GSTV

Travel Diary-2 / હું થોડો ગભરાયો, કારણ કે ખુલ્લામાં સુવાની મને આદત નથી, પણ બાઈક ચલાવીને થાકી ગયેલો, એટલે તરત જ ઊંઘ આવી ગઈ

Last Updated on July 28, 2021 by Lalit Khambhayata

દિવસ- પહેલો
Travel તારીખ- ૨૭ મે, ૨૦૧૯
આજનો પ્રવાસ- અમદાવાદથી કલોલ, છત્રાલ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, શિરોહી, પાલી, જોધપુર, નાગૌર થઈને નોખા (બિકાનેર) 
આજનું કાપેલ અંતર- ૬૪૫ કિમી
રાત્રિ રોકાણ- નોખા (બિકાનેર, રાજસ્થાન રાજ્ય)

રાજસ્થાનનું આકરું રણ

અગાઉની રાતે બધી જ તૈયારી થઈ ગયેલી. બાઈકની પેટ્રોલ ટેંક ફુલ કરાવેલી. સેડલ બેગ અને ડફલ બેગ તૈયાર હતી. સવારે પહેરવાના સુતરાઉ કપડાં તૈયાર હતા. અમદાવાદથી છેક જમ્મુ સુધીના મેદાની પ્રદેશમાં ૪૦ થી ૪૭ ડિગ્રી ગરમીમાં બાઈક ચલાવવાની હતી. ગરમ કપડાં બેગમાં મૂકીને લઈ જવાના હતા. વોટરપ્રૂફ અને હાઈકીંગ માટેના બુટ, ની ગાર્ડ, હેલ્મેટ, ચશ્મા, હેન્ડ ગ્લોવ્સ બધું તૈયાર હતું, જાણે જંગ પર જવાનું હોય તેમ.

Travel :બાઈક હાલક ડોલક થવા લાગી

સવારે વહેલો ઉઠીને તૈયાર થયો તોય સાડા સાત તો થઈ ગયા. દેવ દર્શને જઈને તરત જ બાઈક ઓઢવ, અમદાવાદથી સરદાર પટેલ રીંગ રોડ તરફ હંકારી, પણ દસેક કિમી ચલાવી હશે ત્યાં તો બાઈક હાલક ડોલક થવા લાગી. પાછળ બેઠું વજન વધારે હતું. આશરે ૩૦થી ૩૫ કિલો. જેના લીધે આગળનું સ્ટીયરીંગ ડગુમગુ થતું હતું. સામાન્ય દિવસોમાં સિંગલ સવારીમાં છુટ્ટા હાથે બાઈક ચલાવીને બેલેન્સ જાળવી શકાય એવી સ્થિતિ અત્યારે નહોતી. મારે બાઈક ઉપર આગળની તરફ વધારે વજન આપવું પડી રહ્યું હતું. જે થકવી દેનારું હતું. સવાર સવારમાં મુડ મરી ગયો.

કોબા સર્કલ થઈને અમદાવાદ મહેસાણાવાળો સ્ટેટ હાઇવે પકડ્યો. થોડીવારમાં કલોલ વટાવીને છત્રાલ પહોંચ્યો અને ઝટકા ખાઈને અચાનક બાઈક બંધ પડી ગઈ! અત્યાર સુધી ક્યારેય આવું થયું નહોતું અને મુહર્તમાં જ બાઈક બંધ! પેલી કહેવત છે ને કે, દશેરાના દિવસે જ ઘોડો ના ચાલે, એવું મારી સાથે થયું. ઘણીવાર પ્રયત્ન કરવા છતાં બાઈક ચાલુ ન થઈ. એક બાજુ સવારનો ટ્રાફિક પણ વધી રહ્યો હતો અને આજનું રાત્રિ રોકાણ બિકાનેર પાસે આવેલ નોખા ગામનું નક્કી હતું. હજુ બાઈક માંડ ૫૦ કિમી જ ચાલી હશે. ત્યાં જ આવું થયું. એક વાર વિચાર્યું કે અહીં જ આવું થયું તો આગળ શું શું થશે? લદ્દાખ કેવી રીતે પહોંચાશે? બાઈક વધારે ઝટકા મારતા એક વાર ઘેર પાછા આવવાનો પણ વિચાર કર્યો, પણ પાછી નિરાશા ખંખેરી લદ્દાખ પહોંચવું જ છે, એ દ્રઢ નિશ્ચય સાથે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. બાઈક બાજુ પર ઉભી કરી, પાંચ મિનિટ પછી શરૂ કરતા બાઈક ચાલુ થઈ ગઈ, પણ બાઈક ઝટકા મારીને આગળ વધતી હતી. ૫૦-૬૦થી વધારે સ્પીડ પર બાઈક ચાલતી જ નહોતી. શું પ્રોબ્લેમ આવ્યો, એ સમજાતું નહોતું. ઝટકા વાગતા બાઈક ચલાવવાની પણ મજા આવતી નહોતી.

કારગીલના બાળકો

અમદાવાદથી મહેસાણા સુધીનો સ્ટેટ હાઇવે ટ્રાફિકથી ઘણો ભરચક હોય છે. વહેલી સવારે અને મોડી રાતે અહીં ટ્રાફિક નડતો નથી. તો બાઈકર્સ એ પ્રમાણે સમય ગોઠવે તો સમયની બચત થશે. જમ્મુ જવા માટે અમદાવાદથી બીજો રસ્તો હિંમતનગર, શામળાજી, નાથદ્વારા, ઉદયપુર, રાજસમંદ થઈને જાય છે, તે નજીક પડે છે. પણ એ પહાડી રસ્તો હોવાથી સમય વધારે બગાડે છે. જયારે એકવાર મહેસાણા પહોંચી ગયા પછી છેક પંજાબ સુધી સાવ ખાલીખમ રસ્તાઓ મળશે. એટલે અમદાવાદથી મહેસાણા સુધીના ટ્રાફિકને સહન કર્યે જ છૂટકો છે.

મહેસાણા પહોંચ્યા પછી ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર વટાવ્યું. પાલનપુર પહોંચતા કંડલાથી આવતો નેશનલ હાઇવે મળી ગયો. રસ્તો ચાર માર્ગી, પહોળો હોવાથી અને ઉત્તર ગુજરાતનું છેલ્લું મોટું શહેર પાલનપુર વટાવી લેતા ટ્રાફિક સાવ ઘટી ગયો. હવે છેક સુધી ક્યાંય ટ્રાફિકની ચિંતા નહોતી. થોડીવારમાં આબુરોડ આવી ગયું. આબુરોડ વટાવીને સ્વરૂપગંજ તરફ આગળ વધતો હતો. રસ્તામાં ડાબી બાજુએ અરાવલી (અરવલ્લી) ગિરિમાળાનું સર્વોચ્ચ શિખર- ગુરુશિખર અને અચલગઢના મંદિરો ચાલુ બાઈકે નરી આંખે જોઈ શકાતા હતા. આબુ પર્વતના જંગલમાં દિવસે જોયેલા રીંછ અત્યારે યાદ આવતા હતા. આ આબુ પર્વતના ગુરુશિખરથી લઈને છેક ઉત્તરે હિમાલય સુધી વચ્ચે કોઈ જ ઊંચા પહાડો આવતા નથી. વચ્ચે ક્યાંક નાની-મોટી ટેકરીઓ છે, બાકી છેક સુધી સાવ સપાટ મેદાન. સ્વરૂપગંજથી પિંડવાડા-ગોગુંડા સુધીના રસ્તે આજે પણ રાત્રે ક્યારેક લૂંટ થતી હોય છે. દિવસે કોઈ તકલીફ હોતી નથી.

પિંડવાડા બાયપાસ કરીને શિરોહીના રસ્તે આગળ વધ્યો. વળી, પાછી અરાવલીની નાની ગિરિમાળાઓ શરૂ થઈ, આ નાની ગિરિમાળાઓ પસાર કરીને જ આગળ વધવાનું હતું. જે આબુ પર્વત સાથે જોડાયેલી છે. અગાઉ ઈ.સ. ૨૦૦૯માં આ રસ્તે ગયેલો. અત્યારે તો શિરોહી શહેર બાયપાસ માટે પર્વત કોતરીને વિશાળ ટનલ બનાવેલી છે. જેમાં વાહન આરામથી પસાર થઈ શકે છે.

