PNB સ્કેમ : CBIને મળી મોટી સફળતા, 8 અધિકારી સહિત 10ની ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના એક કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. હકીકતમાં, સીબીઆઈએ મુંબઈથી પીએનબીના 8 અધિકારીઓ સહિત 10 લોકોની ઘરપકડ કરી છે. આરોપીઓને 21 ડિસેમ્બર સુધી માટે પોલિસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જે આરોપીઓની ધરપકડ થઈ છે, તેમાં ડાયરેક્ટર ઈશ્વર દાસ અગ્રવાલ અને રસિ વાસિયાનો સમાવેશ થાય છે.

આ ગોટાળો પણ પીએનબીની એ જ શાખાનો જ્યાં નીરવ મોદીનો છે કેસ

આ કેસમાં શાખાના સિંગલ વિન્ડો સંચાલક મનોજ કરાત, શાખા પ્રબંધક સંજય કુમાર, અમર જાદવ, સાગર સાવંત, બેચુ તિવારી, યશવંત જોષી, પ્રફુલ્લ સાવંત, મોહિન્દર કુમાર શર્મા સામેલ છે. આ કેસ ચંદેરી પેપર એન્ડ અલાઈડ પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડનો છે. આ કંપનીએ 9.9 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે. આ કેસનો ખુલાસો માર્ચમાં થયો હતો. આ ગોટાળો પણ પીએનબીની એ જ શાખાનો છે, જ્યાંથી નીરવ મોદીનો કેસ બહાર આવ્યો છે.

13 હજાર કરોડ રૂપિયાની થઈ છે ઠગાઈ

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશમાં સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કમાં કૌભાંડ બહાર આવ્યું હતું. આ કેસમાં જેમ-જેમ વિગતો બહાર આવતી ગઈ, તેમ આ કૌભાંડનો આંકડો 13 હજાર કરોડ રૂપિયાની પાર ગયો હતો. આ કેસમાં સીબીઆઈ સહિત અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે. છેતરપીંડીના આ મામલાના કેન્દ્રમાં હીરાના કારોબારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી છે. હાલમાં જ કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter