GSTV
Baroda Uncategorized ગુજરાત ટોપ સ્ટોરી

રૂપાણી સરકારથી નારાજ ભાજપના સાવલીના ધારાસભ્યનું રાજીનામુ, ભાજપમાં સખળ-ડખળ

ગુજરાત ભાજપમાં ફરી ભડકો થયો છે. નેતાઓ અને મંત્રીઓના કામો સરકારમાં થતા ન હોવાનો અનેકવાર સીએમ રૂપાણી સામે બળાપો ઠાલવાયો છે. મંત્રીઓ જ સાથી મંત્રીઓ કામ ન કરતા હોવાની બુમરાણ કેબીનેટ બેઠકમાં પણ ઉઠી છે. સરકારમાં કામ થતું ન હોવાનું ઘણીવાર છાનેછપને ધારાસભ્યો નારાજગી દેખાડતા હોય છે. ભાજપ એ શિસ્ત બદ્ધ પાર્ટી હોવા છતાં એલઆરડીમાં અનામત મામલે સાંસદો અને ધારાસભ્યોએ રૂપાણીને પત્રો લખ્યા છે. આ સમયે જ વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. સરકાર સામે ગંભીર આક્ષેપો કરી આપેલા રાજીનામાના પત્રને પગલે ભાજપમાં પણ ભૂકંપ સર્જાયો છે. હાલમાં સંગઠન સહ રચનાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે આ સમયે ઈમાનદારે રાજીનામુ આપતા સંગઠન અને સરકાર પણ ચોંકી ઉઠી છે. કેતન ઈનામદારના રાજીનામાની વાતો સોશિયલ મીડિયામાં વહેતી થતાં સાવલી તેમના નિવાસસ્થાને સમર્થકોના ટોળેને ટોળા ઉમટી પડ્યા હતા.

સુરતમાં હદ વિસ્તરણના વિવાદમાં અત્યારે દક્ષિણ ગુજરાત ભાજપમાં ડખા ચાલી રહ્યાં છે. દરેક નેતાઓના સુરતની આસપાસ કરોડોના રોકાણો હોવાથી કેટલાક હદ વિસ્તરણનો વિરોધ તો કેટલાક સમાવેશ માટે બુમરાણ પાડી રહ્યાં છે. સુરતથી ગાંધીનગર સુધી આ મામલાની ગૂંજ પહોંચી છે. સરકાર આ મામલાઓમાં હાલમાં અટવાયેલી છે ત્યાં ભાજપમાં સખળ ડખળ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી તમામને ચોંકાવી દીધા છે.

મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી

માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર, સુજ્ઞ મહાયશય શ્રી, વંદેમાતરમ સહ જણાવુ છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર 135, સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂ છું. મારા મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ/રજૂઆતો સંદર્ભે સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું.

Image may contain: 7 people, people smiling, crowd and outdoor

પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને રજુઆતો કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓને બહાર લાવવા તથા મારી અવગણના એ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા પ્રજાજનોના હિતો માટે અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. મારા ભારે હ્રદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજ દિન સુધી નિભાવેલ છે અને નાછુટકે હું કેતનકુમાર ઇનામદાર 135-સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામુ આપું છું.
કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર, ધારાસભ્ય, 135-સાવલી વિધાનસભા

ભાજપ મનાવી લે તેવી સંભાવના વધુ

પોતાની અવગણના અને મતવિસ્તારમાં વિકાસના કામો માટે અવગણનું કારણ આગળ ધરી રાજીનામુ આપતો પત્ર પાઠવ્યો છે. જોકે, ભાજપના નેતાઓ તેમને મનાવી લે તેવી પણ સંભાવના છે. વિધાનસભાના અધ્યક્ષની મંજૂરીની મ્હોર બાદ જ રાજીનામું મંજૂર થતું હોવા છતાં હાલમાં આ નારાજગીએ હાઈકમાન્ડને પણ ચોંકાવ્યું છે.

અગાઉ પણ સરકાર સામે દાખવ્યો હતો રોષ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ પણ સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. એ સમયે યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ સાથે તેમને મીટિંગ યોજી સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની છેક સરકાર સુધી રજૂઆતો કરી હતી. પ્રજાના વિકાસ કામો માટે ધક્કા ખાવા પડતા હોવાનું જણાવી ભાજપના ધારાસભ્યે નારજગી દેખાડતાં હવે કોંગ્રેસના ધારાસભ્યોનું આ સ્થિતિમાં કઈ રીતે કામ થાય એ ચર્ચા થવા લાગી છે.

Related posts

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda
GSTV