GSTV

Travel Diary-4 / સાવ ફસાઈ ગયા હોય એવું લાગતું હતું, રૃમ છેક બીજા માળે અને ત્યાં સામાન જાતે ચડાવવાનો હતો.. બાથરૃમમાં પણ પાણી ગેરહાજર હતું!!

Last Updated on July 28, 2021 by Lalit Khambhayata

(Travel- ભાગ-4)
દિવસ- ત્રીજો
તારીખ- ૨૯ મે, ૨૦૧૯
આજનો પ્રવાસ- મુક્તસર સાહિબથી ફરિદકોટ, તરનતારન, અમૃતસર, ગુરુદાસપુર, પઠાણકોટ, કઠુઆ, સાંબા થઈને જમ્મુ
દિવસમાં કાપેલુ અંતર- ૩૭૦ કિમી
રાત્રિ રોકાણ- જમ્મુ

વહેલી સવારે તૈયાર થઈને બાઈક પર સામાન ગોઠવ્યો અને ફેસબુકમાં પ્રથમ પોસ્ટ કરી કે હું લદ્દાખ જવા નીકળ્યો છું અને અત્યારે બાઈક લઈને પંજાબ પહોંચી ગયો છું. હોટલના માલિક સાથે જમ્મુ જવાના રસ્તા પૂછ્યા. હોટલના માલિકે મને મુક્તસર સાહિબથી ફરિદકોટ, તરનતારન થઈને અમૃતસર જવાનું સૂચન કર્યું.

હું ફરિદકોટ જવા આગળ નીકળ્યો. સવારનો સ્કૂલનો ટ્રાફિક હતો, અહીં પણ હું રસ્તો ભૂલી ગયો. ફોર લેન હાઈવે મળી રહ્યો નહોતો. થોડીવારમાં ફરિદકોટ પહોંચ્યો. ત્યાંથી ખબર પડી કે થોડે દૂર એક નવો ફોર લેન હાઈવે બન્યો છે, જે સીધો જ અમૃતસર થઈને જમ્મુ જાય છે. અહીં મને દિશા ભ્રમ થયો. ડાબી બાજુ જવાનું હતું, પણ એમ લાગ્યું કે જમણી બાજુ જ જવું જોઈએ. પણ વિશાળ સાઈન બોર્ડ ખોટું બોલતું નહિ હોય, એવા વિશ્વાસ સાથે ડાબી બાજુ અમૃતસરની દિશામાં બાઈક હંકારી.

બાઈક ૭૦થી ૮૦ની ઝડપે ચાલી રહી હતી, ચારે બાજુ હરિયાળી હતી. નાના-નાના ગામડાં અને નગરો આવી રહ્યા હતા. ભૂખ લાગી રહી હતી. ગઈ કાલે પંજાબ સરહદેથી રાસબરી અને આલુ નામના ફળ લીધેલા. જે થેલીમાંથી ઝભ્ભામાં ભર્યા અને ચાલુ બાઈકે જ ખાવા લાગ્યો. રોકાવાનો સમય નહોતો. પણ થોડીવારમાં સમજાયું કે હેલ્મેટનું વાઈપર ખોલીને ખાવામાં સમય બગડી રહ્યો છે, એટલે એક બસ સ્ટેન્ડ પર બેસીને ફળ ખાધા અને આગળ વધ્યો.

રાજકોટથી આવનાર મિત્રો તેમની બુલેટ સાથે ગઈ કાલે જ ટ્રેનમાં બેસી ગયેલા. એમની સાથે ફોન પર વાત થયેલી. ટ્રેન આજે બપોરે ૩ વાગ્યાની આસપાસ જમ્મુ પહોંચવાની હતી. જમ્મુ-કાશ્મીરમાં માત્ર પોસ્ટપેઈડ મોબાઈલનું જ સીમ ચાલે છે. એટલે જમ્મુ-કાશ્મીરની સરહદ શરૂ થતાં જ મારુ પ્રીપેઈડ કાર્ડ બંધ થઈ જવાનું હતું. એ લોકોને મળીને પોસ્ટપેઈડ સીમ કાર્ડ લેવાનું હતું અને રાત જમ્મુમાં રોકાવાનું હતું. ટ્રેન તો એની લયમાં પહોંચી જ જવાની હતી. મારે મારી બાઈક પર પહોંચવાનું હતું. (મેં અમદાવાદમાં બીએસએનએલ પોસ્ટપેઈડનું કાર્ડ મેળવવાના ઘણાં પ્રયત્નો કરેલા, પણ એ મોટા પગારવાળા સરકારી બાબુઓ નાટક કરી રહ્યા હતા અને મને એક વિસ્તારથી બીજા વિસ્તારની ઓફિસમાં ધક્કા ખવડાવી રહ્યા હતા. અનેક પ્રયત્નો છતાં મને અમદાવાદથી બીએસએનએલનું પોસ્ટપેઈડ કાર્ડ ન મળતા મિત્ર સાથે રાજકોટથી મંગાવવું પડેલું.)

જમ્મુનું રેલવે સ્ટેશન

થોડીવારમાં અમૃતસર શહેર આવ્યું. દૂરથી ગુરુદ્વારાના દર્શન કર્યા અને ભવિષ્યમાં બીજીવાર આવીશ, એવું વિચારીને આગળ વધ્યો, કારણ કે આ વિશાળ ગુરુદ્વારાના દર્શનમાં ૩-૪ કલાક જેટલો સમય થાય છે. આગળ જતા વાઘા-અટારી (ભારત-પાકિસ્તાન સરહદ) તરફ જવાનો રસ્તો દેખાયો, પણ મારી મંજિલ અત્યારે બીજી હતી. ગરમીમાં તરસ લાગી રહી હતી, સ્ટીલની બોટલમાંથી પાણી ખલાસ થઈ ગયેલ. શેરડીના રસવાળો ભાઈ દેખાયો, ત્યાં શેરડીના રસના ૩-૪ ગ્લાસ પી ગયો, એક બોટલ શેરડીનો રસ  પણ ભરાવ્યો અને આગળ વધ્યો, જમવાનો સમય જ નહોતો.

અમૃતસર વટાવ્યા પછી ગુરુદાસપુરની દિશામાં આગળ વધ્યો. જમવાના બદલે ગમે તેમ પેટ ભરતો હતો, પણ હવે કકડીને ભૂખ લાગી હતી. એટલે એક જગ્યાએ છાંયડો જોઈને બાઈક ઉભી રાખી, બાજુમાં જ ગુરુદ્વારા હતું, ગુરુવાણી સંભળાઈ રહી હતી. મેં મારો થેલો ખોલીને જમવાનું કાઢ્યું અને જમ્યો, વળી પાછો શેરડીનો રસ પીધો. હવે ઊંઘ આવવા લાગી. શેરડીના રસના લીધે પેટમાં ભયંકર દુ:ખાવો પણ શરૂ થયો. ઉભા થવાના પણ હોંશ રહ્યા નહોતા. એટલે સૂઈ જવાનું વિચાયું. પણ એમ ઊંઘાય કેવી રીતે? ટ્રેનમાં મિત્રો આવી રહ્યા હતા. એ લોકો સાથે ફરીથી મોબાઈલ પર વાત કરી. ટ્રેન થોડી મોડી ચાલી રહી હતી એટલે મને રાહત થઈ.

થોડોક આરામ કરીને બાઈક જમ્મુ તરફ હંકારી મૂકી. પઠાણકોટ આવતા જ દૂર દૂર હિમાલયના બરફના શિખરો દેખાયા. એ ડેલહાઉસી, ચંબા બાજુના હિલ સ્ટેશનના શિખરો હતા.

હવે ઠંડક મળશે એવું લાગ્યું, પણ એ પહાડો તો બહુ જ દૂર હતા. પઠાણકોટ બાયપાસ કરીને લખમપુર તરફ આગળ વધ્યો. અહીં પેટ્રોલ પુરાવ્યું અને પંપ પરનું ઠંડું પાણી પીધું. એટલી બધી ભયંકર ગરમી હતી કે રૂમાલ ઠંડા પાણીમાં ડુબાડીને માથા પર બાંધી દીધો. અહીંથી મિત્રો સાથે ફોન પર વાત કરતા તેમણે કહ્યું કે હવે ટ્રેન સમયસર ચાલી રહી છે. હવે જમ્મુ-કાશ્મીર રાજ્ય શરૂ થતા જ મારો પ્રીપેઈડ મોબાઈલ બંધ થઈ જવાનો હતો. હું સંપર્ક વગરનો થઈ જવાનો હતો.

લેહનો શાંતિ સ્તૂપ

લખનપુર આવતાં જ ‘વેલકમ ટુ જમ્મુ કાશ્મીર’નું બોર્ડ જોયું. એક અલગ જ રોમાંચ હતો. ટોલ ટેક્ષ અને એક્ષ્સાઈઝ ડ્યુટીનું નાકું હતું. મને એમ કે મારું અહીં ચેકિંગ થશે, પણ કોઈ જ ચેકિંગ નહોતું. મેં જમ્મુની દિશા તરફ બાઈક હંકારી. મારી રેસ હવે જમ્મુ-તાવી એક્સપ્રેસ ટ્રેન સાથે હતી. સમયસર પહોંચવું જરૂરી હતું. જો રેલ્વે સ્ટેશન પર ન મળીએ તો એકબીજાનો સંપર્ક તૂટી જાય અને મોટા શહેરમાં એકબીજાને શોધવા મુશ્કેલ હતાં. થોડીવારમાં કઠુઆ, સાંબા વગેરે નાના નગરો આવ્યા. અહીં રસ્તાની બંને બાજુ છેક જમ્મુ સુધી થોડે થોડે અંતરે નાના-નાના નગરો આવતા હતા. રસ્તો એકદમ સીધો અને સરળ હતો. બપોરે અઢી વાગે હું જમ્મુ રેલ્વે સ્ટેશન પહોંચ્યો. મારે મિત્રોને શોધવાના હતા. પણ નસીબ કહો કે ગમે તે, એ લોકો સ્ટેશનની બહાર આવતા જ મળી ગયા.

પોસ્ટપેઈડનું સીમકાર્ડ લીધું અને મારો ફોન ચાલુ થઈ ગયો. પણ ખરી મુસીબત હવે શરૂ થઈ. એ લોકોની બુલેટ અને બીજી એક સ્પ્લેન્ડર બાઈક ટ્રેનમાંથી ઉતરી નહોતી, ટ્રેનને મોડું થતું હોવાથી રેલ્વેએ વાહન ઉતાર્યા નહોંતા. ટ્રેન આગળના છેલ્લા સ્ટેશન કતરા પહોંચીને બીજે દિવસે પરત જમ્મુ આવશે, ત્યારે બુલેટ મળશે એવું કહ્યું. આથી, અમે હોટલ તરફ ગયા. અમને ફેસબુકમાં એક મિત્રએ કહ્યું હતું કે, “જમ્મુ મેં ૨૦૦ રૂપયે મેં એસી કમરા મિલેંગા, રાઈડર કે લિયે સસ્તા હોતા હૈ”,

ત્યાં પહોંચવા માટે મિત્રોએ રીક્ષા કરી. હું રીક્ષાનો પીછો કરતો, એ હોટલ સુધી પહોંચ્યો. એક સાંકડી ગલીમાં હોટલ હતી. વ્યક્તિદીઠ ૨૦૦ રૂપિયા અને એક રૂમમાં ૨ વ્યકિત. રૂમ સાવ ગંદા, વિન્ડો એસી ૧૬ ઉપર ચાલે, પણ આપણા ઘરમાં ૩૦ ઉપર ચાલતા એસી જેટલી પણ ઠંડક નહિ. પણ કંઈ થઈ શકે એમ નહોતું. સાવ ફસાઈ ગયા હોય એવું લાગતું હતું. રૂમ પણ છેક બીજે માળે અને સામાન પણ જાતે જ ચડાવવાનો. ભયંકર ગરમીમાં પરસેવે રેબઝેબ હતા, ન્હાવા ગયા તો પાણી ન આવે!!! બે માળ નીચે ઉતરી, ત્યાં જઈને કહેવું પડે કે ભાઈ ટાંકી ચાલુ કરો, નળમાં પાણી નથી આવતું, તો કહે કે લાઈટ જ નથી!! સસ્તી હોટલમાં અમારી આવી દુર્દશા, જમ્મુમાં વારે ઘડીએ લાઈટ જતી રહેતી હોય છે, જેનું કારણ અહીં વીજળીની ચોરીઓ બહુ થાય છે.

