દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાના મકાન પર સીબીઆઇ પૂછપરછ કરવા પહોંચી છે. અહેવાલો છે કે સીબીઆઇ ટોક ટુ એકે મામલાને લઇને પૂછપરછ કરી રહી છે. સિસોદીયાના નિવાસસ્થાને સીબીઆઇની ટીમ પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીએ દરોડાની કાર્યવાહી કરાઇ હોવાનો આરોપ લગાવ્યો છે.
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના સલાહકાર અરુંદોય પ્રકાશે ટ્વિટ કરીને કહ્યું છે કે એક તરફ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હોસ્પિટલોની તપાસ કરી રહ્યા છે. બીજી તરફ સીબીઆઈ નાયબ મુખ્યપ્રધાનના મકાન પર દરોડો પાડયો છે. આ પહેલા પણ કેજરીવાલના મકાન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ જો કેન્દ્ર સરકારને લાગે છે કે આવું કરવાથી કેજરીવાલ ડરી જશે તો તે બિલકુલ ખોટું છે.
જો કે સીબીઆઈએ દરોડાની કાર્યવાહીનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ સિસોદીયાનું સ્પષ્ટીકરણ લેવા માટે ગયા છે. મહત્વપૂર્ણ છે કે ટોક ટુ એકે એક ઈવેન્ટ હતી. તેને દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવી હતી. આ ઈવેન્ટ દ્વારા કેજરીવાલ અને તેમની સરકારે તાજેતરમાં ચૂંટણી ધરાવતા રાજ્યોમાં પ્રચાર કર્યો હતો. આરોપ એ પણ હતો કે દિલ્હી સરકારે ટોક ટુ એકે ઈવેન્ટ દ્વારા ચૂંટણીવાળા રાજ્યોમાં પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ પુરી કરી હતી અને ચૂંટણી હિત સાધવા માટે દિલ્હીની જનતાના ટેક્સના નાણાં પોતાના પ્રચાર પર લૂંટાવવાની યોજના બનાવી હતી.
આમ આદમી પાર્ટી પહેલેથી જ સીબીઆઈના રડાર પર છે. આ પહેલા પણ ટોક ટુ એકે કેમ્પેનમાં નિયમોનું ઉલ્લંઘન અને અનિયમિતતાઓના આરોપમાં સીબીઆઈ સિસોદીયા વિરુદ્ધ તપાસ કરી ચુક્યા છે. આને લઈને પહેલા જ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકાર પર હુમલો કરી ચુક્યા છે. સીબીઆઈએ પહેલા પણ રાજેન્દ્ર કુમાર સહીત અન્ય 8 લોકો અને ઈન્ડિવર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કથિત ગુનાહીત ષડયંત્ર, છેતરપિંડીના મામલામાં આઈપીસીની કલમ તથા ભ્રષ્ટાચાર રોકથામ કાયદાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.