આમ તો જૂનાગઢ બેઠક છેલ્લા 3 દાયકાથી ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તમામ બેઠકો પર પ્રચંડ વિજય મેળવી ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા. જૂનાગઢમાં આહિર ક્ષત્રિય, કોળી અને પાટીદાર એમ ચારેય જ્ઞાતિનું એકસમાન પ્રભુત્વ છે. જો કે 2019ની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડાને પોતાની છાવણીમાં લાવી જૂનાગઢ બેઠક પર સરસાઇ મેળવી લીધી છે. આથી જ કોંગ્રેસ માટે હવે જ્ઞાતિના પેચીદા સમીકરણો ઉકેલવા એ સૌથી મોટો પડકાર છે.
સંત અને શૂરા માટે જાણીતી સોરઠની ભૂમિ પરના જ્ઞાતિના કોયડા ઉકેલવા એ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો માટે હંમેશા અઘરા રહ્યા છે. કેમકે જૂનાગઢ લોકસભા બેઠકના મતદારો છાશવારે બંને પક્ષોને આંચકાઓ આપતા રહે છે.
આમ તો જૂનાગઢ લોકસભા બેઠક છેલ્લા 30 વર્ષથી ભાજપનો ગઢ રહી છે. વર્ષ 1991થી લઇને 1999 સુધી એમ સતત ચાર ટર્મ જીત મેળવીને ભાવનાબેન ચિખલીયાએ અહીં ભાજપનો દબદબો સ્થાપિત કર્યો. જો કે 2004માં કોંગ્રેસના જશુભાઇ બારડે ભાવનાબેનને હરાવી આ બેઠક આંચકી લીધી. 2009માં ભાજપના દિનુ બોઘા સોલંકીએ ફરી જશુભાઇને હરાવ્યા. તો 2014ની ચૂંટણીમાં ભાજપના રાજેશ ચુડાસમાએ 1 લાખ 35 હજાર 832 મતોથી કોંગ્રેસના પુંજાભાઇ વંશને હાર આપી હતી.
જો કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢમાં કોંગ્રેસનું રીતસરનું વાવાઝોડું ફૂંકાયું. જૂનાગઢ લોકસભા હેઠળની તમામ 7 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી ભાજપને ભોંયભેગું કરી દીધું. 2017માં કોંગ્રેસને 1 લાખ 14 હજાર 742 મતની સરસાઇ મળી હતી. મતલબ કે 2014 બાદ ભાજપના 2 લાખ 50 હજાર 574 જેટલા અધધધ મતો કોંગ્રેસ તરફ વળ્યા.
જૂનાગઢમાં સોરઠીયા આહિર, કારડિયા ક્ષત્રિય, કોળી અને પાટીદાર સમાજની બહુમતિ છે. તેમાં પણ આહિર સમાજની વસ્તી લગભગ 12 ટકા જેટલી છે. આથી જ ભાજપે આ તમામ સમીકરણોને ધ્યાને રાખીને કોંગ્રેસના કદાવર નેતા જવાહર ચાવડાને પોતાની છાવણીમાં લાવી સીધા જ કેબિનેટ પ્રધાન બનાવ્યા છે. જવાહર ચાવડાને લાવી ભાજપે જૂનાગઢ બેઠક પર મજબૂત સરસાઇ મેળવી લીધી હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. બીજી તરફ કોંગ્રેસ અમરેલીની જેમ જૂનાગઢમાં પણ જીતને લઇને આશ્વસ્ત હતી. પરંતુ જવાહર ચાવડાએ કેસરિયો ધારણ કર્યા બાદ કોંગ્રેસને ચોક્કસપણે મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ માટે હવે અહીં જ્ઞાતિઓના સમીકરણો ઉકેલવા અઘરા બની ગયા છે.
Read Also
- બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?
- આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના
- ભાજપની ખમતીધર બેઠક જ્યાંથી એક સમયે બળવાન બાવળિયા પણ ધબાયનમ: થઈ ગયા હતા
- વર્ષોથી એક જ પરિવારનો દબદબો ધરાવતી બેઠક, જ્યાં કોંગ્રેસ માટે જીતવું આસાન નથી
- આ બેઠક પર કડવા પાટીદાર વચ્ચે જંગ : લોકસભામાં લોકો કોનું મોઢુ મીઠું કરાવશે