જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપીના છુટાછેડા થતા રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને ભાજપ-પડીપી પર નિશાન સાધ્યું છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર એક બોલિવૂડ ફિલ્મનો વીડિયો શેર કર્યો છે. વીડિયોના એક સીનમાં બે પાત્ર નકલી લડાઈની વાત કરી રહ્યા છે. આ ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતા અબ્દુલ્લાએ ફિલ્મનો સીન ટ્વિટર પર શેર કર્યો છે.
વીડિયો શેર કરતા ઉમર અબ્દુલ્લાએ લખ્યું કે પીડીપી અને ભાજપ રાજકીય રણનીતિ બનાવવા માટે ફિલ્મ જોઈ રહી છે. ભાજપ અને પીડીપીએ તલાક માટે શાનદાર સ્ક્રીપ્ટ તૈયાર કરી છે. પરંતુ ભાજપ અને પીડીપીએ સમજવુ રહ્યું કે, એનસી અને જમ્મુ કાશ્મીરની જનતા મુર્ખ નથી. ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર જે ફિલ્મનો વીડિયો શેર કર્યો છે. એ ફિલ્મ 1977માં આવેલી કિસ્સા કુર્સી કા નો છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા વિવાદમાં રહી હતી.
ફિલ્મમાં રાજકીય સ્થિતિ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી. ફિલ્મમાં તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી પર સીધા કટાક્ષ કરવામાં આવ્યા હતા. જેથી આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી નહોતી. જ્યારે ઉમર અબ્દુલ્લાએ કરેલા ટ્વિટથી નવા વિવાદનો જન્મ થઈ શકે છે.