બપોર થતા ભૂખ લાગી હતી. એક ખુલ્લા મેદાનમાં જ્યાં કોઈ જ નહોતું ત્યાં ઘેરથી લાવેલું ભોજન કર્યું. જમી લીધા પછી ઊંઘ ચડી. મે મહિનાની ભયાનક ગરમી હતી. પણ આગળ પહોંચવું પણ એટલું જ જરૂરી હતું. ત્યાંથી પાલી પહોંચ્યો. અહીંથી મારે જોધપુરની દિશામાં વળવાનું હતું. સાંજે ૪ વાગતા જોધપુર આવ્યું, અહીંથી નાગૌર-બિકાનેર તરફ જવાનો કોઈ બાયપાસ દેખાતો નહોતો, એટલે શહેરમાં અંદર દાખલ થયો. શહેરમાં પણ રસ્તો બની રહ્યો હોવાથી ડાયવર્ઝન આપેલ હતું, જેમાં ખોટા રસ્તે હું ચડી ગયો. જેમાં આર્મીના વિસ્તારમાં પહોંચી ગયો. આગળને આગળ પહોંચતો ગયો, હું માર્ગ ભટકી ગયો.

હિમાલયનું પ્રાણી મર્મોટ

ત્યાં આગળ કોઈકને રસ્તો પૂછ્યો તો એમણે કહ્યું કે, “આપ ગલત રાસ્તે પર આ ગયે હો, આપકો વાપસ જાના પડેંગા.”

મેં કહ્યું, “આપ મુજે હાઈવે તક પહુંચા દીજિયે, ભલે હી વો કિતના ભી દૂર હો.”

એમણે કહ્યું, “આપકો વાપસ હી જાના પડેંગા, દૂસરા કોઈ રાસ્તા નહિ હૈ.”

આવી ભીષણ ગરમીમાં હેરાન થઈ રહ્યો હતો, મનોમન ગુસ્સો પણ આવી રહ્યો હતો. પણ હું કંઈ કરી શકું એમ નહોતો. પાછો શહેરમાં આવ્યો અને ત્યાંથી મંડોર પહોંચ્યો, ત્યાં શેરડીના રસના ૨-૩ ગ્લાસ પી ગયો. બધા મારો પહેરવેશ જોઇને પૂછપરછ કરતા હતા કે, “કહાં જા રહે હો?”, જયારે હું લદ્દાખ કહું ત્યારે મારી સામું આશ્ચર્યભરી નજરે જોઈ રહેતા હતા.

મંડોરથી થોડે આગળ ગયો ત્યાં અચાનક ફોર લેન હાઇવે પ્રગટ થયો. ગુમાવેલો સમય કવર કરવા ગાડી ફૂલ ઝડપે હંકારી મૂકી. હજુ સફર ઘણી લાંબી હતી. સાંજ પડી ગઈ હતી. વચ્ચેથી ટૂંકા રસ્તાના સાઈન બોર્ડ દેખાતા હતા. પણ જયારે સફર લાંબી હોય ત્યારે ૨૫-૩૦ કિમીનો હિસાબ કરવો સરવાળે મોંઘો પડે છે. કારણ કે આગળ અંદરના વિસ્તારમાં ખાડાવાળા રસ્તા આવશે જ અને એ સમય વધુ બગાડશે. એક મિનિટમાં એક કિમી અંતર કપાય, એ ગણતરીથી હું ચાલી રહ્યો હતો.

રાઈડરે એ ધ્યાન રાખવું કે જોધપુરથી અત્યાર સુધી કોઈ બાયપાસ નથી બન્યો. શહેરમાં જઈને મંડોર પહોચીને જ બીજો હાઈવે પકડવાનો છે, જે બાડમેર-નાગૌર હાઈવે કહેવાય છે.

