GSTV
Gandhinagar Gujarat Politics ગુજરાત ટોપ સ્ટોરી

આજે ભાજપનો 42મો સ્થાપના દિવસ : જાણો ગુજરાતમાં BJPના ૨૭ વર્ષના શાસનથી લઇને મોદીના ૧૪ વર્ષ સુધી સત્તારૂઢ થવાની સફર

ભાજપ

આજે, બુધવારે ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ છે. ૧૯૭૭માં જનતાપક્ષમાં જનસંઘનું વિસર્જન કરાયું હતું પણ જનતા સરકાર બહુ લાંબુ ન ચાલી. રાજકીય મતભેદ-મનભેદ પછી એમાંથી છૂટા પડીને ભારતીય જનતા પક્ષ ભાજપની રચના થઇ હતી. એ દિવસ હતો ૬ એપ્રિલ ૧૯૮૦. તે પછી ક્રમશઃ વિકસતા ગયેલા આ પક્ષે અત્યારે તો દુનિયાના સૌથી મોટા (સભ્ય સંખ્યાની રીતે) રાજકીય પક્ષ તરીકેની ખ્યાતિ મેળવી છે. આજે તો કેન્દ્ર અને અનેક રાજ્યોમાં સુવાંગ કે પછી અન્ય પક્ષો સાથે જોડાણ કરીને સરકારો ચલાવી રહી છે. આવાં રાજ્યો પૈકી એક મહત્ત્વનું રાજ્ય ગુજરાત છે અને અહીં છેક ૧૯૯૫થી (એક અપવાદ સિવાય) ભાજપ શાસકપક્ષ બની રહ્યો છે, અને સત્તા સાથે ૨૭ વર્ષની મજલ કાપી ચૂક્યો છે.

ભાજપ

આ અઢી દાયકાની સત્તા સફર દરમિયાન કેટલીક નોંધપાત્ર બાબતો બની છે તેમાં સૌથી અગત્યનું નરેન્દ્ર મોદીએ અડધો અડધ સમયગાળો સાતત્યપૂર્ણ એકચક્રી શાસન ચલાવ્યું છે. તેઓ ઓક્ટોબર ૨૦૦૧થી મે-૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા. વિગતે વાત કરીએ તો તેઓ ચાર વખત મુખ્યપ્રધાન પદના શપથ લેનારા ભાજપના એક માત્ર રાજનેતા બની રહ્યા છે. એ આવ્યા હતા ત્યારે પહેલીવાર ચૂંટણી લડયા હતા અને આજે ભાજપનો એક માત્ર ચહેરો છે જે ભાજપના લોકસભાના હોય કે વિધાનસભાના ઉમેદવાર હોય – બધાંને જીતાડવા માટે કામે લાગતો હોય છે.

એક તરફ લાંબુ, સુદ્રઢ શાસન ચલાવવાનો વિક્રમ ગુજરાત ભાજપ પાસે છે પણ એ વાત પણ એટલી જ સાચી છે કે ૧૯૯૫માં એકલે હાથે વિજય સત્તા મેળવ્યા પછીય માત્ર દોઢ વર્ષ જ એના હાથમાં શાસન રહ્યું હતું ! ભાજપના જ શંકરસિંહ વાઘેલાએ બળવો કરતાં પહેલાં કેશુભાઈ પટેલ અને પછી સુરેશ મહેતાને સત્તા ગુમાવવી પડી હતી.

કેશુબાપા

કેશુભાઈનું રાજકીય નસીબ પણ નોંધપાત્ર છે. પહેલીવાર, ૧૯૯૫માં મુખ્ય પ્રધાન બન્યાના છ મહિનામાં જ ખજૂરાહો પ્રકરણ પછી સત્તા છોડવી પડી હતી. ૧૯૯૮માં ફરીથી મુખ્યપ્રધાન બન્યા પણ પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નહીં. ૨૦૦૧માં, નબળી કામગીરીના નામે એમને હટાવાયા અને નરેન્દ્ર મોદી એમના અનુગામી બન્યા હતા.

૨૦૧૪માં મોદી ગુજરાત છોડી દિલ્હી ગયા. રાજ્યના મુખ્યપ્રધાનપદેથી ઊંચકાઈને દેશના વડાપ્રધાનપદે પહોંચ્યા ાહતા. તેમના અનુગામી તરીકે પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ આવ્યાં હતાં. જો કે એમને પણ અધવચ્ચે જ સત્તા છોડવાનો વારો આવ્યો હતો. ૨૦૧૬માં એમણે ફેસબુકના માધ્યમથી હોદ્દાનું રાજીનામું આપી દઈને ખાસ્સી ચકચાર ફેલાવી હતી.

ભાજપ

આનંદીબહેન ગયાં, વિજય રૃપાણી મુખ્યપ્રધાન બન્યા. ૨૦૧૭ની ચૂંટણી એમના નેતૃત્વમાં લડાઈ પણ ભાજપે માત્ર ૯૯ બેઠકો જ મેળવી હતી. ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ પછી આવું પહેલીવાર બન્યું હતું કે પક્ષ ૧૦૦ બેઠકોનો આંક પાર પાડી શક્યો નહીં. જો કે વિજય રૃપાણીને મુખ્યપ્રધાન તરીકેના પાંચ વર્ષ (બન્ને ટર્મ થઇને) પૂરાં કર્યાની ઉજવણીના ગણતરીના દિવસોમાં જ સત્તા છોડવી પડી હતી. આ કિસ્સામાં નોંધપાત્ર બાબત એ છે કે પછીના દિવસોમાં મુખ્યમંત્રી જ નહીં આખા મંત્રી મંડળમાંથી એકને પણ રિપીટ કરાયા નહીં. મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ જેવો સાવ નવો ચહેરો આવ્યો અને તમામ મંત્રીઓ પણ પહેલી જ વાર આવા હોદ્દે પહોંચ્યા હતા.
૧૯૮૦, ૧૯૮૫માં ગુજરાતમાં ભાજપને કોઈ ખાસ સફળતા મળી નહોતી. પણ ૧૯૯૦માં ૬૭ બેઠકો સાથે ઊંચો કૂદકો માર્યો હતો. ત્યારે સ્વ. ચીમનભાઈ પટેલ જનતાદળ સાથે ચૂંટણી જોડાણ કરેલું અને જોડાણે બહુમતી હાંસલ કરેલી. અને ભાજપ નાનાભાઈ તરીકે સરકારમાં સ્થાન પામેલો. કેશુભાઈ પટેલ ત્યારે પ્રધાનમંડળમાં નંબર-ટુ હતા. જો કે અડવાણીની યાત્રા અને પછી ધરપકડના પગલે કેન્દ્રમાં વી.પી.સિંહ સરકારને ટેકો પાછો ખેંચાયો તેની અસર ગુજરાતમાં પડી હતી. અહીં પણ ભાજપે જનતાદળ સાથે જોડાણ-ટેકો તોડી નાખ્યો હતો અને વિપક્ષમાં બેસવાનું નક્કી કર્યું હતું.

નિર્ધારિત સમય મુજબ આ વર્ષના અંતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાશે. અટકળો વહેલી ચૂંટણીની પણ છે. પણ ત્યારે આ નવા ચહેરાઓ સાથે જ ચૂંટણી લડાશે ? પરિણામો પછી પણ એ જ ખુરશી પર બેસશે કે કેમ ? એ બધું જ અટકળોનો વિષય છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી

Bansari Gohel

રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત

Bansari Gohel

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel
GSTV