GSTV
Life Travel Trending

ભૂતાને 2.5 વર્ષે ખોલ્યા પ્રવાસન માટેના દરવાજા, ભારત સિવાયના દેશોએ ચુકવવો પડશે અધધધ ચાર્જ

પોતાની શાનદાર સંસ્કૃતિ, ઉંચા પહાડો અને સુંદર ઘાટીઓ માટે પ્રખ્યાત ભૂતાન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જોકે કોરોના મહામારીના કારણે ભૂતાને આશરે 2.5 વર્ષો સુધી પ્રવાસીઓ માટે પોતાના દરવાજા બંધ રાખવા પડ્યા હતા. આખરે આવતીકાલથી ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સહેલાણીઓ માટે ભૂતાનના દરવાજા ખુલી રહ્યા છે. 

ભૂતાનના પર્યટન મંત્રાલયે 23મી સપ્ટેમ્બરથી તેમની સીમાઓ આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જોકે ભારત સિવાયના અન્ય દેશોના પર્યટકો માટે ભૂતાન પ્રવાસ પહેલાની સરખામણીએ ખૂબ જ મોંઘો બની ગયો છે. 

પર્યટકોને ભૂતાન પ્રવાસ મોંઘો પડશે

વિદેશી પ્રવાસીઓએ ભૂતાન પ્રવાસ માટે દૈનિક દરે ટકાઉ વિકાસ ફી (Sustainable Development Fee-SDF) ચુકવવી પડતી હોય છે. તેમાં ભારતીય પ્રવાસીઓએ 15 ડોલર (1,200 રૂપિયા) જ્યારે ભારત સિવાયના દેશોના પ્રવાસીઓએ 65 ડોલર ચુકવવા પડતા હતા. 

હવે ભારત સિવાયના દેશોના પ્રવાસીઓ માટેનો વિકાસ શુલ્ક 65 ડોલરથી વધારીને 200 ડોલર કરી દેવામાં આવ્યો છે. આમ વિદેશી પ્રવાસીઓએ પહેલા ભૂતાનમાં એક દિવસ ગુજારવા માટે 65 ડોલરના વિકાસ શુલ્ક સાથે 200થી 250 ડોલર ચુકવવા પડતા હતા. હવે ભૂતાન સરકારને આપવો પડતો વિકાસ શુલ્ક જ 200 અમેરિકી ડોલર કરી દેવાયો હોવાથી વિદેશીઓ માટે ભૂતાન પ્રવાસ મોંઘો બનવાનો છે. 

2019માં 2.30 લાખથી વધુ ભારતીયોએ લીધી ભૂતાનની મુલાકાત

ભારતીયો માટે પણ ભૂતાન આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ભૂતાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે કોરોના પહેલા વર્ષ 2019માં 2.30 લાખથી પણ વધારે ભારતીય પર્યટકોએ ભૂતાનની મુલાકાત લીધી હતી. તે પૈકીના 16,000થી પણ વધારે લોકોએ ભૂતાનમાં 3-4 દિવસ વીતાવ્યા હતા જ્યારે 4,496 લોકોએ 15થી પણ વધારે દિવસો ભૂતાનમાં ગાળ્યા હતા. 

ભૂતાનની મુલાકાત લેનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભારતીય પર્યટકોની સંખ્યા સૌથી વધુ છે. જોકે ભૂતાન સરકાર દ્વારા વિકાસ શુલ્કમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની ભારતીય પ્રવાસીઓને હાલ પૂરતી કોઈ અસર નહીં પડે. ભારતીય પર્યટકોએ અગાઉની માફક દૈનિક 1,200 રૂપિયા ચુકવવા પડશે. પરંતુ ભૂતાન સરકાર ભવિષ્યમાં આ અંગે સમીક્ષા કરે તેવી શક્યતાઓ છે. 

