GSTV
GSTV લેખમાળા Trending Uncategorized

ઊર્જા/ મીઠાંમાંથી પરમાણુ વીજળી પેદા કરાશે, બિલ ગેટ્સ-વોરેન બફેટનો 1 અબજ ડોલરનો પ્રોજેક્ટ

વીજળી ક્યાંથી મેળવવી? આખા જગત સામે એ કઠીન પ્રશ્ન છે કેમ કે અત્યારે જે કોલસા સહિતના વિવિધ સ્રોતોમાંથી વીજળી મળે છે એ લાંબો સમય કામ આપી શકે એમ નથી. જગતના બે મોટા અબજપતિ બિલ ગેટ્સ અને વોરેન બફેટે જગત સમક્ષ નવો વિકલ્પ રજૂ કર્યો છે

અત્યારે ભારતમાં પેદા થતી વીજળીમાંથી 55 ટકાથી વધારે વીજળી કોલસો બાળીને પેદા કરાય છે. કોલસો બળે એટલે હવામાં કાર્બન ફેલાય, પ્રદૂષણ પણ થાય. એ સિવાય નેચરલ ગેસ દ્વારા પેદા થાય છે અને પવન, સૌર ઊર્જા વગેરે વિકલ્પો પણ છે. બીજી તરફ ઘણા દેશોએ કોલસાનો વપરાશ સાવ ઓછો અને કોસ્ટારિકા જેવા કેટલાક દેશોએ ઝીરો કરી દીધો છે. તો પણ સમગ્ર વિશ્વની અંદાજે 40 ટકા વીજળી કોલસામાંથી આવે છે.

કોલસો વપરાતો બંધ થાય એટલે વિવિધ વિકલ્પો પર કામગીરી ચાલે છે. એમાં એક નવો વિકલ્પ અમેરિકાના બે માંધાતા અબજપતિ બિલ ગેટ્સ અને વોરેન બફેટે રજૂ કર્યો છે. આ વિકલ્પનું નામ છે ન્યટ્રિયમ ન્યુક્લિયર પાવર રિએક્ટર. ટૂંકમાં આ ન્યુટ્રિયમ પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. નામ ગમે તે હોય પણ સૌથી રસપ્રદ વાત એ છે કે તેમાં મીઠું (સોડિયમ) વપરાવવાનું છે.

વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે બિલ-બફેટે ભેગા થઈને આ પ્રોજેક્ટની જાહેરાત કરી. આમ તો વર્ષોથી તેના પર કામ ચાલતુ જ હતું. પણ હવે બન્નેએ જાહેર કર્યું છે કે જગતનો પ્રથમ ન્યુટ્રિયમ પ્લાન્ટ અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં સ્થપાશે. આ રાજ્ય અમેરિકાનું સૌથી મોટુ કોલસા ઉત્પાદક છે. એટલે ત્યાં સ્થાપીને કોલસાનો વપરાશ ઘટાડવાનો સંદેશો પણ આપી શકાય. પ્રોજેક્ટ માટે વળી કોલસાના બંધ પડેલા પ્લાન્ટની જ જમીન પસંદ કરવામાં આવી છે.

બિલ-બફેટ લગભગ પંદરેક વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. એ માટે અંદાજે 1 અબજ ડોલર ખર્ચ કરવાનો થશે. પણ બિલ-બફેટનો સમાવેશ જગતના સૌથી વધુ સંપતિ ધરાવતા ટોપ મહાનુભાવોમાં થાય છે. એમના માટે શું એક અબજ કે શું દસ અબજ.. એ ખર્ચ કરી શકે એમ છે. બિલ ગેટ્સ વતી કામકાજ તેમની કંપની ટેરાપાવર અને વોરેન બફેટ વતી તેમની કંપની પેસિફિકોર્પ આ કામગીર આગળ ધપાવશે.

નવતર પ્રકારનો ન્યુક્લિયર પ્લાન્ટ

પ્રોજેક્ટને ન્યુટ્રિયમ નામ આપીને પેટન્ટ પણ લઈ લેવામાં આવી છે. નામ પ્રમાણે જ આ એક પરમાણુ રિએક્ટર આધારીત ઊર્જા પેદા કરનારો પ્લાન્ટ બનશે. પણ તેમાં મુખ્ય કામગીરી સોડિયમ અર્થાત મીઠું કરશે. પ્રોજેક્ટ ચાલુ થયા પછી 350 મેગાવોટથી માંડીને 500 મેગાવોટ સુધીની ઊર્જા પેદા કરી શકાશે.

