ગીરના સિંહો આપણું ગૌરવ છે, એમ કચ્છમાં જોવા મળતા ઘોરાડ પક્ષીઓ પણ આપણું ગૌરવ છે. પરંતુ એ ગૌરવની દરકાર માટે સરકારે ખાસ ક્યારેય રસ લીધો નથી. માત્ર પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ બચાવવા પ્રયાસ કર્યો છે, પરંતુ સરકારી સહકાર વગર આ પક્ષીઓને બચાવવા શક્ય નથી. એટલે જ તો એક સમયે સંખ્યાબંધ ઘોરાડ હતા એ કચ્છમાં આજે માંડ ચાર-પાંચ પક્ષી જોવા મળે છે. એમાં પણ કોઈ નર નથી, માત્ર માદા છે. માટે પ્રજોત્પતિ દ્વારા તેમની વસતી વધે એવી શક્યતા નથી. આ પક્ષી માત્ર ફોટા કે વીડિયોમાં જ જોવા મળે એ દિવસો બહુ દૂર નથી. ઘોરાડ ઊડી શકતા સૌથી મોટા પક્ષીઓમાં સ્થાન પામે છે. તેનું વજન 15 કિલોગ્રામ જેટલું હોય છે. આ વજન ભલે ઓછું લાગે પણ ઉડનારા પક્ષી માટે એ બહુ મોટી વાત છે. કચ્છમાં નવી નવી ઊર્જા-વીજળી કંપનીઓ આવી રહી છે. તેની ટ્રાન્સમિશન લાઈનો ઘોરાડ અને અન્ય પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. કેમ કે ઊડતાં પક્ષીઓ હાઈ-વોલ્ટેજ ધરાવતી લાઈનો સાથે અથડાય છે. પક્ષીઓને ખબર નથી હોતી કે તેમના રસ્તામાં વીજળીની લાઈન છે. વળી ઘોરાડના કિસ્સામાં તો એવુ છે કે એમની દૃષ્ટિ મર્યાદા ટૂંકી હોય છે. આગળ આવતી વીજ લાઈન એમને દેખાતી નથી. પર્યાવરણ ક્ષેત્રે મોટુ નામ ધરાવતી સંસ્થા વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને કોરબેટ ફાઉન્ડેશને આ રીતે મૃત્યુ પામતા પક્ષીઓની ગણતરી કરી છે. એ મુજબ એકલા કચ્છના અબડાસા તાલુકામાં જ વર્ષે સરેરાશ 30 હજાર પક્ષીઓ વીજ ટ્રાન્સમિશન લાઈન સાથે અથડાઈને મૃત્યુ પામે છે. આ આંકડો ઘણો મોટો છે. તો વળી રાજસ્થાનમાં તો આ રીતે 1 લાખ પક્ષીઓના મૃત્યુ નોંધાઈ રહ્યા છે.

અબડાસા વિસ્તાર એકલા ઘોરાડ માટે મહત્વનો છે એવુ નથી. મેકિનનો ઘોરાડ, રાજ્ય પક્ષી લેસર ફ્લેમિંગો.. વગેરેનો આવાસ વિસ્તાર આ ઘાસિયા મેદાનો છે. કમનસિબે તેની જાળવણી માટે સરકારી ધોરણે કશું થતું નથી. ગીરમાં જો સિંહ-દીપડાનું ખેતરને કરેલી ઈલેક્ટ્રિક ફેન્સિંગ જાળીથી મોત થાય તો ખેડૂતને તેની સજા થાય છે. પરંતુ કચ્છમાં પક્ષીઓ એ જ રીતે મૃત્યુ પામે તો કોઈ કાર્યવાહી થતી નથી. કેમ કે મોટી મોટી કંપનીઓ ત્યાં પાવર લાઈન નાંખી રહી છે. સરકારે જ એ કંપનીઓને મંજૂરી આપી રાખી છે. ઘોરાડની થોડી વસતી મહારાષ્ટ્રમાં છે અને ત્યાં પણ આ રીતે પાવર લાઈન સાથે અથડામણથી મોત થઈ રહ્યા છે.
પાવર લાઈન બંધ ન થઈ શકે, પરંતુ આવા સ્થળોએ અન્ડરગ્રાઉન્ડ કરવાનો વિકલ્પ અપાયો છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ગુજરાતના જાણીતા પક્ષીવિદ નવિન બાપટે અન્ય પક્ષ પ્રેમીઓ સાથે મળીને આ અંગે પિટિશન કરી છે. પરંતુ ખાનગી કંપનીઓ માનવાના મૂડમાં નથી અને સરકાર મનવવાના મૂડમાં નથી. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે 1972માં વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ બનેલો છે. એ એક્ટમાં આવા સજીવોને સુરક્ષા આપવાની જોગવાઈ છે. પરંતુ કોર્પોરેટ ગૃહો સામે સરકાર આંખ આડા કાન કરતી જોવા મળે છે. 2013માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કચ્છના પ્રવાસે ગયા હતા ત્યારે ઘોરાડના કચ્છના ઘરેણા તરીકે વખાણ કર્યા હતા. બાપટનું કહેવું છે કે ગુજરાત સરકારે કોઈ સક્રિયતા ન દાખવી એટલે અમારે સુપ્રીમ સુધી લાંબા થવું પડ્યું છે.

પાવર લાઈન અન્ડરગ્રાઉન્ડ કરવી એ અશક્ય નથી. કેમ કે ખડીર વિસ્તાર જ્યાં ફ્લેમિંગોની મોટી વસાહત છે ત્યાં જેટકોએ 10 કિલોમીટરની વીજ લાઈન જમીનમાં દાટી દીધી છે. જેટકોએ આ ઉપરાંત અન્ય સ્થળે પણ પાવરલાઈન અન્ડરગ્રાઉન્ડ કરી નાખી છે. એટલે તેનો અર્થ એ કરી શકાય કે આ કામ ખાસ મુશ્કેલ કે અશક્ય નથી. 1972નો વાઈલ્ડ લાઈફ એક્ટ તૈયાર કરવામાં જેમનો નોંધપાત્ર ફાળો છે એ ડો.એમ.કે.રણજીતસિંહ પણ આ પિટિશનમાં અગ્રણી છે. ડો.રણજીતસિંહે કહ્યું હતું કે ‘આપણે કોઈ વિસ્તારને હેરિટેજ જાહેર કરીએ તો આસપાસમાં બાંધકામ પ્રવૃત્તિ અટકાવી દઈએ છીએ. એવી જ કામગીરી અહીં કરવાની જરૃર છે. કોરોના વખતે આપણે બધા ધરતીવાસીઓ માતા ધરતીને જ આધારીત રહ્યા હતા. માટે ધરતીનું જતન કરવું એ આપણી પહેલી ફરજ છે’.
એક સમયે ગીરમાં સિંહોની વસતી ઘટીને બે આંકડે પહોંચી હતી. એ વખતે જૂનાગઢ નવાબે શિકાર પર પ્રતિબંધ મુકી સિંહ સંરક્ષણનું ભગીરથ કામ કર્યું હતું. એવું જ કામ હવે ઘોરાડના કિસ્સામાં કરવાની જરૃર છે.