નાગૌર આવતા પહેલા બાઈકનું પેટ્રોલ રિઝર્વમાં આવી ગયું હતું. અહીંથી ૯૦૦ રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું અને નાગૌર થઈને નોખા તરફ બાઈક હંકારી. આ રેગિસ્તાનના વિસ્તારમાં વચ્ચે વચ્ચે મોટી ગૌશાળાઓ આવી રહી હતી.

ફેસબુકના એક ગ્રુપમાં લદ્દાખની તૈયારી વિશે મેં પૂછેલું, ત્યારે ત્યાંથી એક મિત્ર મળી ગયેલ તેમણે એટલું કહેલું કે, “નોખા નામ સ્મરણ રહે.” અજાણ્યા માણસ પર ભરોસો કેવી રીતે કરાય? પણ એમની પ્રોફાઈલ જોઈને, મળવાની ઈચ્છા જાગી અને રાત તો મારે ક્યાંક રોકાવાનું તો હતું જ. અગાઉના પ્લાનિંગમાં બિકાનેર રોકાવાનું નક્કી કરેલું, પણ પછી આ મિત્ર મળતા બિકાનેરથી પહેલાં નોખા નામનું નાનું નગર આવે છે, ત્યાં રોકાવાનું નક્કી થયું. નોખાથી બિકાનેરનું અંતર ૬૦ કિમી છે, એટલે આજનો ઉતારો ૬૦ કિમી પહેલાં થયો.

લદ્દાખ લઈ જતો પહાડી રસ્તો

મિત્ર સાથે મોબાઈલથી સંપર્ક કરીને ૮ વાગ્યાની આસપાસ હું ત્યાં પહોંચી ગયો. એ કોઈ સ્કૂલ હતી. અમે જાતે ત્યાં શાક-રોટલી રસોડામાં બનાવી. સાથે મારો લાવેલો નાસ્તો અને વિવિધ અથાણાં હતાં. રાત રોકાવા માટે કુલરવાળો રૂમ હતો અને બહાર ખેતરમાં મચ્છરદાની સાથેના ખાટલા હતા.

રાતે વાત કરતા મેં પૂછ્યું કે, “યહાં સર્પ આતે હૈ?”

તો એમણે હા કહી.

હું થોડો ગભરાયો, કારણ કે ખુલ્લામાં સુવાની મને આદત નથી, પણ બાઈક ચલાવીને થાકી ગયેલો, એટલે તરત જ ઊંઘ આવી ગઈ, પણ રાતે ૩ વાગે થાક ઉતરતા મારી ઊંઘ ઉડી ગઈ.

ઘરરર… ઘરરર… ઘરરર… ઘરરર…

મિત્રનો નસકોરાંનો અવાજ આવવા લાગ્યો. નસકોરાંને લીધે મને ઊંઘ આવતી નહોતી. બીજો કોઈ ઉપાય નહોતો. એટલે મોબાઈલની બેટરીના અજવાળે અજવાળે રૂમ પર પહોંચ્યો. ત્યાં જઈને કુલરની સ્વીચ શોધી અને કુલર ચાલુ કર્યું. કુલરનો અવાજ મારા માટે વધારે હતો. વળી, અંદર ગરમી પણ હતી, પણ કુલરની જરૂર પણ એટલી જ હતી. બીજો કોઈ ઉપાય ન હોવાથી કુલર પાસે જ સૂઈ ગયો. (ક્રમશ:)

Related posts

Travel Diary-7 / આગળ હવે ઊંચાઈ પર જવાનું હોવાથી બાઈકના કાર્બોરેટરમાં એર સેટિંગ કરાવવાનું જરૂરી હતું

Lalit Khambhayata

મોટર ઇન્શ્યોરન્સ / શું કુદરતી આફતના કારણે કારને થતા નુકશાન પર મળે છે ક્લેમ? જો નથી તો આ આર્ટિકલ તમારા માટે જ છે

Zainul Ansari

વાહનચાલકોને સરકારે આપી મોટી રાહત: ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ સહિતના આ નિયમોમાં આપી સપ્ટેમ્બર સુધીની છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!