અમારો ઉદ્દેશ કચરાને કંચન બનાવવાનો છે : વડાપ્રધાન મોદી

કુરુક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપ્યો હતો. તેમણે આ દરમિયાન વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે જે ભ્રષ્ટ છે તેને જ મોદીથી કષ્ટ છે. કેટલાક દાગી લોકો મોદીને ગાળો આપી રહ્યા છે, તપાસ એજન્સીઓને ધમકાવવામાં અને ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવવામાં લાગી ગયા છે. જોકે હું નથી ડરતો અને આવા લોકો વિરુદ્ધ તપાસ વધુ ઝડપી બનાવવામાં આવશે. આ સાથે જ મોદીએ નામ લીધા વગર ગાંધી પરિવાર પર પણ પ્રહારો કર્યા હતા. 

મોદીએ જણાવ્યું હતું કે કેટલાક લોકોને લાગી રહ્યું છે કે દેશનો ઇતિહાસ ૧૯૪૭ પછી જ શરૃ થયો છે અને એક જ પરિવારની આસપાસ છે. અમારો ઉદ્દેશ કચરાને કંચન બનાવવાનો છે. અહીં આયોજીત સ્વચ્છ શક્તિ ૨૦૧૯માં સ્વચ્છતાનો મંત્ર આપતા વિરોધીઓ પર મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે તમે મને દેશનો ચોકીદાર બનાવી દીધો, જોકે કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે મારા પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ એવા લોકો છે કે જેને મોદીથી ડર લાગી રહ્યો છે. જે લોકો ભ્રષ્ટ છે તેને જ મોદીની કષ્ટ છે. 

મોદીએ સંબોધન આપતા કહ્યું કે સાડા ચાર વર્ષ પહેલા તમે સંપૂર્ણ બહુમત વાળી સરકાર બનાવી, ઇમાનદારી વાળી સરકાર બનાવવા માટે તમે મત આપ્યા, અમે આ જ વિશ્વાસને ધ્યાનમાં રાખીને વચેટીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને ભ્રષ્ટ લોકોને જેલમાં નાખ્યા. ઇમાનદાર લોકો છે તેમને આ ચોકીદાર પર પુરો વિશ્વાસ છે પણ જે લોકો ભ્રષ્ટ છે તેને જ મોદીથી કષ્ટ છે. મોદીએ દાવો કર્યો હતો કે દેશમાં સ્વચ્છતાની લિમિટ ૪૦ ટકાથી વધીને હવે ૯૦ ટકા થઇ ગઇ છે. 

મોદીએ દાવો કર્યો હતો કે સ્વચ્છતા મિશનથી લોકોને રોજગારી પણ મળી છે અને આશરે ૪૫ લાખ લોકોને આ રોજગારીની તક મળી છે. દરમિયાન મોદીએ મહિલાઓની સુરક્ષા માટે હરિયાણાની ભાજપ સરકારે પગલા લીધા હોવાનો દાવો કર્યો હતો. અને તેના વખાણ કર્યા હતા.મોદીએ અહીં રિમોટ કન્ટ્રોલની મદદથી સાત નાની મોટી યોજનાઓ અને પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter