જાન્યુઆરી મહિનામાં અમેરિકાની કમાન સંભાળવા જઇ રહેલા રાષ્ટ્રપતિ જો બાઇડને તેમની નવી ટીમની પસંદગી કરી લીધી છે. જો કે અમેરિકાના મહત્વના હોદ્દાઓ માટે બાઇડનની ટીમમાં એ જ ચહેરાઓ છે કે જેઓ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ કામ કરી ચૂક્યા છે. આથી જ રાજકીય નિષ્ણાંતો બાઇડનના પ્રથમ કાર્યકાળને અપ્રત્યક્ષ રીતે બરાક ઓબામાનો ત્રીજો કાર્યકાળ પણ ગણાવી રહ્યા છે. ત્યારે આવો નજર કરીએ જો બાઇડનની નવી ટીમ પર.

જો બાઇડને તેમના પ્રથમ સંબોધનમાં અમેરિકા ઇઝ બેકનો નારો આપ્યો
અમેરિકાના ઇતિહાસની સૌથી રસપ્રદ અને રોમાંચક ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ જો બાઇડને તેમના પ્રથમ સંબોધનમાં અમેરિકા ઇઝ બેકનો નારો આપ્યો. સાથે જ બાઇડને તેમની નવી ટ્રાન્ઝિશન ટીમનો પણ અમેરિકનોને પરિચય કરાવ્યો. જો કે અમેરિકાના ટોચના હોદ્દાઓ પર બાઇડને એવા નેતાઓ અને અધિકારીઓની પસંદગી કરી છે કે જેઓ બરાક ઓબામા સાથે કામ કરી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી ચૂક્યા છે. આથી જ બાઇડનનું 1.0 વર્ઝન એ ઓબામાનું 3.0 વર્ઝન માનવામાં આવી રહ્યું છે. બાઇડનની ટીમમાં એન્ટની બ્લિન્કેન, જોન કેરી,એવરિલ હેન્સ, જેક સુલિવન, લિંડા થોમસ-ગ્રીનફિલ્ડ જેવા અનુભવી નામ સામેલ છે કે જેઓ ઓબામા વહીવટીતંત્ર સાથે પણ જોડાયેલા હતા. જેના કારણે રાજકીય નિષ્ણાંતો બાઇડન તંત્ર પર ઓબામા તંત્રની સ્પષ્ટ છાપ હોવાનું માની રહ્યા છે.

બાઇડને જોન કેરીને જળવાયુ મુદ્દે રાષ્ટ્રપતિના વિશેષ દૂતની ભૂમિકા માટે પસંદ કર્યા
જો બાઇડનના નવા સાથીદારોની કારકિર્દી પર નજર કરીએ તો જોન કેરીએ વર્ષ 2015માં અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે પેરિસ જળવાયુ પરિવર્તન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે ટ્રમ્પ વહીવટીતંત્રએ બાદમાં તેમને હટાવી દીધા હતા. બાઇડને જોન કેરીને જળવાયુ મુદ્દે રાષ્ટ્રપતિના વિશેષ દૂતની ભૂમિકા માટે પસંદ કર્યા છે. બીજી તરફ એવરિલ હેન્સ અમેરિકાનો નેશનલ ઇન્ટેલિજન્સ વિભાગ સંભાળનારી સૌપ્રથમ મહિલા બનશે. એવરિલ હેન્સ પણ અગાઉ ઓબામા વહીવટીતંત્ર સાથે કામ કરી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિ બાદ સૌથી વધુ મહત્વપૂર્ણ પદ વિદેશપ્રધાનનું
અમેરિકામાં રાષ્ટ્રપતિ બાદ સૌથી વધુ મહત્વપૂર્ણ પદ વિદેશપ્રધાનનું માનવામાં આવે છે. ત્યારે બાઇડને વિદેશપ્રધાન તરીકે એન્ટની બ્લિંકેનની પસંદગી કરી છે. એન્ટની બ્લિન્કેન ઓબામા તંત્રમાં ઉપ-વિદેશ પ્રધાન તેમજ ઉપ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહી ચૂક્યા છે. એ સમયે જો બાઇડન ઉપરાષ્ટ્રપતિ હતા. બીજી તરફ જેક સુલિવનની પણ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ટીમમાં નિયુક્તિ કરવામાં આવી છે. જેક સુલિવન ઓબામાના બીજા કાર્યકાળમાં બાઇડનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. જ્યારે કે લિંડા થોમસ-ગ્રીનફિલ્ડને યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાના દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લિંડા થોમસ-ગ્રીનફિલ્ડ ઓબામાના બીજા કાર્યકાળમાં વર્ષ 2013થી 2017 દરમ્યાન આફ્રિકન મામલાઓના ઉપ-વિદેશ પ્રધાન રહી ચૂક્યા છે.
મારી ટીમ પાસે બેજોડ અનુભવ અને ઉપલબ્ધિઓ છે
જો બાઇડને તેમની ટીમનો પરિચય કરાવતા જણાવ્યું કે મારી ટીમ પાસે બેજોડ અનુભવ અને ઉપલબ્ધિઓ છે. આ ટીમ એ વિચારને પણ દર્શાવે છે કે આપણે જૂના વિચારો અને જૂની આદતો સાથે નવા પડકારોનો સામનો નહીં કરી શકીએ. બીજી તરફ બાઇડનના સાથીદારો પણ તેમની ટીમને ઓબામા તંત્રની ત્રીજી ટર્મ નથી ગણાવતા. તેમનું કહેવું છે કે અમે ઓબામા-બાઇડન તંત્રની સરખામણીએ એક અલગ અને નવી દુનિયાનો સામનો કરી રહ્યા છીએ..
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….