બોટાદના ફાયર ઓફિસરની જામફળની દમદાર ખેતી, કમાય છે વર્ષે લાખો રૂપિયા

શિયાળાની ઋતુ જામતાં બજારમાં જામફળની માગ વિશેષ જોવા મળે છે. ખેડૂતો રોજિંદી ખેતી વચ્ચે હવે લાંબા ગાળાની બાગાયતી ખેતી તરફ વળ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી રાજ્યમાં બાગાયતી ખેતીનો વ્યાપ વધ્યો છે. બાગાયતી ખેતીમાં પણ નવા સંશોધનોને પરિણામે ખેતી તરફનો ઝુકાવ વધે એ સ્વાભાવિક છે. આજે અહીં ફાયર સ્ટેશનમાં નોકરી સાથે છેલ્લા પાંચ વર્ષથી ખેતીમાં સક્રિય ભાગ ભજવીને ઘરની જમીનને ડેવલપ કરવામાં ખૂબ જ સફળતા મેળવનાર ખેડૂતપુત્રની વાત કરવાની છે.

ખેડૂતના દીકરાને ઘરની જમીન હોય એટલે કંઈક નવું કરવા વિચારતા હોય છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી-કાઠી ગામના રાજેશભાઈ ઓધભાઈ ધાંધલે સજીવ પદ્ધતિથી જામફળની ખેતીમાં જમાવટ કરી છે. ૧૫ વીઘા જમીન ધરાવતા ખેડૂતે વર્ષ ૨૦૧૩થી સક્રિય મેનેજમેન્ટથી ઓર્ગેનિક ખેતી કરાવીને આજે જામફળની ખેતીમાં ઉત્તમ આવક લેતા થયા છે. સજીવ ખેતી બાબતેની ખેડૂત જાગરૃકતા શિબિરો બોટાદમાં ભરાતી હતી. ત્યાં ગયા પછી અન્ય સક્રિય ખેડૂતોની સાથે વાર્તાલાપ અને જ્ઞાનના આદાનપ્રદાન બાદ તેઓએ આ ખેતીનો અખતરો કર્યો છે. ગાય આધારિત ખેતી કરવાનું મન બનાવ્યા પછી તેઓએ તેમના મિત્રના માર્ગદર્શન મુજબ સજીવ ખેતીમાં માવજત ચાલુ કરી. આજે ૧૫ વીઘામાં જામફળનો બગીચો બનાવી સારામાં સારું ઉત્પાદન લેવા લાગ્યા છે.

કેવી રીતે કર્યું છે જામફળનું વાવેતર

જામફળનું વાવેતર ૨૦ ફૂટ બાય ૨૦ ફૂટના અંતરે વાવેતર કર્યું. તેમાં વચ્ચેના ભાગમાં આંતરપાક તરીકે હળદર, તલ, મગફળી, તુવેર, એરંડા અને શાકભાજીનું વાવેતર કરે છે. જામફળના કુલ ૫૦૦ રોપા પરથી હાલમાં ઉત્પાદન ચાલુ થયું છે. જામફળની સફળ ખેતી થયા બાદ આજે વચ્ચેના ભાગમાં બીજા નવા ૬૦૦ રોપા લગાવ્યા છે. તમામ વાડીમાં ડ્રિપ ઈરિગેશનથી જ ખેતી થતી હોય પિયત માટેનું મેનેજમેન્ટ પણ એક જ જગ્યાએથી થઈ શકે છે. તેઓ જીવામૃત બનાવીને પણ આપે છે. જામફળની વાડીમાં વચ્ચે આંતરપાક તરીકે મગફળીનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન લીધા બાદ હળદરનો પાક પણ તંદુરસ્ત ઊભો છે. જામફળની સાથે વચ્ચેના ભાગમાં હળદરના આંતરપાકથી પણ ઉત્તમ આવક થશે.

