શ્રાવણ મહિનામા શિવજી પર દૂધ અને બિલીપત્ર પર વિપુલ માત્રામાં ચઢાવવામાં આવેછે. બિલીપત્ર પર શિવ પંચાક્ષર મંત્ર લખવાનું પણ આગવું માહાત્મય છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે શિવજીને બિલીપત્ર કેમ ચઢે છે અને આ બિલ્વપત્ર ક્યાંથી આવ્યા છે. તો ચાવલો વાચકોને જણાવીએ કે ‘એક બિલ્વં શિવાર્પણમ’ કહીને અર્પણ થતા બિલીપત્રનું ઉદભવ સ્થાન આખરે ક્યાં છે.
બિલીપત્રની પૌરાણિક કથા
સ્કંદપુરાણ પ્રમાણે એક વાર માતા પાર્વતી મંદરાચળ પર્વત પર વિહાર કરી રહ્યા હતા. ત્યારે તેમના પરસેવાના કેટલાંક ટીંપાં મંદરાચળ પર્વત પર પડ્યા હતા. અને તેમાંથી આ બિલીપત્રનું ઝાડ ઉતપન્ન થયું હતું. આથી એવું મનાય છે કે માતા પાર્વતીમાંથી જ આ ઝાડ ઉગ્યું હતું અને તેથી તેમાં માતા પાર્વતની બધા જ સ્વરૂપોનો વાસ હોય છે. બિલીપત્રના ઝાડના મૂળમાં ગિરીજા સ્વરૂપમાં, તેના રેસામાં માહેશ્વરીના સ્વરૂપમાં અને શાખાઓમાં દક્ષિણાયની અને બિલીના પાનમાં પાર્વતીના સ્વરૂપે રહે છે.
ફળોમાં કાત્યાયની સ્વરૂપ અને ગૌરી સ્વરૂપ નિવાસ કરે છે. આ બધા રૂપ ઉપરાંત મા લક્ષ્મીનું રૂપ સમસ્ત વૃક્ષમાં નિવાસ કરે છે. બિલીપત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ હોવાને લીધે તેને ભગવાન શિવ પર ચઢાવવામાં આવે છે. ભગવાન શિવ પર બિલીપત્ર ચઢાવવાથી ભોળાનાથ અતિ પ્રસન્ન થાય છે. અને ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જે વ્યક્તિ કોઈ તીર્થસ્થાનમાં નથી જઈ શકતા તેઓ શ્રાવણ માસમાં બિલીપત્રના ઝાડના મૂળના ભાગની પૂજા કરીને તેમાં જળ રેડે છે તેને બધા તીર્થોના દર્શનનું પુણ્ય મળે છે.