GSTV

આ વખતે ખેડૂતોને બજેટમાં શું મળ્યું ?

રાજ્યમાં હાલમાં જ બજેટ રજૂ થયું જેમાં વિવિધ ક્ષેત્રોની સાથે સાથે કૃષિ ક્ષેત્ર માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે જુદા જુદા કાર્યો હેઠળ બજેટની ફાળવણી થઈ છે. ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં ડબલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહેલી સરકારે બજેટની ફાળવણીમાં કૃષિ ક્ષેત્રને પણ આવરી લીધું છે.

ગુજરાત એ કૃષિ પ્રધાન રાજ્ય છે. ખેડૂતોની આવક ડબલ કરવા પહેલાં સરકાર ભલે વાહવાહી લૂંટી રહી હોય પણ સરકારની નીતિમાં કૃષિને ઓછું પ્રધાન્ય મળી રહ્યું છે. રૃપાણી સરકારે જાહેર કરેલા ૨.૦૪ લાખ કરોડના બજેટમાં ખેડૂતો માટે ૭,૧૧૧ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઈ છે. ખેતી સાથે ૫૫ લાખ ખેડૂતો સાથે ૩ કરોડ લોકોને ખેતી અને ખેતી સંલગ્ન વ્યવસાયો અસરકર્તા હોવા છતાં સરકારે બજેટમાં ઓછી જોગવાઈ કરી છે.

સરકાર ભલે બજેટમાં ફાળવણી વધારી હોવાનું જણાવતી પણ ખેડૂતો માટે આવક ડબલ કરવી હોય તો બજેટમાં પણ વધારો કરવો પડશે એ નક્કી છે. હવે સામાન્ય રીતે ખેડૂત જો માત્ર ખેતી પર જ પોતાનું ગુજરાન ચલાવવા માંગતા હોય તો ઓછામાં ઓછી ૧૦ વીઘા જમીન જોઈએ. ગુજરાતમાં ૧૦થી ૧૨ વીઘા જમીન ધરાવતાં હોય એટલે કે ૨ હેક્ટર સુધી જમીન હોય એવા ખેડૂતોની સંખ્યા ૪૦ લાખ છે. ગુજરાતમાં કુલ ખેડૂતો ૫૫ લાખ છે. જેનો સીધો મતલબ એ થયો કે ૩૦થી ૪૦ લાખ ખેડૂતો એવા છે કે જેમને પોતાનું ગુજરાન ચલાવવાના ફાંફા છે. ગુજરાતમાં ૨૦૦૧થી રાજસત્તા બદલાઈ ત્યારે ૨૫ લાખ આવા નાના ખેડૂતો હતા તે વધીને હવે ૪૦ લાખ થઈ ગયા છે.

રાજ્યમાં ખેડૂતો દર વર્ષે ૧૫ હજાર કરોડના ટૂંકી મુદતના પાક ધિરાણ લે છે જે ઝીરો ટકા વ્યાજે મળે તે માટે બજેટમાં ૯૫૨ કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ચાલુ વર્ષે ૧૮ લાખ ખેડૂતોને વીમાકવચ પૂરૃ પાડવા માટે બજેટમાં ૧૦૭૩ કરોડ રૃપિયાની સરકારે ફાળવણી કરી છે. ફાર્મ મિકેનાઇઝનેશન અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટરની અને ૩૨ હજાર ખેડૂતોને આધુનિક સાધનો અને ખેતઓજારોની ખરીદીમાં સહાય માટે ૨૩૫ કરોડની જોગવાઈ કરાઈ છે. તો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે રૃપિયા ૩૪ કરોડની ફાળવણી કરી છે.

સમગ્ર ડાંગ જિલ્લો, વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા તથા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાને ૧૦૦ ટકા સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવા માટે રૃપિયા ૧૫ કરોડની જોગવાઈ કરાઈ છે. જે ખેડૂતોએ ખેતીવાડી વીજજોડાણ માટે અરજી કરે છે તે તમામ ખેડૂતોને આગામી અષાઢી બિજ સુધીમાં વીજ કનેક્શન આપી દેવામાં આવશે, અત્યાર સુધીમાં ૧ લાખ ૨૫ હજાર અરજીઓ સરકાર પાસે આવેલી છે. પાકવાર અને તાલુકા જિલ્લાવાર વાવેતર વિસ્તારના અંદાજોના નિયમિત અને ચોક્કસ આંકડા મેળવવા માટે સેટેલાઈટ ઇમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સરવે માટે બજેટમાં ૨૫ કરોડની ફાળવણી થઈ છે.

કૃષિમાં સૌથી વધુ લાભ આ વર્ષે પશુ પાલકોને થયો છે. રાજ્યમાં પશુપાલનનો સતત વિકાસ થતો જાય છે. ગુજરાતમાં દૂધનું ઉત્પાદન દરરોજ ૩૫૦ લાખ લિટર થાય છે. રાજ્યમાં દૂધ સંઘોના ફેડરેશન જીસીએમએમએફનું ટર્નઓવર ૩૪ હજાર કરોડે પહોંચ્યું છે. વર્ષ ૨૦૨૧માં આ આંક ૫૦ હજાર કરોડે પહોંચાડવાની સંભાવના છે. ગુજરાતમાં સરકારે પશુપાલન વિભાગને મહત્વ આપ્યું છે. બજેટમાં દરેક જિલ્લામાં દૂધ સંધ અને દરેક ગામમાં દૂધ સહકારી મંડળી બનાવવાની સરકારે જાહેરાત કરી છે.

કામધેનુ યુનિવર્સિટી હેઠળ હિંમતનગર ખાતે નવી વેટરનરી કોલેજની સ્થાપના માટે પ્રથમ તબક્કામાં ૧ કરોડ રૃપિયાની જોગવાઈ કરી છે. આ સિવાય ૧૩૪ કરોડ રૃપિયા ૧૨ દૂધાળા પશુઓનું એક ફાર્મ એવા ૪,૦૦૦ તબેલા બનાવવા માટે ફાળવ્યા છે. પશુપાલન હવે કૃષિક્ષેત્રમાં સાઇડલાઈનને બદલે મેઇન ટ્રેક પર આવી રહ્યું છે. બજેટમાં ગૌરક્ષાના સંવર્ગ વિકાસ માટે પણ અલગથી ફાળવણી થઈ છે. પશુપાલનમાં નિભાવ ખર્ચ વધ્યો છે પણ દૂધના ભાવને પગલે ગુજરાતમાં પશુપાલનનો સર્વશ્રેષ્ઠ વિકાસ થયો છે.

storm damaged crops

દેશમાં પશુપાલનના વિકાસ માટે કેન્દ્ર સરકારે આ વર્ષે અલગથી મંત્રાલય બનાવ્યું છે. જેમાં કેબિનેટ કક્ષાનો દરજ્જો અપાયો છે. સરકારે પ્રથમ કેબિનેટ મીટિંગમાં જ પશુઓ રોગથી મોતને ન ભેટે માટે ૧૩ હજાર કરોડની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં દૂધ અને દૂધ સંલગ્ન વ્યવસાયનો સતત વ્યાપ વધતો જાય છે. દેશમાં હાલમાં ૩૦ કરોડ પશુઓની સંખ્યા છે. જે તમામ પશુઓને રસી આપવા માટે સરકાર મહાઅભિયાન ચલાવે તેવી સંભાવના છે. ગાય અને ભેંસોની સંખ્યા સતત દેશમાં વધતી જાય છે. સરકાર વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક ડબલ કરવા માગે છે. ખેતીમાં સતત વિકાસ કરવા કરતાં સરકારનો લક્ષ્યાંક કૃષિ સંલગ્ન વ્યવસાયોને આગળ ધપાવવાનો છે. એટલે જ મત્સ્ય, કૃષિ ઉત્પાદનની નિકાસ અને બાગયાતી પાકોના ઉત્પાદન વધારવા પર સરકારે ખાસ ભાર મૂક્યો છે.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!