કોબ્રા જગતના સૌથી વધારે ઝેરી સર્પોમાં સ્થાન ધરાવે છે. એ રીતે રસેલ વાઈપર પણ અત્યંત ઝેરી હોય છે. સામાન્ય રીતે આ બન્ને સાપ સામસામે આવતા નથી. વળી આવે તો પણ એ ઘટના જંગલમાં કે એકાંતમાં બનતી હોય છે. માટે સામસામે આવ્યા પછી શું થયું તેના સાક્ષી બની શકાતું નથી. પરંતુ વડોદરામાં એવી એક ઘટના બની હતી, જમાં કિંગ કોબ્રાએ રસેલ વાઈપરનો શિકાર કર્યો હતો. આ ઘટના વડોદરા પાસે આવેલા કલાલીના એક ફાર્મ હાઉસમાં બની હતી. આ ઘટનાની જાણકારી તુરંત વડોદરા વિસ્તારમાં કામ કરતી વન્યજીવ સંસ્થા વાઈલ્ડલાઈફ એસઓએસને અપાઈ હતી. વાઈલ્ડલાઈફ એસઓએસની ટીમ ત્યાં પહોંચી હતી અને તેણમે શિકાર-શિકારી વચ્ચેનું દ્વંદયુદ્ધ કેમેરામાં કેદ કર્યું હતું.

સામાન્ય રીતે ઘરમાં કે મનુષ્ય વિસ્તારમાં ઘૂસી ગયેલા સાપને સલામત રીતે ત્યાંથી બહાર કાઢીને જંગલમાં છોડી મુકવાનો હોય છે. પરંતુ આ કિસ્સામાં એવુ રેસ્ક્યુ ઓપરેશન કરવાનું ન હતું. કેમ કે બન્ને સર્પોની શિકાર પ્રવૃત્તિ કુદરતી જ હતી. માટે વાઈલ્ડલાઈફ નિષ્ણાતોએ છેવટ સુધી પરિણામની રાહ જોઈ હતી. 6 ફૂટના કોબ્રાએ 5 ફૂટના રસેલ્સ વાઈપરને ગળવાની પ્રક્રિયા ચાલુ રાખી હતી. બન્ને સાપ વચ્ચે એ પહેલા ખૂંખાર લડાઈ પણ થઈ હતી. જોકે કોબ્રાએ અંતે આખા રસેલ્સ વાઈપરને ગળીને પાછો કાઢી નાખવો પડ્યો હતો. આમ તો કોબ્રા પોતાના પેટમાં ઉંદર, બીજા સર્પ, નોળીયા વગેરેને સમાવી શકે છે. પરંતુ ઘણી વખત ક્ષમતા કરતાં મોટો શિકાર થઈ જાય તો બહાર કાઢી નાખવો પડતો હોય છે. આ કિસ્સામાં પણ કદાચ એવુ થયું હતું. છેવટે રસેલ્સ વાઈપરને કોબ્રાએ ઓકી કાઢ્યો હતો અને ત્યાં સુધીમાં વાઈપર મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બની એ રહેણાંક વિસ્તાર હતો. માટે વાઈલ્ડલાઈફ એસઓએસની ટીમે જીવંત રહેલા કોબ્રાને ત્યાંથી પકડી લઈને જંગલમાં છોડી દીધો હતો.

વન્યજીન સંરક્ષણ અને રેસ્ક્યુ કામગીરી કરતી સંસ્થા વાઈલ્ડ લાઈફ એસઓએસને આ અંગે માહિતી મળી હતી. વાઈલ્ડલાઈફ એસઓએસની ટીમ ત્યાં પહોંચી હતી અને દુર્લભ કહી શકાય એવી આ ક્ષણને કેમેરામાં કંડારી હતી. એક સાપ બીજા સાપનો શિકાર કરે એ ઘટનાની ખાસ નવાઈ નથી. જંગલમાં તો જીવન-મરણનો એવો ખેલ ચાલતો હોય છે. કોબ્રા તો વળી 6 ફૂટથી લઈને 12-15 ફૂટ સુધીની લંબાઈ ધરાવતો સાપ છે. માટે અનેક નાના-નાના સાપ આસાનીથી તેનો શિકાર બનતાં હોય છે. પરંતુ રસેલ્સ વાઈપર (ખડ ચિતળો) પણ ઝેરી સર્પ છે અને બન્ને ભાગ્યે જ સામસામે આવતા હોય છે.

આ અંગે વધુ માહિતી આપતા વાઈલ્ડલાઈફ એસઓએસના રાજ ભાવસારે જણાવ્યું હતું કે આ સ્થિતિ ઉલટી પણ થઈ શકી હોત, જેમાં ખડ ચિતળો કોબ્રાને ગળી જાય. સામાન્ય રીતે બે સાપ સામસામા બાથે વળે ત્યારે મોટો સર્પ વિજેતા થતો હોય છે. જંગલો કપાઈ રહ્યા છે. શહેરોની આસપાસનો જે લીલોતરી ધરાવતો વિસ્તાર છે એ પણ સતત બાંધકામો માટે ખાલી કરાવાઈ રહ્યો છે. એવા સંજોગોમાં આવા સજીવો માનવ વસાહત વચ્ચે જોવા મળે તેની ખાસ નવાઈ નથી. વાઈલ્ડલાઈફ એસઓએસ અને તેના જેવી બીજી ઘણી સંસ્થાઓ આવા પ્રાણીઓને જંગલમાં છોડવા માટે હેલ્પલાઈન ચલાવે છે. વાઈલ્ડલાઈફ એસઓએસ પોતે પણ 9825011117 નંબર પર સતત સક્રિય રહી સજીવો અને મનુષ્યોને દૂર રાખવા બનતાં પ્રયાસો કરે છે. વાઈલ્ડલાઈફ એસઓએસને વળી ગુજરાત સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલનો સહકાર પણ છે.

વાઈલ્ડલાઈફ એસઓએસના કાર્તિક સત્યનારાયણે કહ્યું હતું કે ભારતમાં ચાર મોટા સાપ બિગ ફોર તરીકે ઓળખાય છે. તેમાં આ બન્નેનો સમાવેશ થાય છે. તેનો એકાદ ડંખ પણ જીવલેણ સાબિત થાય છે. પરંતુ અમારી ટીમ આવા ઝેરી સર્પો સાથે કામ પાડવા માટે તાલીમ પામેલી છે. જેથી સર્પ કે અન્ય કોઈ સજીવને નુકસાન ન થાય અને મનુષ્યને હાની ન પહોંચે એ રીતે તેમને તેમના આવાસ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે.