GSTV
Porbandar ગુજરાત

પોરબંદરના ઉમેદવાર રમેશ ધડૂકે 500 કારના કાફલા સાથે ભર્યું ફોર્મ, રાદડિયાનું પત્તુ એમ જ નથી કપાયું

પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશભાઈ લવજીભાઈ ધડુકે ફોર્મ ભર્યું હતું. લેઉવા પટેલ જ્ઞાાતિના ૫૭ વર્ષીય આ ઉમેદવાર ધો. ૧૦ પાસ છે તથા તેઓ ૩૫.૭૩ કરોડની સંપતિ ધરાવે છે. તેમની પર ૨૧.૭૯ કરોડની લોન હોવાનું એફીડેવીટમાં દર્શાવાયું છે. એક પણ ફોજદારી ગુન્હો નોંધાયો નથી. તેઓ રીયલ એસ્ટેટ, ટ્રેડિંગ તથા ખેતીકામ સાથે સંકળાયેલા છે.તેમણેે ગોંડલથી ૫૦૦ કારના કાફલા અને બહોળી સંખ્યામાં આગેવાનો તથા ટેકેદારો સાથે પોરબંદર જઈ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. આ બેઠક પર રાદડિયા પરિવારનો દબદબો છે. આ વર્ષે જયેશ રાદડિયાને ટિકિટ આપવા માટે પાર્ટી તૈયાર હતી પણ પરિવાર નાના દિકરા લલિતને ટિકિટ આપવાની જીદ પર બેઠી હતી. આખરે મોવડી મંડળે આ પરિવારને જ સાઈડ કરીને રમેશ ધડૂકને ચાન્સ આપ્યો છે. ધડૂક ગોંડલના મોટા કરોડપતિ ઉમેદવાર છે.

એક કરોડની રકમ પ્રતિવર્ષ સરેરાશ આવક તરીકે જાહેર કરી

તેઓએ ઈન્કમટેક્સ વિભાગમાં છેલ્લા પાંચ વર્ષમાં ભરેલા રીર્ટનમાં પણ એક કરોડની રકમ પ્રતિવર્ષ સરેરાશ આવક તરીકે જાહેર કરી છે. એફીડેવીટમાં તેઓએ પોતાના નામે હાથ ઉપરની રોકડ રૂપિયા ૪.૯૦ લાખ અને પત્ની મંજુલાબેન પાસે ૧૮.૨૮ લાખની આશરે જાહેર કરી હતી. તેમજ ગોંડલ અને રાજકોટમાં આવેલા તેમના નામે બેંક ખાતાઓમાં માત્ર રૂપિયા ૧.૯૯ લાખ અને પત્નીના બેંક ખાતામાં માત્ર રૂ. ૧.૩૬ લાખ હોવાનું જાહેર કર્યું હતું તેમજ તેઓ પાસે ૧૫૦૦૦ની કિંમતના શેર અને પત્ની પાસે ૭૦૦૦ની રકમના શેર હોવાનું જાહેર કર્યું હતું. તેમજ રમેશભાઈ ધડુકે અલગ અલગ ૩૮ જેટલી કંપની, પેઢીમાં લોન આપી હોવાની રકમનો સરવાળો મળીને અધધધ ૧૬.૯૦ કરોડ આપ્યા હોવાનું જાહેર કર્યું છે તેમજ તેમના પત્નીએ પણ અલગ-અલગ ૬ વ્યક્તિઓને મળીને ૨.૪૧ કરોડ આપ્યા હોવાનું ફોર્મમાં જણાવાયું છે.

Ramesh Dhaduk

૧૭.૫૩ કરોડની જંગમ મિલ્કત

રમેશભાઈ ધડુક પાસે મોટરકારમાં જેટા જેની કિંમત ૧૨.૫૨ લાખ તેમજ સ્ક્વોડા રેપીડ જેની કિંમત ૪.૯૫ લાખ અને ટોયોટા ફોર્ચ્યુનર કાર કિંમત રૂ. ૨૫.૪૪ લાખની મળીને તેમની પાસે કુલ ૪૨.૯૩ લાખના વાહનો હોવાનું જાહેર કર્યું છે. તેમજ સોના-ઝવેરાતની લગડીઓ ૩૫૫ ગ્રામ જેની કિંમત ૧૨.૬૬ લાખની જાહેર કરતા તેઓ પાસે કુલ ૧૭.૫૩ કરોડની જંગમ મિલ્કત હોવાનું અને પત્ની પાસે ૨.૬૦ કરોડની જંગમ મિલ્કત જાહેર થઈ છે.

15.6 કરોડ રૂપિયાની છે જમીન

રમેશભાઈ ધડુકે રજુ કરેલ એફીડેવીટમાં સ્થાવર મિલ્કતમાં અનેક ગામમાં કૃષિની જમીન હોવાનું જાહેર થયું છે જેમાં ઘોઘાવદર, વસ્ત્રાલ, રાજકોટ, પાલ, અડાજણ, આહવા, પીપળીયાપાળ, ગુંદાળા, ખાંભા, બીલીયાણા, સુરતની મળીને કુલ અંદાજીત વર્તમાન બજાર કિંમત ૭.૦૪ કરોડ જાહેર કરાઈ છે તેવી જ રીતના તેમના પત્ની મંજુલાબેનના નામ ઉપર અનેક ગામોમાં ખેતીની અને વિકાસ, બાંધકામ મિલ્કત મળીને ૮.૫૬ કરોડનું જાહેર કરવામાં આવ્યું છે તેથી બન્નેની મળીને ૧૫.૬ કરોડની જમીન હોવાનું એફીડેવીટમાં જણાવાયું છે.