સાંજે તૈયાર થઈને જમ્મુનું માર્કેટ ફરવા નીકળ્યા. પ્રખ્યાત રઘુનાથ મંદિરના દર્શન કર્યા. મંદિર અંદરથી ખુબ જ સુંદર હતું. પ્રાચીન મૂર્તિઓ હતી. મંદિર ફરતે પેરા મિલિટરીની સુરક્ષા હતી. અમને બહારથી પણ ફોટો પાડવાની મનાઈ કરવામાં આવી.
જમ્મુ સાવ તળેટીમાં છે. વ્યાપારી નગર છે. રાજ્યની શિયાળાની રાજધાની પણ છે. જયારે શ્રીનગર એ પહાડી ક્ષેત્ર અને રાજ્યની ઉનાળાની રાજધાની છે. અહીં જમ્મુમાં પણ ગુજરાતમાં હોય એવી જ ગરમી પડતી હોય છે અને બફારો તો હદ બહારનો હોય છે. જમ્મુ પછીથી જ પહાડી રસ્તા શરૂ થાય છે.

શાંત નગર લેહ

જમ્મુથી શ્રીનગર જવાના બે રસ્તા છે. પ્રથમ ઉધમપુર, પટની ટોપ, અનંતનાગવાળો હાઇવે, જેનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે. જયારે બીજો રસ્તો જુનો મુઘલ રોડ. જે જમ્મુથી નૌશેરા, રાજૌરી, શોપીયાન, પુલવામા થઈને શ્રીનગર જાય છે. આતંકવાદી ઘટનાઓ આ જૂના મુઘલ રોડ પર જ વધારે થતી હોય છે, આ સિંગલ પટ્ટી રસ્તો છે. આ રસ્તો થોડો લાંબો છે, પણ મે મહિનામાં પણ આ રસ્તે બરફ મળશે. જો કે એ થોડોક જોખમી રસ્તો છે, આતંકવાદી હુમલો ક્યારે થાય એ નક્કી નહિ. પણ પ્રવાસી અહીં આંખ બંધ કરીને આર્મી પર ભરોસો કરી શકે છે. આ વિગતો હોટલના માલિકે અમને આપી.

અમારા માટે તો બંને રસ્તા નવા હતા, એટલે અમે મુખ્ય હાઈવે લેવાનું જ નક્કી કર્યું.
રાતે જમીને રૂમ પર પાછા ફર્યા, ત્યાં જઈને જોયું તો વ્યસની પ્રવૃત્તિ ચાલી રહી હતી. પહાડી વિસ્તારમાં વ્યસન કરીને વાહન ચલાવવું એ જોખમી હતું. હું તો ફસાઈ ગયો હોય એવું લાગ્યું. મિત્રોને હું રૂબરૂમાં પહેલી જ વાર જમ્મુમાં મળ્યો હતો. રાતના ૧૨ વાગી ગયા હતા. સુવાની તૈયારી કરી. પલંગ ઉપર પાણી છાંટીને રૂમ થોડો ઠંડો કર્યો, એસી તો નામનું હતું. વર્ષો જૂનું ભંગાર. ત્યાં તો મારી સાથે જે ભાઈ હતા, એમના નસકોરાં શરૂ થઈ ગયા.

હે ભગવાન!! હું ક્યાં ફસાઈ ગયો???
જેમ તેમ રાત પસાર કરી. સવારે ઉઠ્યો, પણ ઊંઘ પૂરી થઈ ન હોવાથી માથું ભારે લાગતું હતું. (ક્રમશ:)

Related posts

પીએમ મોદીની અમેરિકા યાત્રાની સાથે જ ઇન્ટરનેટ પર છવાયું પ્રશ્નોનું વાવાઝોડું, શું પીએમ મોદીએ કો-વેક્સીન જ લગાવી છે?

Zainul Ansari

લેડી રેબિન્સન ક્રૂઝો / એડા બ્લેકજેક માટે મોટો સવાલ હતો લાશ સાથે સફેદ રીંછના ટાપુ પર એકલું રેહવું કઈ રીતે?

Lalit Khambhayata

BIG BREAKING: દેશના હિમાચલ પ્રદેશની એક સ્કૂલમાં 79 વિદ્યાર્થીઓ અને ત્રણ સ્કૂલ સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, તંત્ર થયું દોડતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!