મતદાનમાં ઘટાડો થયો હોવા છતાં રાજ્યની છ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા જળવાઈ રહેશે. રવિવારે મતદાન અને મંગળવારે મતગણતરી વચ્ચેના સમયગાળામાં આઈ.બી. અને બુકી બજારના અભ્યાસ પછી આ પ્રાથમિક તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આપ અને ઓવેસીનો પક્ષ ખાતું ખોલાવી શકે છે તેવી ધારણા આઈ.બી.એ વ્યક્ત કરી છે. આઈ.બી.ના મતે પાંચથી દસ બેઠકો ઘટી શકે છે. જ્યારે, બુકી બજારે મતદાન પછી અમદાવાદમાં ભાજપની બે-ચાર બેઠક ઘટવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. એ જ રીતે વડોદરામાં બેઠક ઘટવાનું અનુમાન કરતાં બૂકી બજારે સુરતમાં ભાજપની બેઠકો વધશે તેવું આંચકારૂપ અનુમાન આપ્યું છે. એ જ રીતે આ ચૂંટણીમાં જ્ઞાાતિ આધારિત મતદાન વધ્યું હોવાથી અમુક પેનલો તૂટવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ છે.

6 મહાનગરપાલિકામાં ફરી ભાજપની સત્તા આવે તેવું તારણ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકામાં ફરી વખત ભાજપની સત્તા આવશે. આવું એકસરખું તારણ રવિવારે મતદાનમાં ઘટાડો નોંધાયા પછી પણ આઈ.બી. અને બુકીબજાર વ્યક્ત કરે છે. કોરોના સહિતના અનેક કારણે મતદાનની ટકાવારીમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં અમદાવાદ શહેરમાં બહુ મોટું નુકસાન ન થતાં પાંચથી દસ સીટનું નુકસાન ભોગવવું પડશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સુત્રો કહે છે કે, રવિવારે સવાર અને સાંજના સમયે નોંધપાત્ર મતદાન થયું તે ભાજપના કમિટેડ વોટર હોવાનું તારણ છે. કમિટેડ વોટિંગથી ભાજપની સત્તા જળવાશે.
રવિવાર હોવાથી બપોરે મતદાન થશે તેવી ધારણા ફળીભૂત ન થતાં સાંજના દોઢ કલાકમાં ભાજપના કાર્યકરોએ કમિટેડ વોટર્સને બહાર કાઢ્યા તેનો ફાયદો ભાજપને થશે તેવી ધારણા આઈ.બી.ના સૂત્રોએ વ્યક્ત કરી છે. ઉજળિયાત વર્ગ નારાજ હતો પણ આ વર્ગે મતદાન કર્યું નથી તેની રાહત છે. આ વર્ગે ભાજપની વિરૂદ્ધમાં મતદાન કર્યું હોત તો ચિંતાની સિૃથતિ સર્જાત તેવું સર્વેક્ષણ પણ ગાંધીનગર ખાતે આઈ.બી.એ આપ્યું છે.

આ વખતે જ્ઞાાતિ આધારિત મતદાન વધ્યું હોવાની સંભાવના
આઈ.બી.ના અહેવાલમાં બે આંચકારૂપ બાબતો રજૂ કરવામાં આવી છે. આ વખતે દરેક પક્ષે ક્રોસ વોટિંગનો સામનો કરવો પડે તેવી મતદારોની મન:સ્થિતિ રહી છે. પક્ષના નામે મતદાનના ટ્રેન્ડ વચ્ચે આ વખતે જ્ઞાાતિ આધારિત મતદાન વધ્યું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સંજોગોમાં સરખેજ અને ચાંદખેડા વોર્ડમાં પેનલ તૂટશે તેવી ભીતિ એક રિપોર્ટમાં દર્શાવાઈ છે.
આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ પેનલો તૂટે તેવી સંભાવના દર્શાવાઈ છે. આ વખતે કયા પક્ષના ઉમેદવાર છે તેના બદલે પોતાની જ્ઞાાતિના ઉમેદવારને મત આપવાનો ટ્રેન્ડ અમુક જ્ઞાાતિમાં વિશેષ જોવા મળ્યો છે.
બૂકીઓએ મતદાન પહેલાં જ રાજ્યની તમામ છ મહાનગરપાલિકામાં પુન: ભાજપનું શાસન આવશે તેવા ભાવ જાહેર કર્યા હતા. મતદાન પછી અમદાવાદમાં ભાજપની બેથી પાંચ બેઠકો ઘટી શકે છે તેવા અંદાજ સાથે બૂકીઓએ નવા ભાવ કાઢ્યા છે.

મતદાનમાં નિરસતા, બુકીબજારમાં પણ ચૂંટણી સટ્ટો નિરસ
વડોદરા અને સુરતમાં બેઠકો જળવાઈ રહે અથવા ભાજપની એક-બે બેઠક વધે તેવી સંભાવના બુકીબજાર જૂએ છે. જામનગર, ભાવનગર અને રાજકોટમાં ભાજપ લગભગ યથાવત સ્થિતિ જાળવી રાખી શકે છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે મતદાનમાં નિરસતા જોવા મળી તેમ બુકીબજારમાં પણ ચૂંટણી સટ્ટો નિરસ રહ્યો છે.
રાજ્યમાં આ વર્ષે માંડ 70-80 કરોડના બુકીંગ આવ્યાનું સટ્ટાબજારના સૂત્રો કહે છે. એકંદર, આઈ.બી. અને બુકી બજાર બન્નેના તારણ એવા છે કે ભાજપની સત્તા જળવાઈ રહેશે. જો કે, મતદારના મન પૂર્ણરૂપે કળી શકાતાં ન હોવાથી મંગળવારે મતપેટીઓ ખૂલે તે પછી સાંજ સુધીમાં વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મતગણતરી પહેલાં તો દરેક વ્યક્તિના મોઢે ચૂંટણીની ગણતરીના ગણિત ચાલી રહ્યાં છે.
Read Also
- સરકારી ભરતીના દાવા પોકળ: સરકારી આંકડાઓને લઈને યુવાનોએ ઠાલવ્યો રોષ
- યુનિવર્સીટીઓને જમીન ફાળવવામાં ‘સરકારી ચેડાં’ થયાના આક્ષેપ, ધારાસભ્ય પૂંજાવંશના આરોપો
- ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાની તબિયત ખરાબ થઈ, શ્વાસ લેવામાં તકલીફ થતાં એરલિફ્ટ કરી મુંબઈ લવાયા
- કોરોનાનો ફફડાટ: દેશમાં અહીં લાગૂ કરાયું ફરી એક વાર નાઈટ કર્ફ્યૂ, આજ રાતથી જ લાગૂ થશે આ નિયમો, ચેતી જજો
- Ayesha Case : ‘મેં જીતે જી તો તલાક નહીં દુંગી સો સોચા મર હીં જાતે હેં લેકીન યે સચ હે કે મેને કભી ધોખા નહીં દિયા તુમ્હે