હકીકતે આ એક પ્રકારનો પરમાણુ પાવર પ્લાન્ટ જ છે. અત્યારના પરમાણુ પાવર પ્લાન્ટ અતિ જોખમી, ટેકનોલોજીની દૃષ્ટિએ ખાસ્સા અઘરા અને મોંઘા છે. એટલે દરેક દેશ એ પ્લાન્ટ શરૃ કરી શકતો નથી. વળી જાપાનમાં ફૂકુશિમા પરમાણુ પ્લાન્ટમાં 2011માં થયેલા પ્રચંડ અકસ્માત પછી અનેક દેશોએ પોતાના પરમાણુ પ્લાન્ટને તાળાં મારવાના શરૃ કરી દીધા છે. એ વચ્ચે આ નવો પ્લાન્ટ અત્યારના પરમાણુ પ્લાન્ટની કામગીરી વધારે સરળ કરી વધુ ઊર્જા પેદા કરી આપશે એવો વિજ્ઞાનીઓનો મત છે.

બીજો લાભ એ પણ ગણાવાય છે કે આ પ્લાન્ટમાં કુદરતી યુરેનિયમ અને જરા નબળી ગુણવત્તાનું કહી શકાય એવુ યુરેનિયમ વપરાશે. પરમાણુ પ્લાન્ટ માટે શુદ્ધ યુરેનિયમ જોઈએ, જે શુદ્ધ કરવામાં જ ટેકનોલોજી અને મોટું બજેટ જોઈએ. તેની સામે આ પ્લાન્ટમાં સસ્તું યુરેનિયમ વપરાશે. વળી પ્લાન્ટ અલગ અલગ ભાગમાં વહેંચાશે, જેથી અકસ્માતની શક્યતા ઓછી થશે. ઉપરાંત તેનું સંચાલન સરળ બનશે.

આ પ્રોજેક્ટ અત્યારે મોલ્ટન સોલ્ટ રિએક્ટર (પીગળતાં મીઠાં આધારિત રિએક્ટર) તરીકે ઓળખાય છે. બિલ-બફેટ કંઈ રાતોરાત તેમાં અબજો ડોલરનું રોકાણ નથી કરી રહ્યા. હકીકત એવી છે કે અમેરિકાની ઓક રિજ નેશનલ લેબોરેટરીમાં મોલ્ટન સોલ્ટ રિએક્ટરના સફળ પ્રયોગો થયા છે.

વર્તમાન પરમાણુ પ્લાન્ટ કરતા સલામત

પરમાણુ પ્લાન્ટમાં ચેઈન રિએક્શન દ્વારા ઊર્જા પેદા થાય એ જાણીતી વાત છે. સતત ન્યુટ્રોન પેદા થતા રહે અને ઊર્જા પેદા કરતા રહે. મોલ્ટન સોલ્ટ રિએક્ટરમાં ઓગાળેલું સોડિયમ (મીઠાંવાળું પાણી) ભરી રાખવામાં આવે છે. વિસ્ફોટ સર્જી શકે એવા હાઈડ્રોજન, વરાળનું દબાણ વગેરે આ પ્લાન્ટમાં હળવું રહેવાનું છે. પરમાણુ પ્લાન્ટમાં તાપમાન બેકાબુ બને ત્યારે વિસ્ફોટ સર્જાતો હોય છે. એ તાપમાન બેકાબુ બને એ પહેલા જ ઓછું કરવાનું કામ મોલ્ટન સોલ્ટ કરશે.

પ્લાન્ટમાં વળી વિવિધ ડિઝાઈન પણ ઉપલબ્ધ છે, જે જરૃર મુજબ વાપરી શકાય. જેમ કે એક ડિઝાઈન એવી છે, જેમાં થોરિયમ વાપરી શકાય. ધરતી પર યુરેનિયમનો જથ્થો મર્યાદિત છે, પણ થોરિયમ તેના કરતાં ત્રણગણુ વધારે છે. ભારત જેવા દેશોમાં પણ તેનો જથ્થો છે. અત્યારના પરમાણુ પ્લાન્ટને રિ-ફ્યુલ કરવા બંધ કરવા પડે, મોલ્ટ સોલ્ટ રિએક્ટરમાં ચાલુ પ્લાન્ટે જ એ કામગીરી કરી શકાય.

