GSTV
Home » News » કોંગ્રેસની હવે ગુજરાત પર નજર : શું ગુજરાતમાં પણ થઈ શકે છે કરિશ્મા, 3 બાજુથી ઘેરવાની હવે બની રહી છે રણનીતિ

કોંગ્રેસની હવે ગુજરાત પર નજર : શું ગુજરાતમાં પણ થઈ શકે છે કરિશ્મા, 3 બાજુથી ઘેરવાની હવે બની રહી છે રણનીતિ

2014માં ધામધૂમથી સમગ્ર ભારતમાં કમળને ખીલાવનારી ભારતીય જનતા પાર્ટી માટે હવે એક એક રાજ્યમાંથી વળતાં પાણી થઈ રહ્યા છે. દેશમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ મિટાવવાના સપનાં જોનાર ભાજપને પણ હવે સ્થાનિક રાજ્યોમાં અસ્તિત્વ સાબિત કરવા ફાંફા પડી રહયાં છે. મોદી મેજીક પર વિશ્વાસ રાખી 2019માં તો પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર આવી ગઈ પણ નજર રાજ્યો પર દોડાવવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી માટે આયારામ-ગયારામ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ભાજપે 2018થી લઈને અત્યાર સુધીમાં ત્રણ મોટા રાજ્યો ગુમાવવાનો વારો આવ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક સાથે ચૂંટણી હતી. જેમાં નજીવી સરસાઈ મેળવી કોંગ્રેસ પાર્ટી ભૂસકો મારી ગઈ અને સત્તાના સિંહાસન પર વિરાજમાન થઈ ગઈ. જ્યારે આ વર્ષે થયેલી મહારાષ્ટ્રની ચૂંટણીમાં શિવસેનાએ ભાજપને મુખ્યપ્રધાન રૂપી ફૂંફાડો મારી તમામ સંબંધો કિનારે કરી નાંખ્યા. જેથી ગુજરાતના ત્રણ પાડોશી રાજ્યોમાં હવે કોંગ્રેસની સરકાર બની જશે તેવી પૂરી સંભાવના છે. આ સ્થિતિ એવી જ છે કે જ્યારે નરેન્દ્ર મોદી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે ગુજરાતના પાડોશી રાજ્યોમાં કોંગ્રેસનો દબદબો હતો જે ધીમે ધીમે ઘટ્યો અને હવે ફરી એક વખત વધી રહ્યો છે. જેમાંથી ગુજરાતે પણ વહેલી તકે બોધપાઠ લેવાની જરૂર છે.

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની નજર હવે ગુજરાત પર છે. ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ નથી પણ સરકાર સામે એન્ટિઇન્કમ્બસીનો માહોલ છે. ગુજરાતની પ્રજા પાસે મજબૂત વિકલ્પનો અભાવ છે. કોંગ્રેસ પ્રજાની નારાજગીનો ફાયદો ઉઠાવવા નવી રણનીતિ ઘડી રહ્યું છે. કોંગ્રેસ કોઈ પણ ભોગે ગુજરાતમાં મજબૂત થવા માટે પ્રયાસો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર બની તો ગુજરાતને 3 બાજુથી ઘેરવાની રણનીતી બનશે એ હવે ફાયનલ થઈ ગયું છે. કોંગ્રેસને હવે સ્થાનિક નેતાઓ પર પણ ભરોસો રહ્યો નથી. જેથી રાજસ્થાન, એમપી અને મહારાષ્ટ્રના કદાવર નેતાઓના આગેવાની હેઠળ ભાજપને પછાડવા માટે નવી રણનીતિ ઘડાય તો પણ નવાઈ નહીં. ગુજરાતના પ્રાદેશિક નેતાઓમાં જૂથવાદનો મામલો ઉચ્ચકક્ષા સુધી પહોંચેલો છે. હાલમાં કોંગ્રેસના વિરોધની આગેવાની અન્ય નેતાઓની હાથમાં હોવાનું પણ રણનીતિના ભાગરૂપે છે. કોંગ્રેસનું મોવડીમંડળ સારી રીતે જાણે છે કે, મોદી અને શાહનું મનોબળ તોડવું હશે તો તેમને ગુજરાતમાં અટકાવવા જરૂરી છે. શાહ અને મોદીનું પીઠબળ એ ગુજરાત છે. અહીં સત્તા પરિવર્તનનો મતલબ દેશભરમાં કોંગ્રેસનો ફરી દબદબો. એ માટે કોંગ્રેસમાં આયોજનો ઘડાઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ભાજપ સત્તાથી દૂર રહ્યું તો શિવસેના સરકાર ગુજરાત માટે મુસિબત બની રહે તો નવાઈ નહીં. ગુજરાતને ઘેરવા માટે મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનના નેતાઓને સુકાન અપાય તો પણ નવાઈ નહીં. કોંગ્રેસ 3 બાજુથી ગુજરાતને ઘેરવાની રણનીતિ બનાવી રહી છે.