શું છે વિઝા નિયમો

ભારતીય પર્યટકોને ભૂતાન પ્રવાસ માટે વિઝાની કોઈ આવશ્યકતા નથી હોતી. જોકે તેમણે ભૂતાન પ્રવાસની પરમિટ લેવી પડે છે. જ્યારે વિદેશી પર્યટકોએ ભૂતાન પ્રવાસ માટે વિઝા મેળવવા પડે છે. તેમાં બાંગ્લાદેશ અને માલદીવના પ્રવાસીઓને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપવામાં આવે છે.

શા માટે ભૂતાન સરકારે વધાર્યો શુલ્ક

હકીકતે ભૂતાન સરકારે જળવાયુ પરિવર્તનના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ટુરિઝમ પરિષદના કહેવા પ્રમાણે આ શુલ્ક દ્વારા એકઠી થતી રકમને ભૂતાનને કાર્બન નેગેટિવ બનાવી રાખવાની દિશામાં વાપરવામાં આવશે. પર્વતીય દેશ ભૂતાનના જીડીપીમાં પર્યટન ઉદ્યોગ એક મહત્વનું પાસું છે માટે તે ક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ વધુ સારી ટ્રેઈનિંગ આપવામાં આવશે. 

ભૂતાન પર્યટન પરિષદના ડીજી દોરજી ધારધુલના કહેવા પ્રમાણે પર્યટન ક્ષેત્રમાં ફેરફાર કરવાની રણનીતિ તેમને તેમના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ બનશે. તેઓ પર્યટકોની એક ઉચિત સંખ્યાને ઉચ્ચતમ સ્તરની સેવાઓ આપવા ઈચ્છે છે. જોકે તે સાથે જ તેઓ પોતાના લોકો, સંસ્કૃતિ, મૂલ્યો અને પર્યાવરણને સુરક્ષિત રાખવા ઈચ્છે છે. 

પર્યટન એક વ્યૂહાત્મક અને મહત્વની રાષ્ટ્રીય સંપત્તિ છે જે પર્યટન ક્ષેત્રે કામ કરતા લોકો ઉપરાંત ભૂતાનના તમામ નાગરિકોને પ્રભાવિત કરે છે. ભૂતાનની ભાવિ પેઢીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે પણ પર્યટન સેક્ટરનો વિકાસ જરૂરી છે. 

પર્યટન માટે નવી રણનીતિ ઘડાશે

પર્યટન ક્ષેત્રના વિકાસ માટે ભૂતાન દ્વારા જે નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે તેમાં હોટેલ, ગાઈડ, ટૂર ઓપરેટર્સ અને ડ્રાઈવર સહિતના સેવા પ્રદાતાઓ (સર્વિસ પ્રોવાઈડર્સ) માટે નવા ધારાધોરણો ઘડવામાં આવશે. ઉપરાંત સેવા પ્રદાતાઓએ પર્યટકોને સેવા આપતા પહેલા સરકાર પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. સાથે જ તેમણે પોતાની સેવાઓની ગુણવત્તા વધારવા માટે નવી સ્કિલ્સ પણ કેળવવી પડશે. 

ભૂતાનના વિદેશ મંત્રી ડો. તંદ્રી દોરજીના કહેવા પ્રમાણે કોરોના મહામારીએ તેમને કઈ રીતે પર્યટન ક્ષેત્રને સંગઠિત કરીને ચલાવી શકાય તે વિચારવાની તક આપી છે. જેથી ભૂતાનને આર્થિકની સાથે સામાજીક લાભ પણ થઈ શકે. તેમનો ઉદ્દેશ્ય આ તમામ પાસાઓની સાથે કઈ રીતે કાર્બન ઉત્સર્જનને નીચું રાખી શકાય તે પણ છે. આ દિશામાં એક લાંબા ગાળાનો લક્ષ્ય એ પણ છે કે, તેઓ પર્યટકોને સર્વશ્રેષ્ઠ અનુભવ આપવાની સાથે સાથે તેમના નાગરિકોને સારા પગારની નોકરીઓ આપી શકે. 

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV