ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અમદાવાદના અંધ કન્યા પ્રકાશ ગૃહની બહેનો ચિક્કી અને તલપાપડી બનાવવામાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે અંધ પ્રકાશ ગૃહની ચિક્કી અમદાવાદ ઉપરાંત દેશભરમાં વખણાય છે.
ચિક્કી અને તલપાપડી વગર ઉત્તરાયણનો તહેવાર જાણે કે અધૂરો ગણાય છે. ત્યારે અમદાવાદના મેમનગરમાં આવેલી અંધ કન્યા પ્રકાશ ગૃહની યુવતીઓ સ્વાદિષ્ટ ચિક્કી અને તલપાપડી બનાવી રહી છે. અહીં 20થી વધુ બહેનોને ચિક્કી બનાવવાની તાલીમ આપવામાં આવી છે. જેઓ દરરોજ 30 કિલોથી વધુ ચિક્કી બનાવીને તેનું વેચાણ કરે છે. આ બહેનોને કુશળતાપૂર્વક ચિક્કી બનાવતા જોઇ કોઇને ખ્યાલ પણ ન આવે કે આ યુવતીઓ જોઇ શકતી નથી.
અંધ બહેનો દ્વારા બનાવાયેલી ચિક્કી અને તલપાપડીના ઓર્ડર લંડન અને અમેરિકાથી પણ આવતા હોય છે… સિંગની ચિક્કી કિલો દીઠ 280 રૂપિયા. તલની 300 રૂપિયા અને ડ્રાયફ્રૂટ ચિક્કી 1000 રૂપિયા લેખે વેચાય છે.
સંસ્થા દ્વારા ચિક્કી બનાવતી બહેનોને દર મહિને 600 રૂપિયા સ્ટાયપન્ડ પણ અપાય છે તો ચિક્કી અને તલપાપડીના વેચાણમાં મળતો નફો સંસ્થા દ્વારા અંધ યુવતીઓને આપવામાં આવે છે… અત્યાર સુધીમાં અંધ કન્યાઓ દ્વારા 3 હજાર કિલોની ચીકકી બનાવીને વેચવામાં આવી છે.