નાણાંકિય વર્ષ 2017-18 દરમિયાન ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને કરોડો રૂપિયાનું ડોનેશન પ્રાપ્ત થયું છે, જેમાં કેડિલા ફાર્માસ્યુટિકલે 3.50 કરોડનું અને એલેમ્બીક ફાર્માસ્યુટીકલે કુલ છ કરોડ રૂપિયાનું ડોનેશન અધિકૃત રીતે અનુક્રમે કેનેરા અને એચડીએફસી બેંક દ્વારા ચૂકવ્યું છે, તેવી જ રીતે નિરમા દ્વારા રૂપિયા ચાર કરોડનું ડોનેશન ચૂકવવામાં આવ્યું છે. જ્યારે સુરતના હેપ્પી હોમ ગ્રૂપ દ્વારા કુલ સાડા ચાર કરોડનું ડોનેશન ચૂકવવામાં આવ્યું છે, આમ બેંક ખાતામાં ચેક કે ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા રકમ ચુકવવામાં આવી છે.
બે ચાર ઉદ્યોગોને બાદ કરતા પાર્ટીના જ કાર્યકરો દ્વારા ડોનેશન મળ્યું
ભાજપને ગુજરાતમાંથી કુલ રૂ. ૪૦ કરોડનું ડોનેશન પ્રાપ્ત થયું છે જયારે સામા પક્ષે કોંગ્રેસને ચાર કરોડ રૂપિયાનું ડોનેશન પ્રાપ્ત થયું છે. કોંગ્રેસને ગુજરાતમાં બે ચાર ઉદ્યોગોને બાદ કરતા પાર્ટીના જ કાર્યકરો દ્વારા ડોનેશન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે બ્રિજ બનાવવાના મોટા મોટા કોન્ટ્રાક્ટ મેળવનાર રાજકમલ બિલ્ડર્સ દ્વારા દોઢ કરોડનું દાન ચૂકવાયું છે. જ્યારે પવન બકેરી દ્વારા રૂપિયા 50 લાખનું દાન ચૂકવાયું છે, તેવી જ રીતે સન બિલ્ડર્સના એન.કે.પટેલ દ્વારા રૂ.50 લાખની રકમ ચૂકવાઈ છે. આમ ભાજપ દ્વારા ગુજરાતમાંથી રૂપિયા 21 હજારથી લઈને રૂપિયા છ કરોડ સુધીનું ડોનેશન લઈને કુલ્લે 44 કરોડથી વધુ રકમ દાન હેઠળ મેળવવામાં આવી છે, જ્યારે સમગ્ર દેશમાંથી ભાજપે 437 કરોડનું દાન મેળવ્યું છે, જેનો એડીઆર દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ અહીં પ્રસ્તુત છે.