આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે 17 સમિતિઓની રચના કરી હતી. પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની જવાબદારી વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને સોંપાઇ છે. તે 20 સભ્યોની સંકલ્પ પત્ર સમિતિનું નેતૃત્વ કરશે. કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી, નિર્મલા સીતારમણ, રવિશંકર, ગોયલ અને નકવી ઉપરાંત મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આ સમિતિમાં સામેલ છે. સામાજિક સ્વયંસેવી સંગઠનોથી સંપર્ક કરનાર સમિતિના વડા નિતિન ગડકરીને બનાવાયા હતા. પ્રચાર સામગ્રી તૈયાર કરનાર સમિતિના વડા સુષમા સ્વરાજ બનશે. રાજનાથસિંહને ચૂંટણી પ્રચારના ઢંઢેરાની જવાબદારી સોંપાઈ છે. ચૂંટણીમાં સૌથી વધારે મહત્વ ચૂંટણી સમયના વચનો હોય છે. જેમાં ભાજપ કયા મામલાનો સમાવેશ કરે છે તેની પર ચૂંટણીનું ભવિષ્ય નક્કી થતું હોય છે. આ જવાબદારી રાજનાથના હાથમાં સોંપાઈ છે. રાજનાથની ક્ષમતા પર ભાજપને ભરોસો હોવાથી તેઓ આગામી સમયમાં ભાજપનું ભવિષ્ય નક્કી કરશે.
Bharatiya Janata Party (BJP) President Amit Shah announces following committees before the upcoming 2019 Lok Sabha elections. pic.twitter.com/YLd4tu07Ol
— ANI (@ANI) January 6, 2019
કેન્દ્રિય ભાજપે આજે લોકસભાની ચૂંટણી માટે વિવિધ કમિટીઓની રચના કરી છે. જેમાં ગુજરાતના નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા સિનીયર નેતાને સ્વયંસેવી સંગઠન સંપર્ક જેવી કામગીરી સુપરત કરાઈ હતી. આ ઉપરાંત પ્રદિપસિંહ વાઘેલાને સાઈકલ રેલીની જવાબદારી સોંપવામાં આવી છે. પંત શુક્લને સોશિયલ મીડિયા માટેની કામગીરી સોંપવામાં આવી છે.
ભાર્ગવ ભટ્ટને લાભાર્થી સંપર્ક માટેની કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાતના ઘણાં સિનીયર નેતાઓ ચૂંટણીની કામગીરીમાં અવ્વલ છે તેમ છતાંય તેમની બાદબાકી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં ટોચની કામગીરીથી ગુજરાતના નેતાઓને અળગા રાખવામાં આવ્યા છે.
આ પહેલા પણ ઉત્તર પ્રદેશના સહ પ્રભારી તરીકે ગુજરાતના ધુરંધર નેતા ગોરધન ઝડફિયાની પસંદગી કરવામાં આવતા ખૂદ ભાજપના કાર્યકર્તાઓ ચોંકી ગયા હતા. ગોરધન ઝડફિયા જ્યારે કેશુભાઈ પટેલની સરકારમાં હતા ત્યારે મોદી સહિત ભાજપના નેતાઓને ગાળો ભાંડવામાં કોઈ કસર બાકી નથી રાખી. આમ કેન્દ્રિય નેતાગીરીમાં પણ ગુજરાતના કેવા કેવા નેતાઓની પસંદગી કરાઈ તે ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.