GSTV

ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહ : 2019ની લોકસભાની ચૂંટણી ભગવાન વિરુદ્ધ ઈસ્લામ હશે

Last Updated on April 13, 2018 by

ઉત્તરપ્રદેશની બેરિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહના વિવાદીત વેણ થંભવાનું નામ લઈ રહ્યા નથી. ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહનું કહેવું છે કે 2019ની લોકસભાની ચૂંટણી ભગવાન વિરુદ્ધ ઈસ્લામ હશે.

મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્ર સિંહ ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરનો બચાવ કરી ચુક્યા છે અને આના સંદર્ભે બેરિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્યને રાષ્ટ્રીય મહિલા પંચે નોટિસ પણ ફટકારી છે.

બોલવાનું માપ રાખવામાં રાજનેતાઓ અવાર-નવાર મર્યાદા ચુકતા હોય છે અને આવી જ એક હરકત બલિયામાં આયોજિત ભાજપના ઉપવાસ કાર્યક્રમમાં પાર્ટીના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કરી છે.

વિપક્ષને રાષ્ટ્રવિરોધી ગણાવતા સુરેન્દ્રસિંહે કહ્યુ હતુ કે વિપક્ષમાંથી કોઈનો આકા ઈસ્લામમાં છે. તો કોઈનો ઈટાલીમાં વસે છે અને 2019ની ચૂંટણી ઈસ્લામ વિરુદ્ધ ભગવાનની બનવા જઈ રહી છે. તેથી ભારતના લોકોએ નિર્ણય કરવાનો છે કે ઈસ્લામ જીતશે અથવા ભગવાન જીતશે.

ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની જેમ જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમના માતા સોનિયા ગાંધીના ઈટાલિયન મૂળ પર કટાક્ષ કર્યો હતો. સુરેન્દ્રસિંહે કહ્યુ છે કે રાહુલ ગાંધીને ભારત સાથે ઓછો અને ઈટાલી સાથે વધુ લગાવ છે.

માયાવતીના સાચા ભાઈ ભાજપમાં હોવાનું જણાવીને ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કહ્યુ છેકે જરૂરત પડશે તો માયાવતીને ફરીથી જ ભાજપ જ બચાવશે.

ફરી એકવાર ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરનો બચાવ કરતા સુરેન્દ્રસિંહે કહ્યુ છે કે ભાજપના ધારાસભ્યને ફસાવવામાં સમાજવાદી પાર્ટી અને બીએસપીનો હાથ છે. મહત્વપૂર્ણ છે કે બેરિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્યને રાષ્ટ્રીય મહિલા પંચે નોટિસ પણ ફટકારી છે.

સુરેન્દ્ર સિંહ પહેલા પણ ગેંગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરનો બચાવ કરી કરતા વિવાદીત નિવેદનબાજી કરી ચુક્યા છે. સેંગર સામે ષડયંત્ર હોવાનું જણાવીને મનોવૈજ્ઞાનિક બાબતોના નિષ્ણાતની અદામાં સુરેન્દ્રસિંહ કહી ચુક્યા છે કે તેઓ આ મામલમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી વાત કરવા ચાહે છે કે કોઈપણ ત્રણ બાળકોની માતા સાથે રેપ કરી શકે નહીં અને આ અશક્ય છે.

અહીં સવાલ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિયાન બેટી બચાવવાનું છે. બળાત્કારી હોય તો તેને બચાવવાનું બિલકુલ હોઈ શકે નહીં. પરંતુ મોઢે તાળું નહીં ધરાવનારા ભાજપના સુરેન્દ્ર સિંહ જેવા નેતાઓ બળાત્કારના આરોપીનો બચાવ પણ કરે છે અને કોમવાદને દેશવટો આપવાની વાત કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાગણીથી વિરુદ્ધ જઈને 2019ની ચૂંટણીને કોમવાદી રંગ આપવાની કોશિશ પણ કરે છે. શું પાર્ટીના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહની વિવાદીત નિવેદનબાજી સાથે ભાજપ હાઈકમાન્ડ સંમતિ ધરાવે છે?

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!