રાજસ્થાનમાં અશોક ગહેલોત બન્યા છે મુસિબત

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને વસુંધરા રાજે વચ્ચે કાંટે કી ટક્કર હતી. રાજસ્થાનના ઈતિહાસને જોવામાં આવે તો વર્ષોથી અહીં કોઈ પણ પાર્ટી માત્ર 5 વર્ષ જ શાસન કરી શકે છે. 2018માં અહીં વસુંધરારાજેને સીએમ પદેથી હટાવી અશોક ગેહલોત સત્તામાં આવ્યા. જેમાં બીજેપીને 73 અને કોંગ્રેસને 100 બેઠકો મેળવી. તડજોડની રાજનીતિ રમી હોત તો પણ 26 અન્યોને મળેલી બેઠકોમાંથી ધારસભ્યોને લઈ ભાજપ સત્તા બનાવી શકી હોત પણ એવું થયું નહીં અને સત્તા કોંગ્રેસના હાથમાં ગઈ.

મધ્યપ્રદેશમાં મોંઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો

અહીં શિવરાજ સિંહ ચૌહાણ અને કમલનાથ વચ્ચે જંગ હતી. કમલનાથ મુખ્યમંત્રી બનશે તેવું લાગતું પણ નહોતું. છેલ્લે શિવરાજ સિંહ ચૌહાણને પણ નજીવા માર્જિનથી સત્તાથી વંચિત રહેવું પડ્યું હતું. મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવુ માફ કરવાનું વચન આપી કમલનાથ સરકાર બની ગઈ હતી. અને હવે આવી જ સ્થિતિ ગુજરાતમાં પણ છે. ખેડૂતો પાક નિષ્ફળ જતા સહાય ન મળવાના કારણે સરકારને દોષ દઈ રહ્યા છે. ત્યારે શું આગામી સમયમાં ગુજરાતમાંથી પણ ભાજપના લિસોટા ભૂંસાઈ જશે.

મહારાષ્ટ્રમાં નવો ઇતિહાસ રચાશે

50-50ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. આમ છતાં શિવસેના અને ભાજપ વચ્ચે મતભેદ સર્જાયા. શિવસેનાને પોતાનો મુખ્યમંત્રી જોતો હતો. જે મળ્યો નહીં. 121 જેટલી બેઠકો હોવા છતાં ભાજપે વિપક્ષમાં રહેવાનું નક્કી કર્યું. જે મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી વખત બનશે કે 121 બેઠકો ધરાવતી પાર્ટી વિપક્ષના સુખાસન પર દુખી થઈ બેસશે. શિવસેનાએ સોગઠાબાજી રમી કોંગ્રેસ અને NCP સાથે યારાના કરી લીધા છે. જેના પરિણામે હવે ગમે ત્યારે મહારાષ્ટ્રમાં પણ શિવસેનાની સરકાર બની શકે તેવી સ્થિતિનું સર્જન થઈ ચૂક્યું છે.

ગુજરાતમાં પણ કોંગ્રેસે ભાજપને હંફાવ્યું હતું

આ રીતે ગુજરાત ભાજપના પાડોશી ત્રણે રાજ્યોમાંથી ભાજપની સરકાર નેસ્તાનાબુદ થઈ ચૂકી છે. હવે ગુજરાત એકમાત્ર ભાજપ શાસિત રાજ્ય રહ્યું છે. 2017ના ચૂંટણી પરિણામો પર નજર કરવામાં આવે તો કોંગ્રેસ પણ ભાજપને હરાવવા માટે બિલ્કુલ નજીક પહોંચી ગઈ હતી. જીત માટે વલખા મારતી કોંગ્રેસને 77 જ્યારે 150નો ટાર્ગેટ રાખીને બેઠેલી ભાજપને ગ્રામીણ વિસ્તારોમાંથી જાકારો મળતા 99માં સમેટાઈ ગઈ હતી. બાદમાં કોંગ્રેસમાંથી કદાવર નેતાઓની આયાત થતા એક આશ્વાસન સભર આંકડા સુધી ગુજરાત ભાજપ પહોંચી હતી. હાલ ખેડૂતો અને બેરોજગારીનો કોયડો ગુજરાત ભાજપ સામે ઉકળતા ચરૂ સમાન છે. ત્યારે પાડોશી રાજ્યોમાંથી મળેલા જાકારા બાદ શું આગામી સમયમાં ગુજરાતમાં ભાજપ રહેશે કે નહીં તેના સમીકરણો અત્યારથી જ ઘડાવા માંડ્યા છે.

ઝારખંડમાં પણ બદલાયા સમીકરણો

દેશમાં ભાજપ માટે માઠી દશા બેઠી છે.  મંદી અને જીડીપીમાં કેન્દ્રની મોદી સરકાર ફસાઈ છે ત્યાં સ્થાનિક રાજ્યોમાં પણ ભાજપની હાલત બગડતી જાય છે. ધીમેધીમે મોદી અને શાહના મેજિકનો જાદુ ઓસરતો જાય છે. ગુજરાતમાં પેટા ચૂંટણીમાં 3 બેઠકોમાં પછડાટ પહેલાં ભાજપે વિધાનસભામાં પણ મોટો ઝાટકો સહન કર્યો છે. ભાજપને હાલમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને ઝારખંડમાં સમીકરણો બદલાયા છે. બિહારમાં પણ જેડીયુ સાથે ગઠબંધન રહે છે કેમ એ એક ચિંતાનો વિષય છે. ભાજપ ધીમેધીમે દેશને કોંગ્રેસ મુક્ત કરવાના સપનાં જોઈ રહ્યું હતું હવે ધીમેધીમે એનડીએને જ પછડાટ મળી રહી છે. ભાજપના નસીબ પલટાયા છે. 

હરિયાણામાં પણ ટેકણલાકડી કરવી પડી

હરિયાણામાં જીતી જવાના ગુમાનમાં ખટ્ટર પર ભરોસો મૂકનાર ભાજપને ઊંધા માથે પછડાવું પડ્યું છે. જેજેપી જેવી નવી સવી પાર્ટી સાથે ગઠબંધન કરી સરકાર રચવાનો વારો આવ્યો છે. એમાંયે જેજેપીએ પોતાની મન મરજી મુજબ સરકારમાં પદ લીધા છે. ભાજપના અમિત શાહની એક પણ નથી ચાલી. લાંબી ચર્ચા પછી હવે એવું નક્કી થયું હતું  કે કુલ 14 પ્રધાનો હશે જેમાં ભાજપના આઠ, જજપાના ચાર અને બે અપક્ષો પ્રધાન બનશે. ભાજપે પહેલાં જજપાને ત્રણ પ્રધાનોની ઑફર કરી હતી જે જજપાએ ઠુકરાવી દીધી હતી. જજપાએ કેબિનેટ કક્ષાના બે અને રાજ્ય કક્ષાના બે એમ ચાર પ્રધાનો માગ્યા હતા. જે તેને મળી ગયા છે.

મહારાષ્ટ્રમાં સપનું રોળાયું

મહારાષ્ટ્રમાં સૌથી લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં ભાજપનું સત્તા મેળવવાનું સપનું હાલ પૂરતું તો રોળાઈ ગયું છે. શિવસેનાએ 30 વર્ષ જૂની દોસ્તીને ઠોકર મારી કેન્દ્રમાંથી પણ છૂટાછેડા લઇ લીધા છે. અત્યારે ભાજપનો નબળો સમય ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ મજબૂત પાર્ટી હોવા છતાં પણ સરકાર બનાવી શકી નથી. મહારાષ્ટ્રમાં હાલમાં ભાજપે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. જેઓની આજે કોર કમિટીની બેઠક પણ મળવાની છે. શિવસેનાએ અહીં મોટો ઝટકો આપ્યો છે.

લોજપા ભાજપ માટે બનશે ખતરનાક

ઝારખંડમાં પણ લોજપાએ એકલા હાથે ચૂંટણી લડવાના સંકેતો આપ્યા છે. લોજપા એ કેન્દ્રમાં સત્તામાં ભાગીદાર પાર્ટી છે. જે ઝારખંડમાં એકલા હાથે લડશે. આ વર્ષે લોજપા એ રાજગ સાથે મળીને ચૂંટણી લડવાની છે. ઝારખંડની છેલ્લી ચૂંટણીમાં ભાજપે લોજપાને શિકારપારા વિસ્તારની એક બેઠક ટોકન રૂપે આપી હતી. આ વખતે ટોકન બેઠક લેવાની લોજપાની તૈયારી નથી. આમ ભાજપ માટે હાલમાં કપરો સમય ચાલી રહ્યો છે. અમિત શાહ અને મોદીની જોડી હાલમાં ચૂપકીદી સાધીને એટલા માટે બેઠી છે કે તેઓ જાણે છે કે કપરો સમય જતો રહેશે અને ફરી તેમનો સમય આવશે. 

READ ALSO

Related posts

ટ્રમ્પના આગમન પહેલા અત્યાધુનિક સિક્યોરિટીથી સજ્જ અમેરિકાનું વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું

pratik shah

સરકારનો વિરોધ કરવા નિકળેલા લોકો માત્ર રાજકારણ કરવા નીકળ્યા છે : વિજય રૂપાણીના કોંગ્રેસ પર ચાબખા

pratik shah

સુપ્રીમ કોર્ટે મહિલાઓને સ્થાયી કમિશન આપવાની મંજૂરી આપી દીધી, કેન્દ્રને લગાવી ફટકાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!