તો આવી ઊર્જા ક્યારે મળતી થશે?

આવા કોઈ મોટા પ્રોજેક્ટનું પરિણામ તુરંત નથી આવતું. આ પ્રોજેક્ટ પણ શરૃ થતા સાત વર્ષ લાગશે. પરંતુ સાત વર્ષેય એ જો આશાસ્પદ પરિણામ આપે તો સમય અને ખર્ચ લેખે લાગશે. કેમ કે અનેક દેશો પોતાનું કાર્બન ઉત્પાદન 2030, 2040, 2050 સુધીમાં ઘટાડવા માંગે છે. એ માટે લાંબાગાળા સુધી કામ આપી શકે અને પ્રદૂષણ બિલકુલ ન ફેલાવે એવા ન્યુટ્રિયમ પ્રોજેક્ટ જેવા વિકલ્પો હાથ ધરવા જ પડે.

અમેરિકી સરકાર પણ આ પ્રોજેક્ટમાં રસ ધરાવે છે. અમિરકી ઊર્જા વિભાગે પ્રોજેક્ટ માટે આઠ કરોડ ડોલરની મદદ પણ કરી છે. તો વળી વ્યોમિંગ રાજ્ય અત્યારે વધારે કાર્બન ઉત્સર્જન માટે બદનામ છે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્ય પોતાની ઈમેજ સુધારવા માંગે છે. ભવ્ય પ્રોજેક્ટ હોવાથી નોકરીઓ સર્જાશે અને બીજી તકો પણ સર્જાશે એ પણ નક્કી છે.

અત્યારે એક મોટી માથાકૂટ ન્યુક્લિયર વેસ્ટ (પરમાણુ કચરા)ની છે. દરેક પરમાણુ પ્લાન્ટમાંથી નીકળતો કચરો હજારો વર્ષ સુધી નડ્યા કરે. આવા કચરાનો કાયમી નિકાલ થઈ શકતો નથી. તેમાંથી નીકળતો કચરો સાચવી શકાય, સલામત રાખી શકાય એવી જ્ગ્યાઓ આપણી પાસે નથી. એટલે અત્યારે તો કેટલાક દેશોમાં ગુફાઓમાં તો ક્યાંક જમીન નીચે ભુગર્ભ ટનલમાં તેનો ઢગલો કરવામાં આવે છે. નવા પ્લાન્ટ દ્વારા પણ પરમાણુ નીકળશે, પરંતુ એ હજારોને બદલે અમુક સો વર્ષમાં જ નાશ પામશે. એટલે ઓછો હાનિકારક છે એમ કહી શકાય.

વિસ્ફોટ થશે તો?

દરેક મોટા પ્રોજેક્ટની શરૃઆત પહેલા સત્તર પ્રકારના વિચાર કરવા પડે અને સવાલ પણ ઉભા થાય. અમેરિકામાં જ કેટલાક વિજ્ઞાનીઓ આ પ્રોજેક્ટ અંગે શંકા કરી રહ્યા છે. યુનિયન ઓફ કન્સર્ન્ડ સાયન્ટિસ્ટ (દેશની ચિંતા કરનારા વિજ્ઞાનીઓનું સંગઠન) કહે છે કે આ પ્લાન્ટ દ્વારા અત્યારા ન્યુક્લિયર પ્લાન્ટ દ્વારા પેદા થાય છે, તેનાથી પણ વધારે ખતરો પેદા થશે. એટલે આ પ્રોજેક્ટ જેટલો રુડો-રૃપાળો-રંગીલો દર્શાવાય છે, એટલો છે નહીં. હકીકત એ છે કે દરેક પ્રોજેક્ટ સાથે નાનો-મોટો ખતરો હોવાનો જ. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખતરા ઓછા થાય એ માટે પણ વિજ્ઞાનીઓ કામ કરે જ છે.

Read Also

Related posts

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk
GSTV