GSTV
Home » News » બીલ ગેટ્સનું વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિકનું સ્થાન છીનવાયું, સાત વર્ષમાં પહેલી વખત બિલિયોનર ઈન્ડેક્સમાં ગેટ્સ ત્રીજા સ્થાને ખસ્યા

બીલ ગેટ્સનું વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિકનું સ્થાન છીનવાયું, સાત વર્ષમાં પહેલી વખત બિલિયોનર ઈન્ડેક્સમાં ગેટ્સ ત્રીજા સ્થાને ખસ્યા

માઈક્રોસોફ્ટના સ્થાપક બીલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક તરીકેનું સ્થાન છીનવાઈ ગયું છે. લગભગ સાત વર્ષમાં પહેલી વખત બીલ ગેટ્સને આવો ઝટકો વાગ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના નવા આંકડા મુજબ બીલ ગેટ્સ હવે ત્રીજા ક્રમે આવી ગયા છે. ફ્રાન્સના બર્નાર્ડ અર્નાલ્ટ એક સ્થાન ઉપર આવી બીજા ક્રમે પહોંચી ગયા છે. મહત્વની બાબત એ છે કે ગયા મહિને જ બર્નાર્ડ અર્નાલ્ટ ટોપ-૩ ક્લબમાં જોડાયા હતા.

ફ્રાન્સના અર્નાલ્ટે ટોપ-૩ ક્લબમાં જોડાયાના એક જ મહિનામાં બીજું સ્થાન મેળવ્યુંઃ વિશ્વના ૧૦૦ અબજપતિઓમાં ભારતના મુકેશ અંબાણી, અંઝિમ પ્રેમજી, શિવ નાદર અને ઉદય કોટકનો સમાવેશ

બર્નાર્ડ અર્નાલ્ટ લક્ઝરી ગૂડ્સ કંપની એલવીએમએચ (લુઈ વિટન મોએત હેનેસી)ના ચેરમેન અને સીઈઓ તરીકે ઓળખાય છે. ૭૦ વર્ષના અર્નાલ્ટની આ કંપની ફ્રાન્સમાં ખૂબ જ ચર્ચાસ્પદ છે. ફોર્બ્સ મેગેઝીન મુજબ બર્નાર્ડ અર્નાલ્ટે ૧૯૮૪માં લક્ઝરી ગૂડ્સ માર્કેટમાં પગ મૂક્યો હતો. ત્યાર બાદ તેમણે ટેક્સટાઈલ ગૂ્રપ હસ્તગત કર્યું હતું.

અર્નાલ્ટની સંપત્તિ હાલ કેટલી!

બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના બુધવારના આંકડા મુજબ બર્નાર્ડ અર્નાલ્ટની કુલ નેટવર્થ ૧૦૮ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. ઈ-કોમર્સ કંપની અમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હજી પણ ટોચ પર છે. હાલમાં બેઝોસની કુલ સંપત્તિ ૧૨૫ અબજ ડોલર છે. બીલ ગેટ્સ ૧૦૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. 

બ્લૂમબર્ગ મુજબ અર્નાલ્ટે વર્ષ ૨૦૧૯માં તેમની નેટવર્થમાં ૩૯ અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. બ્લૂમબર્ગની યાદીમાં સામેલ ૫૦૦ ધનિકોમાં એકલા અર્નાલ્ટ છે, જેમણે આટલા ઓછા સમયમાં તેમની નેટવર્થમાં આટલો વધારો કર્યો છે. બીલ ગેટ્સ ત્રીજા નંબરે ખસવા પાછળનું એક મહત્વનું કારણ તેમની સખાવતી પ્રવૃત્તિઓ પણ છે. ગેટ્સે ૩૫ અબજ ડોલરથી વધુ રકમનું દાન બીલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને આપ્યું હતું. 

જેફ બેઝોસ પર પણ જોખમ

બર્નાર્ડ અર્નાલ્ટની નેટવર્થમાં વૃદ્ધિની જે ઝડપ જોવા મળી રહી છે તે જળવાઈ રહેશે તો અમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું સ્થાન પણ જોખમમાં મુકાઈ શકે છે. હકીકતમાં આ વર્ષે બેઝોસની નેટવર્થમાં સામાન્ય વધારો નોંધાયો હતો જ્યારે પત્ની મેકેંઝી બેઝોસ સાથે તેમના છૂટાછેડાના સેટલમેન્ટમાં પણ જંગી ખર્ચ થયો હતો. સેટલમેન્ટ પછી મેકેંઝી દુનિયાની ચૌથી સૌથી ધનિક મહિલા બની ગઈ છે.

વિશ્વના ટોપ-૧૦ની ક્લબથી મુકેશ અંબાણી માત્ર ત્રણ સ્થાન દૂર

સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં ૧૩મા સ્થાને છે. વિશ્વના ટોપ-૧૦ અબજોપતિઓની ક્લબમાં સ્થાન મેળવવાથી હવે તે માત્ર ત્રણ જ ક્રમ દૂર છે. મુકેશ અંબાણીની નેટવર્થ હાલ ૫૧.૮ અબજ ડોલર છે. ભારતના બીજા સૌથી ધનિક અઝિમ પ્રેમજી આ યાદીમાં ૨૦.૫ અબજ ડોલરની સંપત્તિ સાથે ૪૮મા ક્રમે છે અને ત્યાર બાદ શિવનાદર ૧૪.૫ અબજ ડોલરની નેટવર્થ સાથે ૯૨મા અને ઉદય કોટક ૧૩.૮ અબજ ડોલરની નેટવર્થ સાથે ૯૬મા ક્રમે છે. આમ, બ્લૂમબર્ગની વિશ્વના ૧૦૦ અબજપતિઓની યાદીમાં ચાર ભારતીયોએ સ્થાન મેળવ્યું છે.

READ ALSO

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

ધોરણ 10 અને 12ના પેપરોની રિચેકિંગની પ્રક્રિયા થઈ પૂર્ણ ,પરંતુ શિક્ષકોની લાપરવાહી આવી સામે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!