથી ગંભીર છે અને વધુને વધુ ગંભીર થતી જાય છે.

અત્યારે વાતાવરણ શાંત છે પણ એ શાંતિ યુદ્ધ પહેલાની હોય એવુ નિષ્ણાતો માને છે. માટે જનરલ રાવતે સૈન્યની ત્રણેય પાંખને તમામ પિસટાઈમ એક્ટિવિટિ (શાંતિ સમયની કાર્યવાહી) પડતી મુકી માત્ર ગમે તે સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે સંઘર્ષના વિવિધ કેન્દ્રો છે. તેમાં એક મોટું કેન્દ્ર પેંગોગ સરોવર છે.

પેંગોગના કાંઠે ભારતીય નૌકાદળના બાહોશ મરિન કમાન્ડો (માર્કોસ) તૈનાત કરવાની તૈયારી ચાલે છે. માર્કોસની ગણતરી જગતના સર્વોત્તમ કમાન્ડોમાં થાય છે. સ્પેશિયલ ફોર્સના કમાન્ડો તો પહેલેથી જ લદ્દાખ સરહદે તૈનાત છે જ. જે રીતે ચીને લાંબો સમય સૈનિકો ખડકી રાખવાની તૈયારી કરી છે, એવી તૈયારી ભારતે પણ કરી છે.

ભારતે 13થી 18 હજાર ફીટની ઊંચાઈ પર તૈનાત જવાનો માટે માઈનસ ડીગ્રીમાં ટકી શકે એવા પોશાક અને તંબુ સહિતની સામગ્રીની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. પરદેશથી પણ પોશાક-તંબુ મંગાવાઈ રહ્યા છે. તેનો કેટલોક જથ્થો આવી ગયો છે અને છેલ્લો સ્ટોક નવેમ્બરમાં આવશે.

ભારતે થોડા સમય પહેલા જ સૈન્યની ત્રણેય પાંખો વચ્ચે સંકલન સાધવા અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે કડી બનવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ ઉભી કરી હતી. જનરલ રાવત ભારતના પ્રથમ સીડીએસ છે. તેમની કામગીરી જ સૈન્યની ત્રણેય પાંખોને એક કરી કટોકટીના સંજોગમાં મજબૂત બનાવાનું છે. લદ્દાખથી અરૂઆચલ સરહદ ઉપરાંત આંદમાન સહિતના સમુદ્રી વિસ્તારોમાં પણ ભારતે સતર્કતા વધારી દીધી છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો