અમિત શાહને સાંભળશો તો લાગશે કે ભાજપ 50 વર્ષ સુધી સત્તામાં રહેશે, મોદીને કહી દીધા વિશ્વનેતા

દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે.  અધિવેશનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસના અધિવેશનમાં ભાજપ વરિષ્ઠ નેતાઓ હાજર છે. અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતાં જણાવ્યુ હતુ કે, એક સપ્તાહમાં સરકારે બે મહત્વના અને ઐતિહાસિક નિર્ણય લીધા છે. સરકારે ગરીબોને 10 ટકા અનામત અને જનતાના હિત માટે જીએસટીના દરમાં ફેરફાર કર્યા છે.

અમિત શાહે કહ્યું હતું કે, 2019નું યદ્ધ દાયકાઓ સુધી અસર છોડશે. માટે એનડીએના 35 પક્ષો નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એકજુથ છે. જ્યારે કોંગ્રેસ અને વિપક્ષ પાસે ના તો નેતા છે અને નાતો કોઈ નીતિ.

અધિવેશન માટે 100 ફૂટ પહોળો અને 40 ફૂટ લાંબું વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે. અધિવેશનને લઇને દિલ્હી પોલીસ તેમજ અર્ધલશ્કરી દળો તેમજ ડ્રોનની મદદથી રામલીલા મેદાનની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સાથે જ અસંખ્ય સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ કાર્યક્રમ તેમજ આસપાસના સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે. અધિવેશનમાં દેશભરના 10 હજારથી વધુ કાર્યકર્તાઓ રામલીલા મેદાનમાં આવ્યા છે.

અમિત શાહે દાવો કર્યો હતો કે, ભાજપ આગામી લોકસભાની ચૂંટણીએમાં 73 થી 74 બેઠકો જીતશે. સ્વચ્છતા, ગંગાના પાણીના શુદ્ધીકરણ, બેટી બચાઓ-બેટી પઢાઓ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરી શાહે ભાજપ સરકારના વખાણ કર્યા હતાં. દિલ્હીમાં 11,12ના રોજ 10 હજાર ભાજપના આગેવાનો એકઠા થયા છે. જેમના માટે વીવીઆઇપી સગવડો કરાઈ છે.

મોદી જેવો નેતા આખી દુનિયામાં નથી

સમગ્ર દુનિયામાં પીએમ મોદી જેટલા લોકપ્રિય નેતા બીજા કોઈ નથી. ગઠબંધન માત્ર એક મોહરૂ છે. ચૂંટણીમાં આપણી જીત સુનિશ્ચિત છે. દેશની જનતા પીએમ મોદીની પાછળ ખડકની જેમ ઊભી છે. ભાજપ ગરીબોના કલ્યાણ અને સાંસ્કૃતિક રાષ્ટ્ટ્રવાદને આગળ વધારવા ધારે છે જ્યારે વિપક્ષી નેતાઓ માત્ર સત્તા ખાતર જ એકજુથ થઈ રહ્યાં છે. આપણે આ તમામ ગઠબંધનોને ફગાવી દઇને આગળ વધીશું.

આજે 16 રાજ્યોમાં સરકાર છે

ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, મરાથા એક યુદ્ધ હાર્યા તો દેશ 200 વર્ષ સુધી ગુલામ રહ્યો. 2019ની સ્થિતિ આજે પણ કંઈક અંશે એવી જ છે. તેમણે કહ્યું હતું કે, 2014માં 6 રાજ્યોમાં ભાજપની સરકારો હતી. જ્યારે આજે 16 રાજ્યોમાં સરકાર છે. શાહે ભાજપના કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું કે, તમે 2019માં મોદીની સરકાર બનાવી દો, કેરળ સુધી ભાજપ સરકાર બનાવી લેશે.

અયોધ્યામાં એ જમીન પર જ બનશે રામ મંદિર

અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું કે, અમે ઘોષણા પત્રમાં રામ મંદિર માટે વાયદો કર્યો. ભાજપ ઈચ્છે છે કે તે સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે વહેલામાં વહેલી તકે સુનાવણી પૂરી થાય. અમે કહ્યું છે કે બંધારણીય રીતે રામ મંદિરનું નિર્માણ થશે. પરંતુ કોંગ્રેસ તેમાં અડચણ ઊભા કરી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter