ભાજપના કદાવર નેતાઓ જ અલ્પેશને ભાજપમાં ઘુસવા દેવા નથી માગતા

આમ તો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ હાથ ફેરવી પોતાની પાસે રાખી લે છે. એક સમયે કોંગ્રેસ મુક્ત ભારતના સપનાં જોતું ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગયું છે તેની કદાચ ભાજપને પણ ખબર નહીં હોય. પહેલા છબીલ પટેલ અને બાદમાં કુંવરજી બાવળિયાને ભગવો ધારણ કરાવી ભાજપ ચૂંટણી જીતી ગયું. તેમાંય કુંવરજીભાઈનું તો કોંગ્રેસ કરતા ભાજપમાં કદ વધ્યું. પદ આપવામાં આવ્યું, પ્રતિષ્ઠા મળી, નરેન્દ્ર મોદીએ દિલ્હી બોલાવી વહાલ કર્યું. એટલે કે એક સમયના કોંગ્રેસના નેતાઓને ભાજપ સારી રીતે સાચવી શકે છે પણ જ્યારે વાત યુવા નેતા અલ્પેશ ઠાકોરની હોય ત્યારે …

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રસના કકળાટથી કંટાળી હવે કેસરીયો ખેસ ધારણ કરવાના હોવાની અફવાએ જોર પકડ્યું છે. પણ ખુદ વાસ્તવિકતા એ છે કે ભાજપે જ અલ્પેશ માટે દરવાજા બંધ કરી રાખ્યા છે. ભાજપના નેતાઓનો દાવો છે કે પરપ્રાંતિય મુદ્દે અલ્પેશે ગુજરાતને દેશભરમાં ખૂબ વગોવ્યુ છે. ભાજપની ગુજરાત સરકારની રાજકીય છબી ખરડાઈ છે. અલ્પેશને લેવા માટે અંદરોઅંદર વિરોધ થઈ રહ્યા છે. આ કારણે અલ્પેશ માટે કોંગ્રેસ સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નથી.

મળી શકે છે ઉપનેતાનું પદ

લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસમાં તડા પડવા લાગ્યા છે. એક તરફ સિનીયર નેતાઓ છે તો બીજી તરફ નવોદિત્ત નેતાઓને પદ માટેની લાલસા હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. આ વચ્ચે ખબરો આવી છે કે અલ્પેશ ઠાકોર ગુજરાતમાં કોંગ્રેસના ઉપનેતા બની શકે છે. દિલ્હીના હાઈકમાન્ડે અલ્પેશને બોલાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. જોકે પરપ્રાંતિયો મુદ્દે અસંતોષ હોવાના કારણે અલ્પેશ પાસેથી બિહારના સહ પ્રભારીનું પદ છિનવી લેશે. પરપ્રાંતિયો મુદ્દે થયેલા આક્ષેપોના કારણે અલ્પેશને બિહારમાં પગ મુકવો પણ મુશ્કેલ પડ્યો હતો. આ સંજોગોમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે મીટીંગ મળી હતી જેમાં શૈલેષ પરમારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

હાઈકમાન્ડે તો એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે. એક તો શૈલેષ પરમારને ઉપનેતાના પદેથી હટાવશે અને બીજુ એ જ જગ્યા અલ્પેશ ઠાકોરને મળશે. એટલે કે અસંતુષ્ટ નેતાઓ માટેની પણ કામગીરી થશે. બીજુ કે સહપ્રભારી પદેથી અલ્પેશને હટાવી હાઈકમાન્ડે કામગીરી કરી હોવાનું પણ કોંગ્રેસ કહી શકશે. આમ જૂથવાદ ઠારવા દિલ્હીમાં કવાયત શરૂ કરવામાં આવી છે.

બળતામાં હોમાયું હતું ઘી

ભાજપમાં જોડાવાની હોવાની વાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ખુદ સિનિયર નેતાઓ જ પક્ષથી નારાજ છે. ત્યારે કોંગ્રેસના કકળાટમાં બળતામાં ઘી હોમવાનું કામ ભાજપે કર્યું હતું અને દૂરથી ઉભા રહી મઝા લીધી હતી. અલ્પેશ ઠાકોર અંગે નીતિન પટેલે નામ લીધા વિના નિવેદન આપી કોંગ્રેસમાં ફેલાયેલા કકળાટને ઘેરો કર્યો હતો. જેના કારણે હાલ અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું તેડુ આવ્યું હતું. અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં કોંગ્રેસમાં એક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ઉપરથી ગુજરાતના ઠાકોરો પર તેમનું વર્ચસ્વ હોવાથી લોકસભાની ચૂંટણીમાં તે કોંગ્રેસને કામ આવી શકે છે, પરંતુ કેટલાક સમયથી કોંગ્રેસ મધપૂડાની માખીઓ જેવું કામ કરી રહી છે. જે એક જગ્યાએ ટકી અને ભેગી નથી થઈ રહી. ઉપરથી સિનીયરો અને નવોદિત નેતાઓ વચ્ચે કશ્મકશ ચાલી રહી છે. આવા માહોલમાં જો અલ્પેશ ભાજપમાં જોડાઈ જાય તો ગુજરાત કોંગ્રેસને ભોગવવાનો વારો આવી શકે તેવી સ્થિતિનું સર્જન થઈ શકે તેમ છે. એક સમયે નવસર્જન માટે પંકાયેલી કોંગ્રેસમાં જ વિસર્જનની સ્થિતિ પેદા થાય તેવું દિલ્હી હાઈકમાન્ડ કરવા નથી માગતી અને એટલે જ અલ્પેશને દિલ્હીનું તેડુ આવ્યું છે.

નીતિન પટેલના નિવેદનથી…

ગુજરાતમાં કોંગ્રેસમાં ડામાડોળ જેવી સ્થિતિ વચ્ચે ગત રોજ નવી દિલ્હી ખાતે બેઠક કરી કોંગ્રેસે આંતરિક નારાજગી ન હોવાનો ખુલાસો કર્યો હતો પણ આજે નીતિનભાઈએ કોંગ્રેસમાં આંતરિક કલહ મામલે મોટો ખુલાસો કર્યો હતો. નીતિનભાઈનો ઇશારો એ તરફ છે કે, કોંગ્રેસમાંથી કદાવર નેતાઓને ભાજપ લોકસભા પહેલાં ખેંચી શકે છે. નીતિનભાઈનું વિનેદન એટલા માટે સૂચક છે કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં કેટલાક ધારાસભ્યો સાથે જોડાય તેવી હવા ઉઠી હતી. આ દરમિયાન નીતિનભાઈના આ નિવેદને ગુજરાતના રાજકારણમાં ચકચાર મચાવી હતી. કોંગ્રેસનો ભૂતકાળ જ તૂટવાનો રહ્યો છે. શંકરસિંહથી લઇને બાવળિયા તેનું તાજું ઉદાહરણ છે. ભાજપની આ પંરપરા રહી છે કે, ભાજપ જીતવા માટે કોઇ પણ હદ સુધી જઈ શકે છે. ભાજપે અગાઉ પણ કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં સ્થાન આપ્યું છે. અલ્પેશ ઠાકોર મામલે નીતિનભાઈએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આ કામ સંગઠનનું છે. જેઓ તે કાર્યવાહી કરી શકે છે. ભાજપમાં જોડાવા ઇચ્છતા તમામનું સ્વાગત, નીતિનભાઈએ અસંતુષ્ટોને આપ્યું ખુલ્લેઆમ આમંત્રણ આપી દીધું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter