GSTV
Home » News » ભાજ૫ને રામમંદિર નિર્માણની યાદ અપાવતા પાંચ ટર્મ સાંસદ રહેલા કટિયારની ટીકીટ કપાઇ

ભાજ૫ને રામમંદિર નિર્માણની યાદ અપાવતા પાંચ ટર્મ સાંસદ રહેલા કટિયારની ટીકીટ કપાઇ

ભાજપે રામમંદિર આંદોલન સાથે જોડાયેલા અને પાંચ ટર્મ સુધી સાંસદ રહેલા વિનય કટિયારની ટિકિટ કાપી નાખી છે. કટિયાર એવા નેતા રહ્યા છે કે જેમણે યુપીમાં રામમંદિર આંદોલનની અલખ જગાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. રાજકીય વર્તુળોમાં ચર્ચા અને અટકળબાજીએ જોર પકડ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામમંદિર નિર્માણની યાદ અપાવવાના કારણે વિનય કટિયારની રાજ્યસભાની ટિકિટ કાપવામાં આવી છે.

ભાજપે રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા અને બજરંગદળના સંસ્થાપક અધ્યક્ષ રહેલા વિનય કટિયારની રાજ્યસભાની ટિકિટને કાપી નાખી છે. પાંચ ટર્મ સુધી સાંસદ રહી ચુકેલા વિનય કટિયાર એવા નેતા છે કે જેમણે 1984માં ભાજપને બે લોકસભા બેઠકો પરથી રામમંદિર નિર્માણ આંદોલન દ્વારા 1989માં 85 બેઠકો સુધી પહોંચાડવામાં મહત્વનો કિરદાર નિભાવ્યો હતો. યુપીમાં ખાલી થયેલી રાજ્યસભાની દશ બેઠકોની ચૂંટણીમાં ભાજપે કટિયારને ટિકિટ આપવાના સ્થાને ઘણાં જૂનિયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. રામમંદિર નિર્માણ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ બનાવવા અને અડવાણીને ટેકો આપવાની કટિયારને રાજકીય કિંમત ચુકવવી પડી હોવાનું તેમના નિકટવર્તીઓનું કહેવું છે. હાલ ભાજપે આઠ નેતાઓને યુપીમાંથી રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું છે. આ તમામ નેતાઓ કટિયાર કરતા જૂનિયર છે. તેમા અરુણ જેટલી, વિજયપાલસિંહ તોમર, સકલદીપ રાજભર, કાંતા કર્દમ, અનિલ જૈન, જીવીએલ નરસિમ્હારાવ, હરનાથસિંહ યાદવ અને અશોક વાજપેયીનો સમાવેશ થાય છે. જેટલી અને જીવીએલ નરસિમ્હા રાવ રાષ્ટ્રીય સ્તરે ચર્ચિત છે. જ્યારે અશોક વાજપેયી સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા છે. બાકીના પાંચ નેતાઓની ઉત્તર પ્રદેશમાં કોઈ રાજકીય ઓળખ નથી.

વિનય કટિયાર 2006થી રાજ્યસભાના સાંસદ રહ્યા છે. બીજી એપ્રિલે તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે. આના પહેલા ફૈઝાબાદથી તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ પણ રહી ચુક્યા છે. હવે ટિકિટ કપાયા બાદ કટિયાર 27 વર્ષ બાદ પહેલી વખત તેઓ સંસદ પહોંચી નહીં શકે.  તેમની ટિકિટ કાપવાના મામલે ભાજપના આંતરીક વર્તુળોમાં જાતભાતની ચર્ચાઓ છે. કહેવામાં આવે છે કે ઘણાં મામલાઓમાં આક્રમક હોવાને કારણે કટિયારને ભાજપનું હાલનું ટોચનું નેતૃત્વ પસંદ કરતું નથી. કટિયાર ગત વર્ષ સીબીઆઈ પર ભાજપના દિગ્ગજો વિરુદ્ધ રામમંદિર આંદોલન સાથે જોડાયેલા જૂના કેસો ખોલવાનું ષડયંત્ર કરવાના આરોપ લગાવી ચુક્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે આરોપોને નામંજૂર કર્યા હતા.. પરંતુ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કેસને જીવિત રાખવાની અપીલ કરી હોવાનો તેમનો આરોપ હતો.

આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવના અડવાણીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારની દોડમાંથી હટાવવા મામલે સીબીઆઈએ તેમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હોવાના આરોપનું વિનય કટિયારે જાહેરમાં સમર્થન કર્યું હતું. કટિયાર 1970માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા અને તેમણે 1982માં સ્વદેશી જાગરણ મંચ અને બાદમાં 1984માં બજરંગદળની સ્થાપના કરી હતી. પાર્ટી સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે આરએસએસના વિચારક કે. એન. ગોવિંદાચાર્યના ભાજપના સંગઠન મહામંત્રી તરીકેના કાર્યકાળમાં સોશયલ એન્જિનિયરિંગની બોલબાલા વચ્ચે કટિયારનું પાર્ટીમાં કદ બેહદ ઝડપથી મોટું થયું હતું. બાદમાં ગોવિંદાચાર્ય 2000માં ભાજપમાંથી દૂર થયા હતા.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે પહેલા ભાજપને બ્રાહ્મણો અને વૈશ્યો-વણિક વર્ગની પાર્ટી ગણવામાં આવતું હતું. તેના પર સંઘના વિચારક કે. એન. ગોવિંદાચાર્યને લાગ્યુ કે રામજન્મભૂમિ મંદિર આંદોલનથી ભાજપની પહોંચ તમામ જાતિઓમાં વિસ્તારીત કરાઈ હતી. આની પાછળનું કારણ ભાજપને બ્રાહ્મણ અને વૈશ્ય વર્ગની પાર્ટી તરીકેની છાપ ભૂંસવાની કોશિશ હતી. આ મિશનને ઉત્તર પ્રદેશ ખાતે ઓબીસી ચહેરા વિનય કટિયારે આગળ વધાર્યું હતું. પરંતુ હવે વિનય કટિયારની રાજ્યસભાની ટિકિટ કાપવા મામલે ભાજપની અંદર જ સવાલો ઉઠાવાના શરૂ થઈ ચુક્યા છે.

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!