કુલ ૫૦ વ્યક્તિ અને પેઢીનો સમાવેશ થાય

આ ઉપરાંત એફીડેવીટમાં તેઓએ જાહેર નાણાકીય સંસ્થાઓ અને સરકાર પ્રત્યેની આર્થિક જવાબદારીઓ તેમજ બાકી નિકળતી રકમની પણ વિગત દર્શાવી છે જેમાં તેઓને રાજકોટની ધી કો.ઓપ. બેંકને લોનની બાકી નિકળતી રકમ ૪૭.૬૨ લાખની જાહેર કરાઈ છે તેમજ તેઓએ અન્ય વ્યક્તિઓ અને પેઢીઓ પાસેથી લોન લીધી હોય અને તે પરત કરવાની હોય તે રકમ પણ કરોડો રૂપિયાની જાહેર કરીને કુલ ૧૬.૪૧ કરોડની જાહેર કરી છે જેમાં કુલ ૫૦ વ્યક્તિ અને પેઢીનો સમાવેશ થાય છે અને પત્ની મંજુલાબેનને અનેક વ્યક્તિઓને આપવા પાત્ર થતી રકમ મળીને ૩.૫૯ કરોડની જાહેર કરી છે. તેમજ અન્ય આર્થિક જવાબદારીમાં પણ તેઓએ પોતાના નામ ઉપર ૯.૩૯ લાખ જાહેર કર્યા છે અને પત્નીના નામ ઉપર ૧.૨૨ કરોડ જાહેર કર્યા છે તેવી જ રીતેના તેઓની ભરવાપાત્ર જવાબદારીઓનો સરવાળો મળીને પોતાના નામ ઉપર ૧૬.૯૮ કરોડ અને પત્નીના નામ ઉપર ૪.૪૧ કરોડની રકમ જાહેર કરી છે.

Ramesh dhaduk

પત્નીની સ્વઉપાર્જીત સ્થાવર મિલ્કતની ખરીદી ૧.૪૯ કરોડ

રમેશભાઈ ધડુકે વ્યવસાયમાં રીયલ એસ્ટેટ તથા ટ્રેડીંગ અને ખેતીકામ કરતા હોવાનું જણાવ્યું છે અને પત્ની ઘરકામ અને ખેતીકામ અને પોતે ધો. ૧૦ પાસ હોવાનું જાહેર કર્યું છે અને તેઓએ છેલ્લુ ૨૦૧૭-૧૮નું ઈન્કમટેક્સના રીર્ટનમાં ૧.૧૩ કરોડની આવક અને પત્નીએ ૩.૫૫ લાખની આવક જાહેર કરી છે. તેમજ રમેશભાઈ ધડુકની મિલ્કત અને આર્થિક જવાબદારીઓની વિગતમાં સ્થાવરમાં જંગમ મિલ્કત ૪૨.૯૩ લાખ, સ્વઉપાર્જીત સ્થાવર મિલ્કત ખરીદી ૩.૭૨ કરોડ અને કુલ અંદાજીત બજાર કિંમત સ્વઉપાર્જીતની ૬.૯૯ કરોડની હોવાનું જણાવાયું છે જ્યારે પત્નીની સ્વઉપાર્જીત સ્થાવર મિલ્કતની ખરીદી ૧.૪૯ કરોડ અને તેમાં ખરીદી બાદનો વિકાસ રૂ. ૩.૬૮ કરોડની મળીને અંદાજીત બજાર કિંમત ૮.૫૬ કરોડની જાહેર કરાઈ છે અને બન્નેની આર્થિક જવાબદારીઓમાં રમેશભાઈ ધડુકની કુલ ૧૬.૯૮ કરોડની અને તેમના પત્ની મંજુલાબેનની ૪.૮૧ કરોડની જાહેર કરાઈ છે.

કુલ ૬ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા

ભાજપના ઉમેદવારના સમર્થનમાં આજે ગોંડલમાં તેમના સમર્થકો સવારથી ઉમટી પડયા હતા. તેમણે મોટી સંખ્યામાં આગેવાનો ટેકેદારોને લઈ ૫૦૦થી વધુ કારના કાફલા સાથે પોરબંદર જઈને બપોરે ફોર્મ ભર્યુ હતું. ફોર્મ ભરતા પૂર્વે તેમણે પોરબંદરના સુદામા ચોકમાં જાહેરસભા યોજી હતી અને ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ ઉપરાંત પોરબંદર લોકસભા બેઠક માટે ગુજરાત પંચાયત પાર્ટી તરફથી ભાર્ગવ સુરેશચંદ્ર જોષીએ ફોર્મ ભર્યુ હતું તથા બોખીરીયા બાબુભાઈ, ભીમાભાઈએ પણ ફોર્મ ભરતા આજે કુલ ૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ૩ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. આમ પોરબંદર બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૬ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા છે.

Related posts

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk
GSTV