કેવી રીતે કરવી પડે છે જામફળની માવજત

જામફળની ખેતીમાં પાયાના ખાતર તરીકે ચોમાસાની શરૃઆત પહેલા ગોડ કરીને દિવેલી ખોળ, લીંબોળી ખોળ અને ફાડેલો ચૂનો મિશ્ર કરીને આપે છે. આ સિવાય અળસિયાંના બેડમાં તૈયાર કરેલું વર્મિ કમ્પોસ્ટ ખાતર પણ પાયામાં આપે છે. ફળઝાડના પાન અને નાના ફળ, શાકભાજી વેસ્ટ વગેરેનું ડિકમ્પોસ્ટીંગથી તૈયાર કરેલું ખાતર પણ વાપરે છે. ગાય આધારિત ખેતી માટે બે ગાય રાખી છે. જીવામૃત તેમજ વર્મિ વોશ પિયતમાં અને છંટકાવ એમ બંને રીતે ઉપયોગ કરે છે… ગાયના દૂધની છાસ અને ગૌમૂત્ર પણ પિયત તેમજ છંટકાવથી આપવાથી ફળની ક્વોલિટી સારી બને છે.

જામફળની ખેતીમાં આવક જાવકનું સરવૈયું

તેમના વિસ્તારમાં પાણી ઓછા હોય તેઓએ ઓછા પાણીએ થઈ શકે તેવા પાક જામફળના વાવેતરમાં પણ સજીવ ખેતીથી સફળ થયા છે. સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી તેઓ  વાડીએ હોય અને સાંજે પણ વાડીએ અચૂક ચક્કર લગાવે છે. રજાના દિવસોએ પણ તેઓ વાડીએ જ મળે. જામફળમાં બીજા વર્ષે ઉત્પાદન ચાલુ થયું  તેમાં 3૦૦ મણનું ઉત્પાદન લીધું હતું. ચાલુ વર્ષે તેમને ૫૦૦ મણથી વધુનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ વર્ષે ઓછો વરસાદ હતો એટલે થોડી ઉત્પાદનને અસર થઈ શકે છે. હાલમાં જામફળ એક મણના ૧,૨૦૦ રૃપિયા આસપાસ ભાવ મળે છે. જામફળનું સુરત, ભરૃચ, આણંદ, અમદાવાદ અને ગાંધીનગર સીધી વેપારીઓને વેચાણ કરવાથી સારા ભાવ મળે છે. ઓર્ગેનિક જામફળની ખેતીમાં તેઓને દવા, ખાતર, માવજત પાછળ ફક્ત વીઘે ૨,૦૦૦ રૃપિયા જેટલો ખર્ચ આવતો હશે. જેમાં મજૂરી પણ આવી જાય…૫૦ ટકા ભાગીદારીમાં ખેતી કરાવે છે. આ વર્ષે ૫ લાખ રૃપિયાના જામફળનું વેચાણ થવાનો અંદાજ છે.

જામફળની ખાલી જગ્યામાં હળદરનો આંતરપાક

જામફળ સાથે આંતરપાક તરીકે 4 વીઘામાં 16 મણ બિયારણનો ઉપયોગ કરીને હળદરનું વાવેતર કર્યું છે. હળદરનું ૮૦૦ રૃપિયે મણના ભાવે બિયારણ ખરીદ્યું છે. હળદરની સૂકવણી કરીને તેનો પાઉડરનું વેચાણ કરવાનું પ્લાનિંગ છે. તો અન્ય જમીનમાં  ઝીંઝવો ઘાસ, રીંગણ, ટામેટાં, મરચાં અને ધાણાનું પણ આંતરપાકમાં વાવેતરકર્યું છે. આ તમામ વસ્તુનું લોકલ માર્કેટમાં વેચાણ થતાં સરેરાશ ૩૫થી ૪૦ રૃપિયા કિલોનો ભાવ મળતાં સારામાં સારી આવક છે. તેઓ વર્ષ દરમિયાન ૧૫ વીઘા જમીનમાં ડ્રિપ ઈરિગેશન અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતાં ૮થી ૧૦ લાખ રૃપિયાનું વેચાણ મેળવી આગવી ઓળખ બનાવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter