કાળીયાર શિકાર કેસમાં સલમાન ખાન, સૈફઅલીખાન, તબ્બૂ, નીલમ અને સોનાલી બેન્દ્રે તેમજ જોધપુરનો નિવાસી દુષ્યંત સિંહ આરોપી છે. પહેલી અને બીજી ઓક્ટોબર 1998ની રાતે લૂણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કાળીયારનો શિકાર કરાયો હતો. કાંકાણી ગામ નજીક આ શિકાર કરાયો હતો.
કોર્ટમાં સાક્ષીઓએ નિવેદન આપ્યુ હતુ કે સલમાન ખાને આ કાળીયાર હરણનો શિકાર કર્યો હતો. તે સમયે આ તમામ આરોપીઓ જીપ્સીમાં સવાર હતા. જીપ્સીમાં સવાર તમામ આરોપીઓએ સલમાનને શિકાર માટે ઉશ્કેર્યો હતો. શિકાર માટે ગોળીબાર કરતા તેના અવાજથી ગામલોકો એકઠા થઇ ગયા હતા. ગામલોકો આવતા સલમાન ખાન જીપ્સીમાં ત્યાંથી ભાગી ગયો હતો.
શું છે મામલો ?
સલમાન ખાન પર વાઇલ્ડ લાઇફ એક્ટની કલમ 9-51ના આરોપ મૂકાયા છે. જ્યારે કે સૈફઅલીખાન, નીલમ, તબ્બૂ, સોનાલ બેન્દ્રે અને દુષ્યંતસિંહ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 9-52 અને આઇપીસીની કલમ 149 લગાડવામાં આવી છે. જો આ કેસમાં સલમાન અને અન્ય આરોપીઓ દોષિ ઠરે તો તેમને ઓછામાં ઓછી એક વરસથી લઇ મહત્તમ છ વરસની જેલ થઇ શકે છે.
ચાર કેસમાં ફસાયેલો છે સલમાન
જોધપુરમાં સલમાન ચાર કેસમાં ફસાયેલો છે. જેમાંથી ત્રણ કેસ કાળીયાર શિકારના અને એક ગેરકાયદેસર હથિયારનો છે. આમાંથી બે કેસમાં સલમાનને કોર્ટે સજા સંભળાવી હતી અને જેલ જવું પડ્યું હતું. જ્યારે કે ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે સલમાનને છોડી મૂક્યો હતો.